ધીરેન્દ્ર શાસ્ત્રીને 2 કરોડના હીરાનો પડકાર ફેંકનાર વેપારીનો યૂ ટર્ન, ડરી ગયા?

PC: rasoiniduniya.com

ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર સુરતના ડાયમંડ વેપારીનું હવા હવાઇ થઇ ગયું છે. બાબા માટે કલેક્ટરને આવેદન પત્રની વાત કરનાર અને 2 કરોડના હીરોનો પડકાર ફેંકનાર હીરાના વેપારીએ હવે પીછેહઠ કરી લીધી છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોમાં પોતાના દિવ્ય દરબારના કાર્યક્રમ માટે આવી રહ્યા છે. એ દરમિયાન સુરતના ડાયમંડના વેપારી જનક બાબરિયાએ બાગેશ્વર બાબાને પડકાર ફેંક્યો હતો કે જો બાબા શરત પુરી કરશે તો તેમના ચરણોમાં 2 કરોડ રૂપિયાની કિંમતના હીરા સમર્પિત કરી દઇશ. પરંતુ હવે આ ડાયમંડના વેપારી ફસકી પડ્યા છે અને તેમણે યૂ-ટર્ન લઇ લીધો છે. તેમણે એક પત્ર લખીને મીડિયાને વિનંતી કરી છે કે આ વિવાદ હવે હું અહીં સ્થગિત કરું છું.

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પેકેટમાં રાખેલા હીરાની સંખ્યા જણાવવાનો પડકાર ફેંકનાર સુરતના હીરાના વેપારી હવે મીડિયાથી અંતર રાખી રહ્યા છે. તે હવે પડકારો બાદ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માંગે છે. આ અંગે તેમણે પત્ર પણ લખ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર હીરાના વેપારી ડરી ગયા છે?

જનક બાબરિયાએ આ પહેલા એક વીડિયો અપલોડ કરીને કહ્યું હતું કે, બાગેશ્વર બાબા સુરતના લિંબાયતમાં આવી રહ્યા છે ત્યારે જો મને આમંત્રણ મળે તો હું તેમને દિવ્ય દરબારમાં જઇને પડકાર ફેંકીશ કે મારી પાસેના પેકેટમાં કેટલાં હીરા છે તેનો આંકડો જો ધીરેન્દ્ર શાસ્ત્રી સાચો કહી દેશે તો 2 કરોડના હીરા તેમના ચરણોમાં સમર્પિત કરી દઇશ.

ડાયમંડ વેપારી જનક બાબરીયાએ હસ્ત લિખિત પત્રમાં જે પ્રમાણે જણાવ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે તેમને વિવાદથી દુર રહેવાનો પુરો રેચ મળી ગયો હશે. તેમણે લખ્યું છે કે આ વિવાદથી ગુજરાતમાં શાંતિનો માહોલ બગડી શકે છે એવું લાગી રહ્યું છે અને સતત ફોનથી હું માનસિક રીતે થાકી ગયો છું. મીડિયાના પણ સતત ફોન આવી રહ્યા છે અને તેઓ મારું નિવેદન માંગી રહ્યા છે, જે હું આપી શકતો નથી.

તેમણે કહ્યું કે, જરૂર પડશે તો હું મધ્ય પ્રદેશ જઇને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સંવાદ કરી આવીશ. પરંતુ અત્યારે આ વિવાદને હું સ્થિગત કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp