એક જ શેર ભારતીય બજારમાં મંદી લાવી શકે

PC: minfow.com

ભારતીય શેરબજારનું કદ વિશ્વના ટોચના પાંચ સ્ટોક એક્સચેન્જમાં આવે છે પણ બજારમાં તરલતા ઓછી છે અને ઊંડાઈતો તેનાથી પણ ઓછી હોવાના કારણે એકદમ અસમતોલ સ્થિતિ જોવા મળે છે.

આજે આ સમાચાર લખાય છે ત્યારે BSE ઉપર સેન્સેક્સ 198 પોઈન્ટ અને નિફ્ટી 42 પોઈન્ટ ઘટેલા છે. આ ઘટાડો વાંચી કોઇપણ એમ માનશે કે બજારમાં ઉપલા મથાળે વેચવાલી આવી છે અને શેરબજાર ઘટી ગયું છે. પણ, હકીકત એવી નથી.

સિગારેટ, હોટેલ્સ, કૃષિ ચીજો અને સ્ટેશનરી બનાવતી કંપની ITCના શેર આજે 11 ટકા ઘટેલા છે. કંપનીનું મુખ્ય ઉત્પાદન અને આવકનું સાધન સિગારેટ છે. આ સિગારેટ ઉપર સોમવારે GST કાઉન્સિલમાં સેસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિગારેટ ઉપર સેસ વધતા તેના ભાવ વધશે અને કંપનીનું વેચાણ ઘટશે એવી દહેશતે બજારમાં કંપનીના શેરમાં વેચવાલી આવી છે. ITCના શેરનું સેન્સેક્સમાં 7.59% વેઇટ છે અને નિફ્ટીમાં 5.69% છે. આ વેઇટ (એટલે કે ઇન્ડેક્સનું જે મુલ્ય નક્કી થાય તેમાં કંપનીના શેરના ભાવની વધઘટનો હિસ્સો)ના કારણે બજારમાં વેચવાલી હોવાનો ભાસ થાય છે.

માત્ર ITCના શેરના કારણે સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટી ગયો છે. એટલે કે જો અન્ય 29 કંપનીઓ (સેન્સેક્સમાં 30 કંપનીઓ છે)ના શેરમાં બિલકુલ વધારો કે ઘટાડો થયો હોત નહિ તો સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટ્યો હતો. કંપનીના આટલા ઊંચા વેઇટના કારણે બજારમાં મંદી હોવાનો ભાસ થઇ રહ્યો છે.

હકીકતે વધુ વ્યાપક બજાર માટે વપરાતા BSE 500 ઇન્ડેક્સમાં માત્ર 29 પોઈન્ટ કે 0.19%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE ઉપર કુલ 1063 કંપનીના શેરના ભાવ વધ્યા છે અને 1005ના ભાવ ઘટ્યા છે. NSE ઉપર કુલ 795 શેરના ભાવ વધેલા છે અને 753ના ભાવ ઘટેલા છે. આ કુલ વધઘટ દર્શાવે છે કે બજારમાં વ્યાપક રીતે વેચવાલી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp