26th January selfie contest

PayTmના વિજય શર્માએ 24 ટકા વ્યાજે 8 લાખ લીધા હતા, હવે 2 લાખ કરોડની કંપની બનશે

PC: economictimes.indiatimes.com

શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે મોટા સમાચાર છે , દેશની સૌથી મોટી ડિજિટલ લેવડ દેવડનું પ્લેટફોર્મ ધરાવતી PayTM 22,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે જે દેશનો સૌથી મોંટો પબ્લિક ઇશ્યૂ હશે. 2021ના અંત સુધીમાં PayTM પબ્લિક લિમિટેડ કંપની બની જશે. IPO  પછી PayTM 2 લાખ કરોડની વેલ્યૂએશન ધરાવતી હશે.

PayTM કંપની ઓકટોબર- ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 22000 કરોડના IPOની તૈયારી કરી રહી છે. ભારતનો આ સૌથી મોટો IPO હશે. આ પહેલાં કોલ ઇન્ડિયાએ 2010માં 15,475 કરોડ, રિલાયન્સ પાવરે 2008માં 11700 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ કર્યો હતો. જયારે કોઇ કંપની પહેલી વખત સ્ટોક અથવા શેર જાહેર જનતા માટે  ઇશ્યૂ કરતી હોય છે તેને ઇનિશ્યલ પબ્લિક ઓફરિંગ્સ  એટલે કે IPO કહેવામાં આવે છે.

 અત્યાર સુધીનો સૌથી મોટો IPO લોંચ કર્યા પછી PayTMની વેલ્યૂએશન શું રહેશે અને ભવિષ્ય પર શું અસર પડશે અને PayTM કંપની બનવાની સફર વિશે અનેક બાબતની જાણકારી આપીશું.

PayTMના ફાઉન્ડરનું નામ છે વિજય શેખર શર્મા. તેમણે  તાજેતરમાં 10 વર્ષ જૂના એક ટવિટનો સ્ક્રીન શોટ શેર કરીને લખ્યું હતુ કે સ્માર્ટફોન કઇ પણ કરી શકે છે, નવું બિઝનેસ મોડલ પણ તૈયાર કરી શકે છે. તે વખતે PayTMની એપ નહોતી આવી. આ ટવિટ બતાવે છે કે શર્મા કેટલું દૂરનું વિઝન રાખતા હશે.

PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્માં અલીગઢના રહેવાસી છે. તેમના પિતા એક શાળામાં શિક્ષક હતા. વિજય શર્માએ 12 ધોરણ સુધી હિંદી માધ્યમમાં શિક્ષણ લીધું હતું. ગ્રેજયુએશન માટે તેઓ દિલ્હી ગયા અને ઇલેટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. 1997માં કોલેજમાં અભ્યાસ દરમ્યાન જ તેમણે Indiasite.net વેબસાઇટ બનાવી હતી અને બે વર્ષમાં આ વેબસાઇટ તેમણે 1 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. બસ, ત્યારથી જે તેમના એન્ટરપ્રિન્યોરશીપની શરૂઆત થઇ ગઇ હતી.

વિજય શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, જયારે દિલ્હી હતો ત્યારે રવિવારી બજારમાં ફરતો અને ફોર્ચ્યૂન, ફોર્બ્સ જેવા મેગેઝીનોની જૂની કોપીઓ ખરીદતો હતો. એક વખતે આવા જ એક મેગેઝિનમાં અમેરિકાની સિલિકોન વેલીમાં એક ગેરેજ વિશે જાણકારી મળી. એ પછી હું અમેરિકાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો. મને જાણવા મળ્યુ કે ભારતમાં સ્ટાર્ટઅપ માટે સપોર્ટ મળતો નથી. પરત આવીને મેં બચતના રૂપિયાથી શરૂઆત કરી.

શર્માએ કહ્યું હતું કે મારા ધંધોનો સૌથી મોટો પાઠ એ હતો કે એમાં રોકડ પ્રવાહ આવવાનો નથી. હું જે ટેકનોલોજીથી, કોલ સેન્ટર, કન્ટેન્ટ સર્વિસના ફિલ્ડમાં કામ કરી રહ્યો હતો, ત્યાંથી ઓછા સમયમાં કેશ મેળવવું ઘણું મુશ્કેલ હતુ. મારા બચતના રૂપિયા પણ ખતમ થઇ ગયા હતા અને પરિવાર અને મિત્રો પાસેથી નાણાંકીય મદદ લેવી પડી. થોડા દિવસો પછી એ રૂપિયા પણ ખતમ થઇ ગયા. આખરે એક જગ્યાએથી મારે  8 લાખ રૂપિયા 24 ટકા વ્યાજે ઉછીના લેવા પડયા.

 શર્માએ કહ્યુ કે એક સજજન સાથે મુલાકાત થઇ અને તેમણે એક ડીલ કરવા કહ્યું કે જો મારી ખોટમાં ચાલી રહેલી કંપનીને તમે નફામાં લાવી દેશો તો હું તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરીશે. વિજય શર્માએ એ સજજનની ખોટમાં ચાલતી કંપનીને નફામાં ફેરવી એટલે સજજન માણશે મારી કંપનીના 40 ટકા શેર ખરીદી લીધા હતા. તેમાંથી મેં મારી લોન ચૂકવી દીધી અને ગાડી પાટા પર આવતી હોય તેવું લાગવા માંડયું એવું શર્માએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

વર્ષ 2010 સુધીમાં વિજય શેખર શર્મા પાસે  બિઝનેસના અનેક આઇડિયા આવી ચૂક્યા હતા. 2011માં તેમણે સ્માર્ટફોનથી પેમેન્ટ મોડલ પર કામ કરવાનું શરૂ કર્યું. PAY THROUGH MOBILEનું શોર્ટ ફોમ બની ગયું Paytm. 2014માં PayTM કંપનીએ મોબાઇલ વોલેટ લોંચ કર્યું. ભારતના બજારમાં PayTMનો વધારે ફાયદો એટલો માટે મળ્યો કે તે  મોબાઇલથી પેમેન્ટની સીસ્ટમ ઉભી કરનારી દેશની સૌપ્રથમ કંપની હતી.

જો કે PayTMના નસીબ આડેનું પાંદડું ત્યારે હટયું જયારે ભારતમાં નોટબંધી જાહેર કરવામાં આવી અને 500 અને 1000ની ચલણી નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. નોટબંધી પહેલાં PayTMના 12.5 કરોડ જ ગ્રાહકો હતા. પણ નોટબંધી પછી PayTMનો સિતારો એટલો ચમકયો કે એક જ વર્ષમાં 435 ટકા ટ્રાફિક વધી ગયો અને એપનું ડાઉન લોડ 200 ટકા વધી ગયું હતુ. જે લોકો રોકડના ઉપયોગનો આગ્રહ રાખતા હતા તેવા ઘણા બધા લોકો PayTM તરફ વળ્યા.

નોટબંધીની જાહેરાતના 6 મહિના પછી ચીનના અલીબાબા ગ્રુપ અને  SAIF કંપનીએ PayTMમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એને કારણે  જે કંપની 2015માં 336 કરોડ રૂપિયાની  કમાણી કરતી હતી તે 2017માં 828 .6 કરોડની કમાણી કરતી થઇ ગઇ. PayTMએ ઇન્ડિયન ક્રિક્રેટ ટીમની સ્પોનરશીપ કરી જેને કારણે તેની બ્રાન્ડ વેલ્યૂ ખાસ્સી મજબૂત બની. એ પછી ગયા વર્ષે કોરોના કાળમાં  1અરબ ડોલર ( 7313 કરોડ રૂપિયા)ની કંપની બની ગઇ.

વન 97 કમ્યુનિકેશન PayTMની પેરન્ટ કંપની છે. વિજય શેખર શર્માં કંપનીના વડા છે. પેરન્ટ કંપનીમાં 14 સહાયક કંપનીઓ છે. આ કંપનીઓ બેકીંગ, ક્રેડીટ કાર્ડ, નાણાંકીય સેવાઓ, સંપતિ વ્યવસ્થાપન જેવી અનેક સેવાઓ પ્રદાન કરે છે. PayTMની ર્સ્પધા ગૂગલ પે, અમેઝોન પે અને વોટસએપ પેની સાથે છે. PayTMની સાથે 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર્સ છે. જેનાથી ગ્રાહકો મહિને 1.4 અરબ ટ્રાન્ઝેકશન કરે છે.

અગાઉ કીધું તેમ PayTMની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન પ્રા, લિમિટેડ છે . IPO  પછી કંપની વેલ્યૂએશન 2 લાખ કરોડ રૂપિયા પર લઇ જવા માંગે છે. 28 મેના દિવસે મળેલી કંપનીની બેઠકમાં IPOને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. કંપની દિવાળી સુધીમાં IPO  લાવશે તેવી ધારણાં છે. PayTMના અત્યારે જે શેરધારકો છે તેમાં એંટ ગ્રુપ ( 29.71 ટકા), સોફટબેંક વિઝન ફંડ ( 19.63 ટકા) સૈફ પાર્ટનર્સ ( 18.56 ટકા) વિજય શેખર શર્મા ( 14.67)નો સમાવેશ થાય  છે.

માર્કેટ રિસર્ચ કંપની બર્નસ્ટીનના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે PayTM નોન પેમેન્ટ સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. PayTM ધીમે ધીમે પેમેન્ટ સેવાઓ પર પોતાની નિર્ભરતા ઘટાડી રહી છે. કંપની હવે ક્રેડીટ ટેક, વીમા અને વેલ્થ ટેકથી પોતાની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીના આ ત્રણ એકમો તેને નાણાકીય સેવાઓની સુપર એપ બનાવી શકે છે જેને કારણે કંપનીની ખોટ જલ્દીથી સરભર થાય તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp