અદાણી-અંબાણીની કંપનીઓની ધનવર્ષાથી શેરધારકો થયા માલામાલ

PC: etimg.com

મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ અને ગૌતમ અદાણીના અદાણી ગ્રુપના ઘણા શેર એવા છે, જેણે ગત એક વર્ષમાં પોતાના નિવેશકોને એટલું વધારે રિટર્ન આપ્યું છે કે, તમે તેના વિશે વિચારી પણ ના શકો. આ શેરોમાં નિવેશથી નિવેશકો માલામાલ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીને એક વર્ષમાં આશરે 1265 ટકાનું રિટર્ન આપ્યું છે. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર અદાણી ગ્રીન એનર્જીના શેર આશરે 5 ટકાના વધારા સાથે 670.65 રૂપિયા પર પહોંચી ગયા. આ એ શેરનું ગત એક વર્ષનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. કંપનીની માર્કેટ કેપ વધીને 104890.62 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

એક વર્ષ પહેલાની વાત કરીએ તો 16 સપ્ટેમ્બર, 2019ના રોજ આ શેર આશરે 55.55 રૂપિયાની કિંમત પર હતા અને 19 સપ્ટેમ્બરના રોજ આ શેર પોતાના વર્ષભરના સૌથી નીચલા સ્તર 49 રૂપિયા પર હતો. આ રીતે એક વર્ષની અંદર જ આ શેરમાં આશરે 620 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે એક વર્ષની અંદર નિવેશકોને આશરે તેણે 1265 ટકાનું રિટર્ન આપ્યું છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ આ શેરની કિંમત 175 રૂપિયાની આસપાસ હતી. એટલે કે જાન્યુઆરીથી અત્યારસુધીના આશરે સાડા આઠ મહિનામાં આ શેરે આશરે 282 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લાં એક મહિનાની વાત કરીએ તો 17 ઓગસ્ટે આ શેરનો ભાવ આશરે 366 રૂપિયા હતો. આ રીતે એક મહિનાની અંદર જ અદાણી ગ્રુપના આ શેરે નિવેશકોને આશરે 83 ટકાનું રિટર્ન આપ્યું છે.

આમ તો અદાણીના નેતૃત્વમાં છેલ્લાં કેટલાક વર્ષોથી અદાણી ગ્રુપ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. પરંતુ અદાણી ગ્રીન એનર્જી તો સફળતા માટે નવી કહાની લખી રહ્યું છે. તેના શેરે તો ખરેખર જાણકારો અને નિવેશકોને પણ ચોંકાવી દીધા. અદાણી ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા વ્યવસાયમાં છે અને તેનું લક્ષ્ય દુનિયાની નંબર વન સૌર ઉર્જા કંપની બનવાનું છે. આ વર્ષના જૂન ત્રિમાસિકમાં કંપનીએ 21.75 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે.

નિવેશકોને ચોંકાવનારા બીજા શેર છે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત સફળતા મેળવી રહી છે. તેણે મુકેશ અંબાણીને પણ ધનવાનોની યાદીમાં ટોપ-10માં પહોંચાડી દીધા છે. સાથે જ તેમની કંપનીના નિવેશકો પણ માલામાલ થઈ રહ્યા છે. મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 2317 રૂપિયા સુધી પહોંચી ગઈ. એટલું જ નહીં, 14 સપ્ટેમ્બરે તો તે પોતાની સર્વકાલીન ઉંચાઈ 2360 રૂપિયા પર પહોંચી ગયો હતો. એક વર્ષ પહેલાની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરની આસપાસ તેના ભાવ આશરે 1200 રૂપિયા હતા. એટલે કે તેણે એક વર્ષમાં જ નિવેશકોને આશરે 93 ટકાનું રિટર્ન આપ્યું છે.

એટલું જ નહીં, આ વર્ષે 23 માર્ચે આ શેર પોતાના વર્ષના સૌથી નીચલા સ્તર 875.70 પર પહોંચી ગયો હતો. એટલે કે છેલ્લાં આશરે છ મહિનામાં જ આ શેરે નિવેશકોને આશરે 165 ટકાનું રિટર્ન આપ્યું છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત સફળતાના નવા પ્રતિમાન ગઢી રહ્યું છે. લોકડાઉન દરમિયાન જ્યારે મોટાભાગની કંપનીઓ ચિંતિત હતી, ત્યારે રિલાયન્સ ગ્રુપમાં વિદેશી નિવેશકો નિવેશ માટે લાઈનમાં ઊભા હતા. Facebook સહિત એક ડઝન કરતા વધુ કંપનીઓએ રિલાયન્સ ગ્રુપની કંપની Jio પ્લેટફોર્મ્સમાં આશરે 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એટલું જ નહીં, ત્યારબાદ હવે સમૂહની એક અન્ય કંપની રિલાયન્સ રિટેલમાં નિવેશ માટે લાઈન લાગી રહી છે. સિલ્વર લેક પાર્ટનર્સે તેમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે અને ઘણી અન્ય કંપનીઓ લાઈનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp