26th January selfie contest

IPL 2019: 10 વર્ષ પછી પહેલીવાર હરાજીમાં બોલી લગાવતા જોવા નહીં મળે આ દિગ્ગજ

PC: cricketaddictor.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી એડિશન માટેની હરાજી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તમામ ફ્રેન્ચાઇઝીઓ તેના માટે તૈયાર જોવા મળી રહી છે. 18મી ડિસેમ્બરે જયપુરમાં થનારી ખેલાડીઓની હરાજીમાં આ વખતે 'ધ હેમરમેન' એટલે કે હરાજી કરનાર રિચાર્ડ મેડલી બોલી લગાવતા જોવા નહીં મળે. આ વખતે હરાજી દરમિયાન 1003 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે જેમાંના 746 ભારતીયો છે.

એક દાયકાથી પણ વધુ સમય માટે રમવામાં આવતી લીગમાં આ વખતે પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે મેડલી આ હરાજીમાં જોવા નહીં મળે. તેમની જગ્યાએ હ્યુ એડમીડ્સ ખેલાડીઓની બોલી લગાવશે. હ્યુ એડમીડ્સ ક્લાસિક કારના હરાજીકર્તા છે. એડમીડ્સને હરાજીમાં બોલી લગાવવાનો 30 વર્ષનો અનુભવ છે. મેડલીએ પોતે જ ટ્વિટર પર ટ્વિટ કરીને જાણ કરી હતી કે આ વખતે તે આઈપીએલનો ભાગ નહીં હોય. મેડલીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, 'આઇપીએલ 2019ની હરાજીને આયોજિત ન કરવા બદલ હું દિલગીર છું. આઈપીએલના પ્રારંભથી હું આ રમતનો ભાગ રહ્યો છું તે મારા માટે સન્માનીય વાત છે. હું ભારત અને તેની બહારના ઘણાં મિત્રોને મિસ કરીશ. તમારા દ્વારા અપાયેલા આદર માટે આભાર. ધ હેમરમેન.'

આ વખતે હરાજીમાં 800 જેટલા એવા ખેલાડીઓ છે જેઓ અગાઉ ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી. લીગના ઇતિહાસમાં આવું પહેલી વખત છે કે 9 રાજ્યોના ખેલાડીઓએ પોતાની હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, ઉત્તરાખંડ અને પુડુચેરી શામેલ છે. જેને આ વર્ષે બીસીસીઆઈએ સ્થાનિક ક્રિકેટ રમવાની મંજૂરી આપી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp