Video: કોમનવેલ્થમાં ભારતીય હોકી ટીમ સાથે સેમિફાઇનલમાં લુચ્ચાઈ, સેહવાગે ગુસ્સામાં

PC: zeenews.india.com

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલા 22માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ શાનદાર ફોર્મમાં રહી. ટીમ પોતાની દમદાર ગેમને પગલે સેમિફાઇનલમાં પહોંચી. પરંતુ, અહીં તેણે અપ્રામાણિકતાનો શિકાર બનવુ પડ્યું. જેની કિંમત તેણે સેમિફાઇનલમાં હાર સાથે ચુકવવી પડી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાએ 3-0થી મેચ પોતાના નામે કરી લીધી. બસ આ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમ સાથે અપ્રામાણિકતા થઈ, જેને પગલે આખી ટીમનું મનોબળ તૂટી ગયું. તેની ટીકા પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ કરી છે.

કોમનવેલ્થમાં શુક્રવાર (5 ઓગસ્ટ)ના રોજ ભારતીય મહિલા હોકી ટીમની સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. આ મેચમાં શરૂઆતી ત્રણ ક્વાર્ટર સુધી ઓસ્ટ્રેલિયા 1-0થી હાવી હતું, પરંતુ ચોથા ક્વાર્ટરમાં ભારતે ગોલ મારીને મેચ બરાબર કરી દીધી. આ એકમાત્ર ગોલ વંદના કટારિયાએ 49મી મિનિટમાં માર્યો હતો. ત્યારબાદ મેચ ફુલ ટાઈમ પૂર્ણ થયા બાદ ડ્રો પર પૂર્ણ થઈ ગઈ. આ કારણે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી. ઓસ્ટ્રેલિયાના પહેલા પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય કેપ્ટન અને ગોલકીપર સવિતા પૂનિયાએ સ્ફૂર્તિથી ગોલ બચાવી લીધો હતો. પરંતુ, અહીં રેફરીએ જણાવ્યું કે ટાઈમર ચાલુ જ નહોતો. આ કારણે ઓસ્ટ્રેલિયાએ આ પેનલ્ટી બીજીવાર લેવી પડી.

હવે, અહીં ટીમ ઈન્ડિયાની કોઈ ભૂલ નહોતી, પરંતુ રેફરીની ભૂલની સજા તેમણે જ ભોગવવી પડી. જ્યારે ફરીવાર પેનલ્ટી મળી તો ઓસ્ટ્રેલિયાએ કોઈ ભૂલ ના કરી અને ગોલ કરી દીધો. અહીંથી ભારતીય ખેલાડીઓનું મનોબળ તૂટવા માંડ્યું. આ જ કારણે ઓસ્ટ્રેલિયાએ 3-0થી મેચ જીતી લીધી. આ સમગ્ર ઘટનાથી ખેલ જગતના દિગ્ગજ સહિત ફેન્સ પણ નારાજ છે. જણાવી દઈએ કે, આ પહેલા મેચમાં પણ ભારતીય ટીમને એકસ્ટ્રા ટાઈમ સુધી મેચ રમાડવામાં આવી હતી.

વીડિયોમાં તમે સાંભળી શકો છો કે, કમેન્ટેટર્સ પણ એવુ જ કહી રહ્યા છે કે તેમા ભારતીય ટીમની શું ભૂલ છે. તેના પર વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરતા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે લખ્યું- પેનલ્ટી મિસ થઈ ઓસ્ટ્રેલિયાથી અને અમ્પાયરે કહ્યું, સોરી ક્લોક સ્ટાર્ટ નહોતી. જ્યાં સુધી આપણે સુપરપાવર ના બની ગયા ત્યાં સુધી ક્રિકેટમાં પણ આવો પક્ષપાત થતો હતો. હોકીમાં પણ આપણે જલ્દી સુપરપાવર બનીશું. પછી બધી ઘડિયાળો સમય પર સ્ટાર્ટ થશે. આપણી છોકરીઓ (ખેલાડીઓ) પર ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp