RCB સામે હાર્યા પછી રોહિતે જણાવ્યું શા માટે ઈશાન કિશનને સુપર ઓવરમાં ન મોકલ્યો

PC: crickethub.club

IPL 2020ની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવી દીધા. સુપર ઓવરમાં બેંગલોરને જીતવા માટે 8 રનનું લક્ષ્ય મળ્યું હતું અને કોહલીએ છેલ્લી બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી. આ પહેલા બંને ટીમોએ 20-20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા.

આ પહેલા 202 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડી ઈશાન કિશને 58 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને 9 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમ છતાં કેપ્ટન રોહિત શર્માએ સુપર ઓવરમાં બેટિંગ માટે ઈશાન કિશનને મોકલ્યો નહીં. જોકે, મેચ પછી રોહિત શર્માએ જણાવ્યું કે તેણે શા માટે સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે ઈશાન કિશનને ન મોકલ્યો.

રોહિત શર્માએ કહ્યું કે, આ ક્રિકેટ માટેની એક ખૂબ જ સરસ મેચ હતી. શરૂઆતમાં અમે મેચમાં નહોતા. પણ મને વિશ્વાસ હતો કે અમે 200 રનનું લક્ષ્ય ચેઝ કરી શકીએ છે. કારણ કે અમારી ટીમમાં ઘણાં પાવર હીટર બેટ્સમેન છે. એમાં જરા પણ શંકા નથી કે બેંગલોરની ટીમે અમારા કરતા સારી રમત દેખાડી અને એ જ કારણે તેમની જીત મળી.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આગળ કિશન અને પોલાર્ડની બેટિંગ બાબતે વાત કરી. શર્માએ કહ્યું કે, શરૂઆતમાં કિશન બરાબર નહોતો રમી શક્યો, પણ ત્યાર પછી તેણે ખૂબ જ સરસ બેટિંગ કરી. પોલાર્ડ અને ઈશાન કિશનને કારણે અમે મેચમાં આટલા નજીક પહોંચી શક્યા.

 તો સુપર ઓવરમાં ઈશાન કિશનને બેટિંગ માટે ન મોકલવાના કારણ પાછળ રોહિત શર્માએ કહ્યું કે, અમે પહેલા વિચારેલું કે ઈશાન કિશનને સુપર ઓવરમાં બેટિંગ માટે મોકલીશું. પણ આટલા સમય સુધી ક્રીઝ પર બેટિંગ કરવાના કારણે તે ફ્રેશ મહેસૂસ નહોતો કરી શક્યો. માટે અમે હાર્દિકને બેટિંગ કરવા મોકલ્યો. જે એક બીગ હીટર છે.

જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશને પોતાની 99 રનની ઈનિંગમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે બેંગલોરા ફાસ્ટ બોલરો સામે સ્ટેડિયમની ચારેય બાજુ શોટ્સ ફટકાર્યા હતા. તે જ કારણ હતું કે સુપર ઓવરમાં ઈશાન કિશનને ન મોકલવા પર ક્રિકેટ પ્રેમીઓએ નાખુશતા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp