ગુજરાતના આ ક્રિકેટરનો શ્રીલંકા ટૂરમાં સમાવેશ, કહ્યું પહેલા જ આગાહી થઇ ચૂકી હતી

PC: thelallantop.com

ગુજરાતના સૌરાષ્ટ્રના તરવરિયા યુવાન ક્રિક્રેટર ચેતન સાકરીયાને થોડા મહિના પહેલાં માત્ર 100 લોકો જાણતા હતા. પરંતુ હવે ચેતનને ઓળખવાવાળા  લોકોની સંખ્યા કરોડો પર પહોંચી ગઇ છે અને કદાચ આવતા મહિને તો આ સંખ્યા વધી શકે તેમ છે, કારણ કે ચેતન સાકરિયાની શ્રીલંકા ટૂર પર જઇ રહેલી ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. શ્રીલંકા ટૂરમાં સામેલ થનારા 5  નવા ખેલાડીઓમાં રાજસ્થાન રોયલ્સનો આ ઝડપી બોલર પણ સામેલ છે. IPL 2021માં પોતાના પ્રદર્શનથી લોકોને ચકિત કરનારો ચેનત હવે ઇન્ડિયન કેપ માટે પણ તૈયાર થઇ ગયો છે.

ચેતન સાકરિયાની સફળતા જોઇને તમે રાજી થશો, પરંતું સૌરાષ્ટ્રના આ ઝડપી બોલરની સફર સરળ નહોતી રહી. ગયા વર્ષે જ આ યુવા ખેલાડીએ તેના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા, આ એક વર્ષમાં ચેતને તેના ભાઇને ગુમાવ્યો, તો બીજી તરફ 1.2 કરોડ રૂપિયાનો IPLનો કોન્ટ્રેકટ પણ હાંસિલ કર્યો. IPL 2021માં કમાલની બોલિંગ કરી અને ટુર્નામેન્ટ સસ્પેન્ડ થયા પછી કોરોનામાં પોતાના પિતાને ગુમાવ્યા. આ તમામ સંવેદનશીલ સમયમાંથી પસાર થયેલા ચેતન સાકરીયાએ ભારતીય ટીમમાં પસંદગી થયા પછી એક અંગ્રેજી અખબાર સાથે વાત કરી હતી.

ચેતન સાકરિયાએ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એકસપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ ખુશીની ક્ષણ જોવા માટે કદાચ પિતા હયાત હોતે. પિતા એવું ઇચ્છતા હતા કે હું ભારત તરફથી રમું. હું આજે તેમને ઘણું મિસ કરી રહ્યો છુ. છેલ્લાં એક વર્ષમાં ભગવાને મને અનેક ચઢાવ ઉતારનો સામનો કરાવ્યો. આ સફર એકદમ સંવેદનશીલ રહી છે.

તમને જણાવી દઇએ કે ચેતન સાકરિયાની પહેલીવાર ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. આ પહેલાં કયારેય તે નેશનલ સેટ અપમાં પણ નહોતો. પરંતું  અડધી IPL 2021માં તેના ઉત્કૃષ્ટ દેખાવને કારણે સીધી ટીમ ઇન્ડિયામાં છલાંગ લગાવી દીધી છે.

ચેતન સાકરિયાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે મેં મારા નાના ભાઇને ગુમાવ્યો  પછી IPLનો કોન્ટ્રેકટ મળ્યો, ગયા મહિને મારા પિતાનું મોત થયું અને ભગવાને મારી ટીમ ઇન્ડિયામાં પસંદગી કરાવી દીધી. ચેતને કહ્યું કે મારા પિતા કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે 7 દિવસ સુધી હોસ્પિટલમાં તેમની સાથે રહ્યો હતો. એમની ખોટ કયારેય નહીં પુરાય. મારી ટીમ ઇન્ડિયાની પસંદગી હું મારા સ્વર્ગીય પિતા અને  માતાને સમર્પિત કરું છું, જેમણે મને ક્રિક્રેટ રમવાની મંજૂરી આપી હતી.

આ વર્ષે અધવચ્ચે જ અટકાવી દેવામાં આવેલી IPL 2021માં ચેતન સાકરિયાએ 7 મેચોમાં 8.22ની એવરેજથી રન આપ્યા હતા અને 7 વિકેટ લીધી હતી. ચેતને કહ્યું કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનને મારા પર બહુ ભરોસો હતો. સંજૂ સેમસને IPL વખતે જ કહ્યું હતું કે આવી જ રીતે બોલ નાંખતો રહેશે તો ટુંક સમયમાં જ ઇન્ડિયાની કેપ મળી જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp