લાંબા સમય બાદ શેર બજારમાં મોટી તેજી

PC: businesstoday.in

આજે મંગળવારનો દિવસ ભારતીય શેર બજાર માટે મંગળમય સાબિત થયો. લાંબા સમય પછી બજારમાં બુલ્સની ઘર વાપસી થઇ છે અને ઇન્ડેક્સમાં મોટી તેજી જોવા મળી છે. બજારની સવારથી જ સામાન્ય ગેપ-અપ ઓપનિંગ થઇ હતી અને બજારો સતત ઉપર તરફ ગતિ કરતા જોવા મળ્યા હતાં. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ્સથી વધારેની તેજી જોવા મળી છે. જ્યારે, નિફ્ટીએ આખા દિવસમાં 15700નું લેવલ પણ ટચ કર્યું હતું.

આજના સેશનના અંતિમ ચરણમાં સેન્સેક્સ 934.23 પોઇન્ટ્સ વધીને 52532.07ના સ્તર પર બંધ આવ્યું હતું. જ્યારે, આજે નિફ્ટી 288.65 પોઇન્ટ્સ ચડીને 15638.80 પર બંધ આવ્યું હતું. બેંક નિફ્ટીમાં પણ સારી તેજી જોવા મળી હતી અને બેંક નિફ્ટી પણ 506.95 પોઇન્ટ્સની તેજી સાથે 33000ની ઉપર બંધ આવ્યું હતું. ભારતીય રૂપિયો પણ આજે 10 પૈસા તૂટીને ડૉલરની સરખામણીમાં 78.08 પર બંધ આવ્યો હતો. સોમવાર જે 77.98 પર બંધ આવ્યો હતો.

ટાઇટન કંપની, હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઇન્ડિયા અને અદાણી પોર્ટ આજે નિફ્ટીના ટોપ ગેઇનર રહ્યાં હતાં. એપોલો હોસ્પિટલ એકમાત્ર એવો સ્ટોક હતો કે જે લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યો હતો. આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, બેન્કોમાં 3થી 6 ટકાની તેજી જોવા મળી હતી. બીએસઇનું મિડકેપ ઇન્ડેક્સ 2.4 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 3 ટકાની તેજી સાથે બંધ આવ્યા હતા.

આજે ક્રૂડ ઓઇલમાં થોડી તેજી જોવા મળી અને તે 115 ડૉલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકા સહિત બીજા દેશોમાં વધી રહેલી ડિમાન્ડના કારણે ક્રૂડમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓઇલ અને ગેસ સ્ટોકમાં તેજી જોવા મળી છે.

સોમવારની રજા બાદ અમેરિકાના બજારો આજે ખુલશે. ડાઉ જોન્સ ફ્યૂચરમાં વેચવાલીના કારણે ભારતીય બજાર સેશનના અંતમાં ભારતીય બજારમાં થોડી સુસ્તી આવી ગઇ હતી. બજારના નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, જો એમેરિકી બજાર આજે તુટશે તો ભારતીય બજાર પણ કાલે ગેપ-ડાઉન સાથે ખુલી શકે છે. તેની અસર સેશનના અંતમાં પ્રોફિટ બુકિંગના રૂપે જોવા મળી હતી. નિષ્ણાંતોએ રોકાણકારોને હજુ પણ સતર્ક રહેવા સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp