#IndependenceDay: ભારત પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો

PC: india.com

ભારત અને પાકિસ્તાન... બંને દેશોનો જન્મ માત્ર એક દિવસને અંતરે જ થયો. જો કે પાકિસ્તાન એ ભારતમાંથી અલગ પડીને એક રાષ્ટ્ર બન્યું હતું. બંને દેશો વચ્ચે પડેલા ભાગલાના ઘા નું દર્દ એટલી હદે હતું કે આ ઘા ને નાસૂર બનવામાં વાર ન લાગી. આ ઉપરાંત આ નાસૂર પર કાશ્મીરની સમસ્યાએ સતત મીઠું ભભરાવવાનું જ કામ કર્યું. આ સમસ્યાને લીધે બંને દેશો એ બે પૂર્ણ સમયનાં અને એક અડધું યુદ્ધ પણ લડ્યા. બંને પડોશી દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો ક્યારેય સારા ન થયા અને તેની સીધી અસર બંને દેશો વચ્ચેની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના સંબંધો પર પણ પડી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કબડ્ડીની મેચ પણ રમાય તો તેપણ ખૂબ મહત્ત્વની બની જતી હોય છે તો પછી આ બંને દેશો જો તેમની પ્રજાની નસનસમાં વ્યાપ્ત એવા ક્રિકેટની મેચ એકબીજા સામે રમે ત્યારે તો શું હાલ થાય એની આપણને તમામને ખબર છે જ. જ્યારે પણ બંને દેશો વચ્ચેના સંબંધો સારા થયા છે ક્રિકેટને તરત જ વધાવી લેવામાં આવે છે અને જ્યારે આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઓટ આવી છે, ત્યારે ક્રિકેટ જ તેનો સર્વપ્રથમ ભોગ બને છે.

નાનામાં નાની ક્રિકેટ ટુર્નામેન્ટથી માંડીને દ્વિપક્ષીય સિરીઝ કે પછી વર્લ્ડ કપ જેવી અતિમહત્ત્વની ટુર્નામેન્ટ હોય તો ભારત પાકિસ્તાનની મેચનું આગવું મહત્ત્વ હોય છે. બંને દેશોના ખેલાડીઓ ઉપરાંત ફેન્સને પણ એમની ટીમ હારે એ બિલકુલ કબૂલ નથી હોતું. એવું કહેવાય છે કે આ વર્ષની 15મી ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલમાં રમાયેલી ભારત પાકિસ્તાનની મેચને ટીવી ઉપર એક બિલિયનથી પણ વધુ લોકોએ નિહાળી હતી અને તે પણ વિશ્વના ખૂણે-ખૂણેથી.

આઝાદી પછી ભારતનાં જ પ્રયાસોને લીધે પાકિસ્તાનને ICCનું પૂર્ણ દરજ્જાની ટીમનું સ્થાન 1948માં મળ્યું હતું. 1951-52માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતમાં રમાયેલી સિરીઝ એ આ બંને દેશો વચ્ચેની સર્વપ્રથમ દ્વિપક્ષીય સિરીઝ હતી. 1962 અને 1977ના યુદ્ધને લીધે વર્ષો સુધી આ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો બંધ રહ્યા. ફરી એકવાર 1999ના કારગીલના યુદ્ધ સમયે પણ ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ન રમ્યા.

ભારત અને પાકિસ્તાને માત્ર એકબીજાની જ ધરતી ઉપર નહીં, પરંતુ શારજાહ, સિંગાપોર અને ટોરંટો જેવા ન્યુટ્રલ મેદાનો પર પણ એકબીજા સામે ક્રિકેટ રમ્યું છે. આ ઉપરાંત ICC ઈવેન્ટ્સમાં પણ ભારત પાકિસ્તાન ઘણીવાર કોઈ ન્યુટ્રલ દેશમાં સામસામે થયા છે. પચાસ ઓવરના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે કદાપી હાર્યું નથી. 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ચેમ્પિયન જરૂર બન્યું હતું, પરંતુ લીગ મેચમાં તે ભારત સામે તો હાર્યુ જ હતું. તો સર્વપ્રથમ ICC વર્લ્ડ ટી20ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને જ હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

સંબંધોમાં આવતા વારંવારના ચડાવ ઉતરાવને કારણે છેલ્લા 58 વર્ષોમાં આ બંને દેશો માત્ર 60 ટેસ્ટ મેચો જ રમ્યા છે, જેમાં પાકિસ્તાને 12 તો ભારતે 9 ટેસ્ટ્સ જીતી છે. વન-ડેની વાત કરીએ તો 127 વન-ડેમાંથી પાકિસ્તાન 72 તો ભારત 51 મેચો જીત્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં જો કે ભારતનો હાથ અદ્ધર રહ્યો છે. પાકિસ્તાને ભારતને મુખ્યત્વે શારજાહના મેદાનમાં સૌથી વધુ વખત હરાવ્યું છે. ટ્વેન્ટી20ની 6 મેચોમાં ભારત 4 મેચો જીત્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની કેટલીક યાદગાર મેચો હોય તો ટેસ્ટ મેચમાં ચેન્નાઈ અને દિલ્હી ટેસ્ટ જરૂર ગણી શકાય. 1999માં વસીમ અક્રમની કપ્તાનીમાં પાકિસ્તાન ભારતના પ્રવાસે આવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ભારતને માત્ર 12 રને હરાવ્યું હતું. ટેસ્ટની બીજી ઈનિંગમાં પીઠમાં જબરદસ્ત દર્દ હોવા છતાં સચિન તેંદુલકરે પાકિસ્તાનીઓને બિલકુલ મચક ન આપતાં ટીમને છેક વિજય સુધી લઇ ગયો હતો અને આઉટ થઇ ગયો હતો. મેચ પત્યા બાદ, ચેન્નાઈનાં ક્રાઉડે સ્વયંભુ પણે ઉભા થઈને પાકિસ્તાનીઓને તાળીઓ પાડીને વધાવી લીધા હતા, તો સામે પક્ષે પાકિસ્તાનની આખી ટીમે ચેપોકનું રાઉન્ડ માર્યું હતું અને દર્શકોનો આભાર માન્યો હતો. આજ સિરીઝની બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં અનિલ કુંબલેએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર પાકિસ્તાનની દસેય વિકેટો લીધી હતી અને જીમ લેકરના રેકોર્ડની બરાબરી કરી હતી.

ભારત પાકિસ્તાન વચ્ચેની આમતો બધીજ વન-ડે મેચો અત્યંત રસપ્રદ હોય છે પરંતુ 1986માં શારજાહ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલ-એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનના ખુર્રાટ બેટ્સમેન જાવેદ મિયાંદાદે છેલ્લી ઓવરના છેલ્લા બોલે જ્યારે જીતવા માટે ચાર રનની જરૂર હતી, ત્યારે ચેતન શર્માના એક ફૂલટોસ બોલને સિક્સર મારીને ભારતનો લગભગ નિશ્ચિત લાગતો વિજય છીનવી લીધો હતો. તો 1996ના વર્લ્ડ કપમાં બેંગ્લોર ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં અજય જાડેજાએ વકાર યુનુસની કરેલી ધોલાઈ આજે ભારતના તમામ ક્રિકેટપ્રેમીઓને બરોબર યાદ છે.

ભારત અને પાકિસ્તાન બંનેએ વિશ્વને મહાનતમ ખેલાડીઓ આપ્યા છે. પાકિસ્તાન તરફથી જાવેદ મિયાંદાદ, ઝાહિર અબ્બાસ, સઈદ અનવર અને ઈન્ઝમામ ઉલ હક્ક જેવા બેટ્સમેનો મળ્યા તો ઇમરાન ખાન, વસીમ અકરમ અને વકાર યુનુસ જેવા બોલરો પણ મળ્યા. તો ભારતે સુનિલ ગાવસ્કર, સચિન તેંદુલકર, વિરેન્દર સેહવાગ અને રાહુલ દ્રવિડ ઉપરાંત કપિલ દેવ, અનિલ કુંબલે અને હરભજન સિંઘ જેવા બોલરો આપ્યા જે કાયમ એકબીજા સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો વિષે વાત કરવા બેસીયે તો સમય ક્યાં વીતી જાય એનો ખ્યાલ પણ ન આવે, આથી આપણે અહીં જ પૂર્ણવિરામ મૂકવું પડશે.

તમને બધાંને ભારતના આઝાદી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય હિન્દ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp