જિયોમાં વધુ એક રોકાણ, એલ કેટરટન 1,894.50 કરોડનું રોકાણ કરશે

PC: khabarchhe.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને ભારતની અગ્રણી ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ આજે દુનિયાની સૌથી મોટી કન્ઝ્યુમર કેન્દ્રિત પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓમાંની એક એલ કેટરટન પાસેથી રૂ. 1894.50 કરોડનું રોકાણ મળવાની જાહેરાત કરી હતી. આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. એલ કેટરટન ઇન્વેસ્ટમેન્ટના આ રોકાણથી એને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ ધોરણે 0.39 ટકા હિસ્સો મળશે. આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે 22 એપ્રિલ, 2020થી અત્યાર સુધી કુલ રૂ. 104,326.95 કરોડનું રોકાણ ઊભું કર્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી અને એલ કેટરટન સામેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.

વર્ષ 1989માં સ્થાપિત એલ કેટરટન દુનિયાભરમાં અગ્રણી કન્ઝ્યુમર-કેન્દ્રિત બ્રાન્ડ્સ માટે પસંદગીની ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર છે. 30 વર્ષના ટ્રેક રેકોર્ડ સાથે પોતાની કાર્યકારી કુશળતા, સેક્ટરની ઊંડી જાણકારી, સંસાધનોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને એલવીએમએચ અને ગ્રૂપ આર્નોલ્ટ સાથે વિશિષ્ટ ભાગીદારીનો ઉપયોગ કરીને એલ કેટરટને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવામાં મોખરે રહીને સૌથી વધુ ઇનોવેટિવ કેટલીક બ્રાન્ડમાં સફળતાપૂર્વક રોકાણ કર્યું છે અને એને ઊભી કરવામાં મદદ પણ કરી છે, જેમાં પેલોટન, વ્રૂમ, ક્લાસપાસ, ઑનડેઝ, ફેબઇન્ડિયા વગેરે સામેલ છે.

આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને ભારતને ડિજિટલ પાવર માટે વધારે સક્ષમ બનાવવાની અમારી સફરમાં પાર્ટનર તરીકે એલ કેટરટનને આવકારવાની ખુશી છે, જે ઉપભોક્તા સંબંધિત અનુભવ પ્રદાન કરશે. આ દ્રષ્ટિએ એલ કેટરટન દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કંપનીઓમાંની એક છે. હું ગ્રાહક-કેન્દ્રિત વ્યવસાયો ઊભા કરવામાં એલ કેટરટનના કિંમતી અનુભવનો લાભ મેળવવા આતુર છું, કારણ કે ડિજિટલ લીડરશિપ હાંસલ કરવા ભારતને વેગ આપવા સંયુક્તપણે કામ કરવા ટેકનોલોજી અને ઉપભોક્તા સંબંધિત અનુભવની જરૂર છે.

એલ કેટરટનના ગ્લોબલ કો-સીઇઓ માઇકલ શૂએ કહ્યું હતું કે, અમે 30 વર્ષથી વધારેનો ટ્રેક રેકોર્ડ ધરાવીએ છીએ. અમે તમામ કન્ઝ્યુમર કેટેગરીઓ અને વિસ્તારોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બ્રાન્ડમાંથી ઘણી બ્રાન્ડ ઊભી કરવાનો સફળ રેકોર્ડ ધરાવીએ છીએ. અમે રિટેલર્સ, ઓમ્નિ-ચેનલ અને ડિજિટલ નેટિવ બ્રાન્ડ સાથે શ્રેષ્ઠ સંબંધો ઊભા કર્યા છે. અમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ દ્વારા વૃદ્ધિને વેગ આપવા, ડિજિટલ ક્ષમતાઓ વધારવા અને વ્યૂહાત્મક જોડાણો કરવામાં દ્રઢપણે માનીએ છીએ. અમે જિયો સાથે પાર્ટનરશિપ કરવા આતુર છીએ, જે દેશમાં પરિવર્તન લાવવાના એના વિઝન અને મિશનને આગળ વધારવાની વિશિષ્ટ પોઝિશનમાં છે તથા એની વિશિષ્ટ ડિજિટલ અને ટેકનોલોજીકલ ક્ષમતાઓ દ્વારા 1.3 અબજ ભારતીયો માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવા આતુર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp