વરસાદ પડે તો નો ટેન્શન, પડછાયો પણ ન દેખાય, 11 પીચ, જાણો સ્ટેડિયમની ખાસિયતો

PC: BCCI

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે જે કુલ 63 એકરથી વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતા છે જે આજ દિન સુધી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિટમ તરીકે ઓળખતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં ઘણી વધારે છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મહત્તમ પ્રેક્ષક ક્ષમતા 90,000ની છે.

આ સ્ટેડિયમ કુલ 2,38,714 ચોરસ મીટરમાં ફેલાયેલું છે જે 32 ઓલિમ્પિક કદના ફુટબોલના મેદાનને ભેગા કરવામાં આવે એટલું ક્ષેત્રફળ છે. આ સ્ટેડિયમનું નિર્માણ કરવા માટે 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 MT રેઇનફોર્સ જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્ટેડિયમનું માળખું તૈયાર કરવા માટે પ્રિ-કાસ્ટ Y કોલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે - એક Y કોલમનું વજન 260 ટન હોય છે જે 65 એશિયાટિક હાથીના કુલ વજન જેટલું છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સમગ્ર દુનિયામાં નિર્માણ પામેલા અન્ય સ્ટેડિટમની ડિઝાઇન તૈયાર કરનારી ઑસ્ટ્રેલિયાની વિખ્યાત આર્કિટેક્ટ કંપની પોપ્યૂલસ આ નવા સ્ટેડિયમની આર્કિટેક્ટ છે. અગ્રણી બાંધકામ કંપની લાર્સન એન્ડ ટુર્બોએ નવા સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરીને તેનું બાંધકામ કર્યું છે અને STUP કન્સલ્ટન્ટ્સ અહીંના પ્રોજેક્ટ વ્યવસ્થાપન કન્સલ્ટન્ટ છે.

આ ભવ્ય સ્ટેડિયમમાં લાલ અને કાળી માટીમાંથી 11 પીચ બનાવવામાં આવી છે અને દુનિયામાં આ એકમાત્ર એવું સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય અને પ્રેક્ટિસ માટેની પીચ માટે એકસમાન પ્રકારની માટીની સપાટી ઉપબલ્ધ છે.

આ ક્રિકેટ મેદાનમાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમ છે જેના કારણે વરસાદ રોકાયા પછી માત્ર 30 મિનિટમાં આખા મેદાનમાંથી પાણી સાફ થઇ જાય છે જેથી ભીના મેદાનના કારણે મેચ રદ્દ કરવાની સ્થિતિ ટાળી શકાય છે.

રાત્રી ક્રિકેટ મેચ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી પરંપરાગત હાઇ માસ્ટ ફ્લડલાઇટ્સના બદલે આ સ્ટેડિયમમાં ચારેબાજુની છતના ભાગે LED લાઇટ્સ ફીટ કરવામાં આવી છે જેથી પડછાયા વગરનો પ્રકાશ મળે છે. ભારતમાં સૌપ્રથમ વખત આ રીતે લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાઇટ્સમાં દર કલાકે 700 યુનિટ્સ વીજળી વપરાય છે જ્યારે પરંપરાગત હાઇ માસ્ટ ફ્લડ લાઇટ્સમાં દર કલાકે 1350 યુનિટ વીજળી વપરાતી હોવાથી આ પ્રકારે 45-50% જેટલી વીજળીની બચત પણ થઇ શકશે.

દુનિયામાં આ એકમાત્ર એવું ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં ખેલાડીઓ માટે ચાર ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેથી એક જ દિવસમાં વારાફરતી રમતનું આયોજન થઇ શકે. ખેલાડીઓ માટે બે સૌથી અદ્યતન જીમ્નેશિયમની સુવિધા પણ ડ્રેસિંગ રૂમ એરિયામાં આપવામાં આવી છે.

9 મીટરની ઊંચાઇએ 360 ડિગ્રી પોડિયમ કોન્કોર્સના કારણે પ્રેક્ષકો સરળતાથી અવરજવર કરી શકે છે અને તેનાથી કટોકટીની સ્થિતિમાં સરળતાથી બધા બહાર નીકળી શકે છે અને આતિથ્ય તેમજ અન્ય સેવાઓ માટે તે સગવડપૂર્ણ છે. સૌથી અદ્યતન એવા હાઇ-ટેક મીડિયા બોક્સના કારણે લાઇવ ક્રિકેટ માટે દુનિયા સાથે સૌથી ઝડપી કનેક્ટિવિટી થઇ શકે છે.

આ સ્ટેડિયમમાં દુનિયામાં સૌથી વધુ 76 કોર્પોરેટ બોક્સ છે અને દરેક 25 બેઠકોની ક્ષમતા છે.

55 મીટર લંબાઇ અને 35 મીટર પહોળાઇની વિશાળ પગદંડીઓના કારણે ક્રિકેટ રસિયાઓ સરળતાથી પ્રવેશી શકે અને બહાર નીકળી શકે છે.

આ સ્ટેડિયમ વિશાળ માર્ગો સાથે સારી રીતે જોડાયેલું છે તેમજ BRTS સુવિધા તેમજ ફોર અને ટુ-વ્હિલર વાહનો માટે વિશાળ પાર્કિંગ સુવિધાઓથી સજ્જ છે. તેને ટૂંક સમયમાં MEGA મેટ્રો ટ્રાન્સપોર્ટ મોડ દ્વારા પણ જોડવામાં આવશે.

આ સ્ટેડિયમમાં આશાસ્પદ ક્રિકેટરોને તાલીમ આપવા માટે ક્રિકેટ એકેડેમી, ઇન્ડોર પ્રેક્ટિસ પીચ, નાના પેવેલિયન એરિયા સાથે બે અલગ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે.

અહીં 50 ડિલક્સ રૂમ અને 5 સ્યૂટ રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક કદનો સ્વિમિંગપૂલ, જીમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર અને ટીવી રૂમ જેવી સુવિધાઓ પણ છે. ફુટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક વગેરે જેવી બહુવિધ રમતો માટેનું આ રમતગમત સંકુલ પણ આ સ્ટેડિયમનો એક હિસ્સો બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp