ઉમર અકમલને લાગ્યો ઝટકો, રમત આર્બિટ્રેશને PCBની અરજી ફગાવી

PC: dnaindia.com

રમત પંચાટ એટલે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ બેટ્સમેન ઉમર અકમલના પ્રતિબંધ કેસમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની દુબઈમાં સુનાવણી કરવાની અરજી ફગાવી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્ષની શરૂઆતમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. ઉમર અકમલના 3 વર્ષના પ્રતિબંધને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ (હાલ સેવા નિવૃત્ત) ફકીર મુહમ્મદ ખોખરે સ્વતંત્ર ન્યાયાધીશ તરીકે સજા ઘટાડીને 18 મહિના કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉમર અકમલની સજાને ચાલુ રાખવા માટે CAS એટલે કે રમત પંચાટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યારે આ બેટ્સમેને પ્રતિબંધ પૂરી રીતે હટાવવા માટે અરજી દાખલ કરી છે.

આ બાબતની જાણકારી રાખનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખર્ચ ઓછો કરવાની દલીલ સાથે દુબઈમાં સુનાવણી કરવાની અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે તેને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આ બાબતે વીડિયો લિંકના માધ્યમથી સુનાવણી કરવાની માંગણી કરી છે, તેના પર અત્યાર સુધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સનો કોઈ જવાબ આવ્યો નથી. એક રિપોર્ટ અનુસાર, ‘ઉમર અકમલની કાયદાકીય ટીમ વીડિયો લિંકના માધ્યમથી સુનાવણી થાય એવું ઇચ્છતી નથી. એવામાં એ વાતની સંભાવના વધારે છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ અનુરોધનો સ્વીકાર કરી લેશે.

કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સના નિયમો અનુસાર, તેના માટે બંને પક્ષોએ તૈયાર રહેવું જરૂરી છે. આ પહેલા કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ઉમર અકમલને 20 દિવસની અંદર લેખિત દલીલો રજૂ કરવા માટે કહ્યું હતું. 30 વર્ષીય ઉમર અકમલ, વિકેટકીપર કામરાન અકમલનો ભાઈ છે. તેણે વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પાકિસ્તાન માટે 16 ટેસ્ટ, 121 વનડે અને 84 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ક્રમશઃ 1003, 3194 અને 1690 રન બનાવ્યા છે. તેણે પોતાની છેલ્લી મેચ ઓક્ટોબર 2019માં રમી હતી. એક ન્યૂઝ એજન્સી અનુસાર, ઉમર અકમલ વિરુદ્ધ PCBની એન્ટીકરપ્શન યુનિટ તપાસ કરી રહી છે. PSLમાં ઉમર અકમલ ક્વોટા ગ્લેડિટર્સ તરફથી રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp