શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ધવન બન્યો કેપ્ટન, જુઓ કોણ ઈન કોણ આઉટ

PC: timesofindia.indiatimes.com

શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમને લઇને ઘણા સમયથી જાતજાતની ચર્ચાઓ ચાલી રહી હતી. અગાઉ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી જાણકારી સામે આવી નહોતી. હવે BCCI તરફથી ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.

એક યુવા સ્કોડ બનાવવા પર ભાર આપવામાં આવ્યો છે અને નવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે. આ ટીમમાં ઘણા યુવા અને નવા ચહેરા જોવા મળ્યા છે. દેવદત્ત પડિક્કલથી લઈને ઋતુરાજ ગાયકવાડ સુધી ઘણા એવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમનું ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન રહ્યું. આ ટીમમાં બેટિંગની જવાબદારી શિખર ધવન, પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સુર્યકુમાર યાદવ, ઇશાન કિશન, મનીષ પાંડે, સંજુ સેમસન પર હશે. તો બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર સહિત કુલદીપ યાદવ, ચેતન સકારિયા, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી અને યુઝવેન્દ્ર ચહલ પર છે.

એક નજરમાં ટીમ ખૂબ સંતુલિત નજરે પડી રહી છે અને ઓલરાઉન્ડર્સને પણ જગ્યા આપવામાં આવી છે. હાર્દિક પંડ્યાની ઇજા બાદ ફરી ટીમમાં વાપસી કરવી સારા સંકેત છે. આમ આ વખતે રસપ્રદ એ રહેશે કે ભારતીય ટીમ એક સાથે બે સીરિઝ રમવા જઈ રહી છે. એક તરફ વિરાટ કોહલીની કેપ્ટનીમાં ઈંગ્લેન્ડમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની તૈયારી થઈ રહી છે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ થવાની છે. તો બીજી તરફ શિખર ધવનના નેતૃત્ત્વમાં ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. આ એક એવી ઘટના છે જે પહેલી વખતે થતી નજરે પડી રહી છે.

ભારતીય ટીમના પ્રવાસની વાત કરીએ તો 13-25 જુલાઇ વચ્ચે આખી સીરિઝ કરાવવાની તૈયારીમાં છે. તેમાં 3 વન-ડે અને એટલી જ T20 મેચોની સીરિઝ રમાશે. તેમાં 13, 16 અને 18 જુલાઈએ વન-ડે મેચ થશે તો 21, 23 અને 25 જુલાઇએ T20 મેચ રમાશે.

શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ:                                                  

શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર ઉપકેપ્ટન) પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સુર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર) યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સકારિયા.

નેટ બોલર:

ઇશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદિપ સિંહ, સાઈ કિશોર, સિમરજીત સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp