સુરતમાં 45+નું વેક્સીનેશન બંધ, તો બીજી તરફ વેક્સીનના ટોકન માટે લોકોએ કરી પડાપડી

PC: Dainikbhaskar.com

રાજ્યમાં હાલ 18 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતમાં વેક્સીનેશનને લઈને સુવિધાઓનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરતમાં વહીવટીતંત્ર દ્વારા આયોજનના અભાવે 45 વર્ષ કરતા વધુ ઉંમરના લોકોએ વેક્સીનના બીજા ડોઝ માટે પડાપડી કરી હતી. 45 વર્ષની ઉંમર કરતા વધારે ઉમરના લોકો વેક્શિનનો બીજો ડોઝ લેવા માટે એકબીજાના હાથમાંથી ટોકન ઝુંટવી લેતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. તો વેક્સીનેશન સેન્ટર પર સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ધજાગરા ઉડાડતા હોવાનું પણ સામે આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી છે અને છેલ્લાં કેટલાક સમયથી લોકોનો વિશ્વાસ વેક્સીનમાં આવ્યો છે અને લોકો વેક્સીન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં તંત્રની બેદરકારી સામે આવી છે કારણ કે, સુરતમાં એક શાળામાં વેક્સીનેશન સેન્ટર સુરત મહાનગરપાલિકા દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ, અહીં તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોએ વેક્સીનના ટોકન માટે પડાપડી કરી હતી.

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલી મેથી વેક્સીન આપવામાં આવી રહી છે પરંતુ, વેક્સીનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કોરોના વેક્સીન જે લોકોએ લીધી છે તેમને કોરોના સંક્રમણનું જોખમ ઓછું રહે છે અને આ જ કારણે લોકો હવે વેક્સીન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના ભીમપોર પ્રાથમિક શાળામાં મહાનગરપાલિકાએ વેક્સીનેશન સેન્ટર ઊભું કર્યું છે અને વેક્સીનેશન સેન્ટર પર ટોકન સિસ્ટમ રાખવામાં આવી રહી છે. લોકો મોટી સંખ્યામાં આ વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવા માટે ધસી ગયા હતા અને ટોકન લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ ઉપરાંત, લોકોના ટોળાએ એકબીજાના હાથમાંથી ટોકન ઝૂંટવી લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે વેક્સીનેશન સેન્ટર પર સામાજિક અંતર અને  માસ્કના નિયમોના ધજાગરા થયા હોવાના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, સુરત મહાનગરપાલિકાને સરકાર દ્વારા દર 10 દિવસે 50 હજાર વેક્સીનનો જથ્થો ફાળવવામાં આવે છે. ત્યારે રોજના પાંચ હજાર લોકો રસી મુકાવા માટે વેક્સીનેશન સેન્ટર પર આવે છે પરંતુ, તેમાંથી પણ જેમનું રજિસ્ટ્રેશન થયું હોય તેમને જ વેક્સીન આપવામાં આવી રહી છે એટલે કે એક જ કલાકમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 5,000 આપોઇન્મેન્ટ ફૂલ થઈ જાય છે અને જેના કારણે બીજા યુવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી.

સુરતના કેટલાક સેન્ટર પર 45 વર્ષથી વધુ ઉંમરના લોકો બીજો ડોઝ લેવા માટે ગયા હતા પરંતુ, વેક્સીનનો જથ્થો ન હોવાના કારણે તેમને વેક્સીન આપવામાં આવી નહોતી. તેથી બુધવારે જથ્થો આવશે તેવું કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ દિવસથી લોકોને વેક્સીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સોમવારે વેક્સીન લેવા માટે 5 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 4609 લોકો વેક્સીન લેવા માટે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp