BIRTHDAY SPECIAL: યુવરાજ સિંઘ વિશે જાણીએ રસપ્રદ વાતો

PC: indianexpress.com

યુવરાજ સિંઘનું નામ સામે આવતાં જ આપણને બધાંને તેણે 2007ના ICC વર્લ્ડ ટ્વેન્ટી20ની એક મેચમાં ડર્બનમાં સ્ટુઅર્ટ બ્રોડને મારેલા છ બોલમાં છ સિક્સરોની યાદ આવી જાય. યુવરાજે ભારતને કેટલીયે મેચ વિનિંગ ઇનિંગ્સ દ્વારા જીતાડ્યું છે. 2003ના વર્લ્ડ કપ અગાઉ તેણે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે જ નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં મોહમ્મદ કૈફ સાથે જોડી બનાવીને ભારતને વિજયની કગાર પર લાવીને મૂકી દીધું હતું. આ ઉપરાંત 2011ના વર્લ્ડ કપમાં તો યુવરાજ સિંઘમેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. આમ યુવરાજ સિંઘ એ ભારતનો અત્યંત લોકપ્રિય ક્રિકેટર છે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

યુવરાજ હાલમાં ભારતીય ટીમમાં પરત થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનું હાલનું ડોમેસ્ટિક ક્રિકેટનું પરફોર્મન્સ પણ તેને એવી આશા આપી શકે છે કે તે ટૂંક સમયમાં ટીમમાં પરત થઇ શકે તેમ છે. આજે યુવરાજના જન્મદિવસે આપણે ‘યુવી’ને શુભેચ્છાઓ આપીએ કે તેનો આ સંઘર્ષ બહુ જલદીથી સફળ થાય અને તેને આપણે ભારતીય ટીમમાં ફરીથી રમતો જોઈએ.

યુવરાજ સિંઘ વિશે કેટલીક અજાણી હકીકતો:

  • યુવરાજ સિંઘના પિતા યોગરાજ સિંઘ પણ ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ એક ફાસ્ટ બોલર હતા. ક્રિકેટ છોડ્યા પછી તેઓ પંજાબી ફિલ્મોમાં હિરો પણ રહી ચૂક્યા હતા.
  • સચિન તેંદુલકર પછી યુવરાજ સિંઘ એકમાત્ર એવો ક્રિકેટર છે, જે ઇંગ્લેન્ડની કાઉન્ટી યોર્કશાયર વતી રમી ચૂક્યો હોય. યોર્કશાયર કાઉન્ટીની ગણતરી ઇંગ્લેન્ડની સૌથી રૂઢિવાદી કાઉન્ટી તરીકે થાય છે અને ભાગ્યે જ કોઈ એશિયન ખેલાડી તેના વતી રમી શકતો હોય છે. હાલમાં સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પુજારા પણ આ કાઉન્ટી માટે થોડો સમય રમ્યો હતો.
  • 2006માં માઈક્રોસોફ્ટે યુવરાજ સિંઘને તેની 360 ગેમ્સના કન્સોલ Xbox ના ભારતના માર્કેટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો.
  • અન્ય ક્રિકેટરોની માફક યુવરાજ સિંઘ પણ કેટલીક અંધશ્રદ્ધા ધરાવે છે. યુવરાજ કાયમ 12 નંબરની જ જર્સી પહેરીને વન-ડે કે ટ્વેન્ટી20 ક્રિકેટ મેચ રમવા ઉતરે છે. કારણ કે તેની જન્મતારીખ પણ 12 છે અને તેના જન્મનો મહિનો પણ 12 એટલે કે ડિસેમ્બર છે. આ ઉપરાંત યુવરાજ સિંહ પોતાના જમણા કાંડે એક કાળો દોરો પણ બાંધી રાખે છે.
  • યુવરાજ સિંઘ બાળપણથી જ સચિન તેંદુલકરનો બહુ મોટો ચાહક છે. સચિનની 2008ની પાકિસ્તાન સામેની ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પર રમેલી ઇનિંગને યુવરાજ સિંઘ તેણે અત્યાર સુધી જોયેલી સચિનની શ્રેષ્ઠ ઇનિંગ ગણાવે છે. યુવરાજ કાયમ પોતાના ક્રિકેટિંગ કરિયરમાં સચિન સાથે ગાળેલી પળોને પોતાની શ્રેષ્ઠ પળ ગણાવતો હોય છે.
  • સચિનને આટલો બધો પ્રેમ કરતા યુવરાજને એકવાર સચિનની વઢ પણ ખાવી પડી હતી. એકવાર યુવરાજ કોઈ મેચમાં સસ્તામાં આઉટ થઇ જતાં તે અત્યંત હતાશ થઇ ગયો હતો અને આવેશમાં આવી જઇને તેણે ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરતાં જ પોતાનું બેટ ફેંક્યું હતું. આ જોઇને સચિન ગુસ્સે થઇ ગયો હતો અને યુવરાજને વઢતા તેણે કહ્યું હતું કે જે બેટ તે ફેંક્યું છે, તેનાથી તારા ઘરમાં દાળ રોટી બને છે. આથી તારા બેટનું સન્માન કરતાં શીખ. ત્યારબાદ યુવરાજે આ ભૂલ ફરીથી ક્યારેય રિપિટ નથી કરી.
  • યુવરાજ સિંઘ ચંદિગઢની DAV સ્કૂલમાં ભણ્યો છે. ક્લાસ કરતા મેદાન પર યુવરાજની હાજરી વધુ રહેતી, એકવાર યુવરાજે એક મેચમાં એક જ જગ્યાએ એટલી બધી સિક્સરો મારી કે સ્કૂલનું મોટું બોર્ડ જ તૂટી ગયું હતું.
  • સાત વર્ષના યુવરાજે તેની માતા શબનમ પાસે સાઈકલ લઇ આપવાની ખૂબ જીદ કરતાં શબનમે તેની સાઈકલ લઇ આપી. ત્યારબાદ યુવરાજ જ્યારે ચંદિગઢની સડક પર એ સાઈકલ લઈને નીકળ્યો ત્યારે તે તરત જ ઓટોરીક્ષા સાથે ભટકાઈ પડ્યો અને તેને દસ ટાંકા પણ આવ્યા હતા.
  • એકવાર આવી જ રીતે કોઈની બેજવાબદારીથી ક્યાંક પડી રહેલી એક એરગનને યુવરાજે ઉઠાવી લીધી અને પોતાના મિત્રો સાથે તે તેનાથી રમવા લાગ્યો. અચાનક જ યુવરાજથી અકસ્માતે આ એરગનનું ટ્રીગર દબાઈ ગયું અને તેના મિત્રના પેટમાં ગોળી વાગી. પણ સદનસીબે ઈજા ગંભીર ન હતી.
  • આપણને એ વાત જાણીને નવાઈ લાગશે કે યુવરાજ સિંઘ તેના બાળપણમાં ક્રિકેટર બનવા નહોતો ઈચ્છતો. યુવરાજને રોલર સ્કેટિંગ ખૂબ ગમતું અને તેણે અન્ડર 14 રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. પરંતુ તેના પિતા યોગરાજે તેના તમામ મેડલો ફેંકી દીધા અને તેને માત્ર ને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવાનું કહ્યું. યુવરાજને ટેનિસ રમવું પણ ખૂબ ગમતું, પરંતુ પિતાની ઈચ્છા સામે તેણે તેની ઈચ્છાઓનું બલિદાન આપ્યું અને ક્રિકેટને કરિયર બનાવી.
  • વર્લ્ડ કપ 2011 પછી યુવરાજને ખૂબ રેર એવા ફેફસાંના જર્મ સેલ કેન્સરથી ઝૂઝવું પડ્યું હતું. આના માટે યુવરાજ અમેરિકા જઈને ખાસ ટ્રીટમેન્ટ કરાવી આવ્યો હતો. યુવરાજ એ ટુર્નામેન્ટનો મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. પોતે કેન્સરમાંથી બચ્યા પછી તેણે ‘YouWe Can’ નામની એક સંસ્થા શરૂ કરી છે, જેમાં તે જરૂરિયાતમંદ કેન્સર પીડિતોને બનતી સહાયતા કરે છે.
  • યુવરાજ સિંઘે અક્ષય કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી એનિમેશન ફિલ્મ ‘જમ્બો’માં પોતાનો અવાજ પણ આપ્યો છે. આ ઉપરાંત બાળપણમાં યુવરાજે એક પંજાબી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.
  • રવિ શાસ્ત્રી પછી ઓડી કાર ગિફ્ટમાં મેળવનાર યુવરાજ સિંઘ બીજો ભારતીય ક્રિકેટર છે. 2011માં જ્યારે યુવરાજ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો, ત્યારે ઓડીએ તેને Q5 કાર ગિફ્ટમાં આપી હતી. જો કે પોતાના જોરદાર દેખાવ માટે ગિફ્ટ તરીકે કાર મળી હોય, તેવું યુવરાજ સાથે પહેલીવાર નથી બન્યું. 2007માં પણ યુવરાજે વર્લ્ડ ટ્વેન્ટી20માં કરેલા દેખાવ બદલ તમામના દિલ જીતી લીધા હતા અને તે વખતના BCCI વાઈસ પ્રેસિડેન્ટ લલિત મોદીએ યુવરાજને પોર્શે 911 કાર ગિફ્ટમાં આપી હતી.
  • યુવરાજ રોમેન્ટિક સ્વભાવનો ખરો પરંતુ પ્રેક્ટિકલ પણ છે. યુવીના કહેવા અનુસાર તે કોઈને પણ આમ કહેવા ખાતર ‘I love you’ નથી કહી શકતો. યુવરાજે એકવાર આનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે એક છોકરી સાથે તે એક જમાનામાં ડેટિંગ કરતો. ત્યારે તે છોકરીએ તેની પાસે એવી માંગણી મૂકી હતી કે યુવરાજે તેને દિવસમાં રોજ છ થી સાત વાર ‘I love you’ કહેવું. તો યુવરાજે એમ કરવા માટે પોતાના મોબાઈલમાં રિમાઈન્ડર સેટ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp