શું BCCIના અધ્યક્ષ બનવા ઇચ્છશો? સચિને આપ્યો જવાબ, કહ્યુ- હું 140 સુધી ફેંકતો નથી

PC: biharivoice.com

શુક્રવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં મીડિયા દ્વારા આયોજિત એક કોન્ક્લેવ 2023માં એક વિશેષ અતિથિએ ભાગ લીધો હતો. 'ક્રિકેટના ભગવાન' તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે 'સચિનિઝમ એન્ડ ધ આઈડિયા ઓફ ઈન્ડિયા' સેશનમાં પોતાના દિલની વાત કરી હતી. સચિન તેંડુલકરે અહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ODI વર્લ્ડ કપથી ODI ક્રિકેટના ભવિષ્ય વિશે પણ વાત કરી, સાથે સાથે તેની કારકિર્દીની ઘણી રમુજી વાર્તાઓ પણ કહી. જાણો મીડિયા દ્વારા આયોજિત કોન્ક્લેવમાં સચિન તેંડુલકરે શું કહ્યું.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે અહીં BCCI અધ્યક્ષ પદને લઈને નિવેદન આપ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ક્રિકેટરો જ BCCIના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખ બની ગયા છે તો શું સચિન પણ ક્યારેય આ પદ પર આવશે? જેના પર સચિન તેંડુલકરે રમુજી જવાબ આપતા કહ્યું કે, હું ફાસ્ટ બોલિંગ નથી કરતો (રોજર બિન્ની, સૌરવ ગાંગુલી મીડિયમ પેસર હતા), પ્રવાસ પર જ્યારે સૌરવ ગાંગુલીએ વિકેટ લીધી ત્યારે તે 140 Km પ્રતિ કલાકની ઝડપે ફેંકવાની વાત કરી રહ્યો હતો, પરંતુ ત્યાર પછી તેની પીઠમાં સમસ્યા થઇ ગઈ હતી. સચિને હસીને કહ્યું કે, હું 140 સુધી ફેંકતો નથી. એટલે કે સચિને આ પદ માટેનો સવાલ એક રીતે ટાળી જ દીધો હતો.

સચિન તેંડુલકરે પોતાની વાતચીતની શરૂઆત એક ટુચકાથી કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, મેં હરભજન સિંહને પહેલીવાર મોહાલીમાં જોયો હતો, મને કોઈએ કહ્યું હતું કે ભજ્જી દૂસરા ખૂબ જ સારી નાખે છે. આ 90ના દાયકાની વાત છે, દરેક બોલ પછી તે રનઅપ પર પાછા ગયા વગર મારી પાસે આવતો હતો. જ્યારે તે પાછળથી ટીમમાં આવ્યો ત્યારે તેણે તેના વિશે વાત કરી. કારણ કે હું બોલ રમતા પહેલા મારુ માથું હલાવતો હતો, ત્યારે તેને લાગતું હતું કે હું તેને બોલાવી રહ્યો છું.

શું સચિન તેંડુલકર હજી પણ ઘરે બેટિંગ પ્રેકટીસ કરે છે, શું તે હજી પણ નેટ પર જાય છે? આ સવાલ પર સચિન તેંડુલકરે કહ્યું કે, હવે એવું રોજ નથી થતું, વચ્ચે કેટલીક ટુર્નામેન્ટ રમાતી હતી અને પછી કેટલીક પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. પરંતુ હું માનું છું કે જ્યારે તમારા હાથમાં બેટ હોય ત્યારે તે માત્ર મનોરંજન માટે ન હોવું જોઈએ.

શું સચિનને તેની દરેક વખતે આઉટ થયાનું યાદ છે? આ સવાલના જવાબમાં સચિને હસી મજાક કરી. 1990માં, સચિન ઇંગ્લેન્ડમાં 10 રન પર આઉટ થયો હતો, સચિને કહ્યું હતું કે, તે ક્રિસ લુઇસ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. 1992માં જ્યારે સચિન પહેલીવાર વર્લ્ડ કપ રમી રહ્યો હતો ત્યારે તેને ઈયાન બોથમે આઉટ કર્યો હતો. સચિને કહ્યું કે, જ્યારે ઈયાન બોથમે ઉજવણી કરી ત્યારે હું ખુશ નહોતો. અહીં સચિનને અહીંયા તેના જે પણ આઉટ થવાના કિસ્સા પૂછવામાં આવ્યા હતા, તેણે તે બધાનો સાચો જવાબ આપ્યો હતો.

તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પિચને લઈને ઘણો વિવાદ થયો હતો. સચિન તેંડુલકરે આ ચર્ચા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, સચિન તેંડુલકરે કહ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટની ચર્ચા એ ન હોવી જોઈએ કે તે કેટલા દિવસ ચાલે છે, પરંતુ તે સંલગ્ન છે કે નહીં તે અંગેની હોવી જોઈએ. જ્યારે તમે કોઈપણ પ્રવાસ પર જાઓ છો ત્યારે તે સરળ નથી હોતું, મારા માટે તમે જે પીચ પર રમો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હોય છે.

સચિન તેંડુલકરે કહ્યું કે, T20 અને ODI બેટ્સમેન માટે છે, પરંતુ અમારે ટેસ્ટ ક્રિકેટ બોલરો માટે બનાવવી પડશે. જો તમે ડેડ પીચ આપો છો તો બોલરો માટે કંઈ નથી. અંતે કંઈ થતું નથી અને ટેસ્ટ ક્રિકેટની મજા બગડી જાય છે. પીચના વિવાદમાં આટલું બધું ન જવું જોઈએ, તમારે ટેસ્ટ ક્રિકેટની મજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તે કેટલા દિવસ ચાલે છે કે નહીં, ફોકસ તેના પર ન હોવું જોઈએ.

ટેસ્ટ ક્રિકેટની સાથે સચિને વનડેના ભવિષ્ય વિશે પણ વાત કરી હતી. સચિને કહ્યું કે, એ વાત સાચી છે કે વનડે ક્રિકેટ બોરિંગ થઈ રહ્યું છે. જ્યારે તમે 50-ઓવરની મેચમાં બે બોલ લાવો છો, ત્યારે તમે રિવર્સ સ્વિંગને ખતમ કરી નાખો છો. હવે તમે 30 યાર્ડના વર્તુળમાં 5 ફિલ્ડરો રાખી રહ્યા છો, તો સ્પિનરોને મુશ્કેલી પડી રહી છે, જ્યાં તેઓ ખુલી શકતા નથી. ODI ક્રિકેટ કંટાળાજનક બની રહ્યું છે, જેને ફરી જીવંત કરવું પડશે.

મીડિયા દ્વારા આયોજિત કોન્ક્લેવમાં સચિન તેંડુલકરે કહ્યું કે, ક્રિકેટમાં લાળ (સલાઈવા) પરત આવવી જોઈએ, તે કોરોના દરમિયાન પાછી ખેંચી લેવામાં આવી હતી, જે તે સમયે યોગ્ય નિર્ણય હતો. પરંતુ હવે તે ક્ષણ પસાર થઈ ગઈ છે, આવી સ્થિતિમાં આપણે આગળ વધવું જોઈએ. મેં ખેલાડીઓને આર્મ-પીટ પર બોલ લગાવતા જોયા છે. સચિને કહ્યું કે ઘણા બોલરો પણ લાળ (સલાઈવા) પરત લાવવા માંગે છે.

વિમેન્સ પ્રીમિયર લીગ અંગે સચિન તેંડુલકરે કહ્યું કે BCCIએ ઐતિહાસિક નિર્ણય લીધો છે, BCCIએ પોતાનું કામ કર્યું છે અને હવે મહિલા ક્રિકેટને સપોર્ટ કરવાનો આપણો વારો છે. WPLમાં મહિલા ક્રિકેટરોને ફિલ્ડિંગ કરતી જોઈને મને આશ્ચર્ય થાય છે, આ એક શરૂઆત છે અને આપણે તેને સમર્થન આપવું જોઈએ. સચિને કહ્યું કે, તમારે જીવનમાં એક હીરોની જરૂર છે, જેની પૂજા કરીને આપણે મોટા થઈએ છીએ. સાઇના, મેરી કોમ, સિંધુ, PT ઉષાએ આ કામ કર્યું છે. અત્યાર સુધી જે રમત રમાઈ હતી તેમાં ત્યારે કવરેજ નહોતું, લોકો ફોલો કરતા ન હતા, પણ હવે એવું નથી.

અહીં તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ક્રિકેટ ચાહકોમાં હજુ પણ તેનો ક્રેઝ છે. સચિન તેંડુલકરના આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો તેના નામે ઘણા એવા રેકોર્ડ છે, જેને તોડવા મુશ્કેલ છે. સચિન તેંડુલકરે ભારત માટે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે, તેની પાસે 51 ટેસ્ટ સદી છે. સચિનના નામે 463 વનડેમાં 18426 રન છે, જેમાં 49 સદી તેના નામે છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન અને આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp