ઓસ્ટ્રેલિયા પ્રવાસે ત્રણેય ફોર્મેટમાં બૂમરાહ-શમી માટે BCCI આ પ્લાન કરી રહી છે

PC: timesofindia.indiatimes.com

કોરોનાના સમયમાં એક લાંબા સમય બાદ ભારતીય ટીમ પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સીરિઝ માટે ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત છે. ભારતીય ટીમને અહીં મજબૂત ઓસ્ટ્રેલિયા સાથે ત્રણેય ફોર્મેટ રમવાની છે. એવામાં બે મહિનાના આ લાંબા પ્રવાસ માટે તેમની સામે ખેલાડીઓના ફિટનેસનો પડકાર છે. તેને જોતાં BCCI પોતાના મુખ્ય બોલર જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે વિચારી રહી છે. એક રિપોર્ટ મુજબ, જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમીના કાર્યભાર સંચાલક મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ માટે સર્વોપરી છે. એવામાં ભારતના બંને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીમિત ઓવરોની 6 મેચમાં રમે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ તેમને 17 ડિસેમ્બરથી શરૂ થનારી 4 ટેસ્ટ મેચોની સીરિઝ માટે તૈયાર રાખવા માંગે છે. BCCIની જાણકારી રાખનારા અધિકારીએ કહ્યું કે, ‘જો બંને ફાસ્ટ બોલર T20 સીરિઝ રમે છે તો તેમને ટેસ્ટમાં અભ્યાસ માટે એક જ મેચ મળશે, મને નથી લાગતું કે ટીમ મેનેજમેન્ટ એમ કરશે. ભારતીય ટીમના 2 મહિનાના પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી 3 મેચોની વનડે સીરિઝથી શરૂ થશે. ત્યારબાદ ટીમે આટલી જ મેચોની T20 સીરિઝ પણ રમવાની છે. સીમિત ઓવરોની આ સીરિઝની મેચ સિડની અને કેનબેરોમાં રમાશે. ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની પહેલી અભ્યાસ મેચ 6 અને 8 ડિસેમ્બર વચ્ચે રમાશે. આ દરમિયાન ભારતીય ટીમને છેલ્લી બે T20 આંતરરાષ્ટ્રીય (6 અને 8 સપ્ટેમ્બરે) મેચ પણ રમવાની છે.

ઈશાંત શર્માની ઇજાની સ્થિતિ અત્યારે સ્પષ્ટ નથી, જેનાથી બૂમરાહ અને શમી બંને ભારતીય બોલર ટેસ્ટ અભિયાન માટે ઘણા મહત્વના હશે. એવામાં ટીમ મેનેજમેન્ટ 12 દિવસની અંદર સીમિત ઓવરની 6 મેચોમાં આ બંનેને એક સાથે મેદાનમાં ઉતારવાનું કોઈ જોખમ લેવા નથી માંગતું. એ વાતની સંભાવના વધારે છે કે સીમિત ઓવરોની સીરિઝ દરમિયાન મોહમ્મદ શમી અને જસપ્રીત બૂમરાહને એક સાથે ટીમમાં સામેલ કરવામાં નહીં આવે. એક સંભાવના એવી પણ હોય શકે છે કે બંને વનડે મેચોમાં રમે જ્યાં તેમની પાસે 10 ઓવર કરવાનો અવસર હશે. વનડે બાદ તેઓ ટેસ્ટ મેચ રમે, મોહમ્મદ શમી ગુલાબી બોલ (ડે-નાઈટ ટેસ્ટમાં ઉપયોગ થતાં બોલ)થી અભ્યાસ કરતો પણ જોવા મળ્યો છે, જેનાથી પ્રાથમિકતાની ખબર પડે છે.

ભારતીય ટીમે 17 ડિસેમ્બરે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા પહેલા સિડનીમાં 11-13 ડિસેમ્બર સુધી ગુલાબી બોલથી એક અભ્યાસ મેચ રમવાની છે. બૂમરાહ અને શમી જો T20 મેચોથી બહાર બેસે છે તો તેમાં બોલિંગની મોટી જવાબદારી દીપક ચાહર, ટી નટરાજન અને વૉશિંગટન સુંદર જેવા સ્પીનરો પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp