લોકડાઉનના ભયના પગલે શ્રમિકોનું સુરતમાંથી પલાયન, સર્જાયા ધક્કામુક્કીના દ્રશ્યો

PC: youtube.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને હવે 11,000 જેટલા કેસ 24 કલાકમાં સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી લોકોની ભીડ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ મેચમાં એકઠાં થયેલા લોકોના કારણે કોરોના વધ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 19 એપ્રિલના રોજ 11403 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. તો 117 લોકોના મોત થયા હતા. 11000માંથી સૌથી વધારે પોઝિટીવ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 4000 કરતા વધારે પોઝિટીવ કેસો સામે આવ્યા હતા, તો સુરતમાં મોતનો આંકડો સૌથી વધારે છે. જ્યારે કોરોનાની મહામારી વચ્ચે સરકાર લોકડાઉન લાગુ કરશે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું છે અને આ જ કારણોસર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન તરફ જવા લાગ્યા છે.

ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. આ લોકડાઉનમાં પરપ્રાંતીયોને ખૂબ જ કડવો અનુભવ થયો હતો ત્યારે, સુરતમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં કોરોના પોઝિટીવ કેસો વધતા હવે તેઓ તેમના વતન તરફ જઇ રહ્યા છે.

પરપ્રાંતીય શ્રમિકો મોટાભાગની ટ્રેનો બંધ હોવાના કારણે સરકારી બસોનો ઉપયોગ કરી રહ્યા છે અને ST બસના માધ્યમથી તેઓ વતન જઈ રહ્યા છે ત્યારે, સુરતમાં એસટી બસ ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ST બસમાં કેપેસિટી કરતા વધારે મુસાફરો ધક્કામુક્કી કરીને બેસી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી પછી આવા દ્રશ્યો સામે આવતા તંત્રની ચિંતા ખૂબ જ વધી છે કારણ કે આ બસમાં એક પણ મુસાફર કોરોના સંક્રમિત હોય તો અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે છે.

બીજી મહત્વની વાત છે કે, સુરત સહિત ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસો વધતા કેટલી જગ્યા પર લોકો સ્વૈચ્છિક લોકડાઉન આપી રહ્યા છે અને જેના કારણે ઉદ્યોગ ધંધા બંધ થઈ રહ્યા છે અને આ જ કારણે શ્રમિકો ફરી એક વખત વતન જવા માટે અધીરા બન્યા છે. સરકાર તરફથી વધારે બસો ફાળવવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉ લાગુ થશે નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ લોકડાઉન સમસ્યાનું સમાધાન ન હોવાનું જણાવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પણ લોકડાઉન નહીં થાય તેવું નિવેદન આપવામાં આવ્યુ હતું. છતાં પણ આ શ્રમિકો તેમના વતન તરફ જઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp