સિંહ દર્શનનું નવું ડેસ્ટીનેશન: અમરેલીના આંબરડીમાં લાયન સફારી પાર્ક ખૂલ્લો મુકાયો

PC: gujaratinformation.net

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરલી જિલ્લાના આંબરડીમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસન પ્રેમીઓને હવે સાસણ ઉપરાંત વધુ એક સફારી પાર્કમાં સિંહ દર્શનની તક મળતી થશે. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકારે અગાઉ વારંવાર ગીર પૂર્વ વિસ્તારના રક્ષિત વનમાં ઇકો ટૂરિઝમ અને સફારી પાર્ક વિકસાવવાની કરેલી માંગણીઓ તત્કાલીન યુ.પી.એ. સરકારે ધ્યાને લીધી જ નહિ, તેમને ગુજરાતના કોઇ પણ ક્ષેત્રના વિકાસમાં રોડાં નાખવાની પરેવીથી જ આ પાર્કને પણ ઘોંચમાં નાંખી દીધો હતો.

તેમણે કહ્યું કે, ગુજરાતના અને દેશની જનતાના સદનસીબે વડાપ્રધાન પદે ભાજપના નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળતા જ ગુજરાતના આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવી ગયો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગત પાંચમી જૂન 2017માં આ આંબરડી સફારી પાર્કને કેન્દ્ર સરકારની પરવાનગી મળી અને રાજ્યના વન વિભાગે ખૂબ જ ટૂંકા સમયમાં આ પાર્ક વિકસાવી તેનું લોકાર્પણ કરાયું તે અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આ સફારી પાર્ક સમગ્ર અમરેલી જિલ્લા માટે આર્થિક ઉત્કર્ષ અને સમૃદ્ધિનું દ્વાર બની રહેશે અને લોકો હવે સાસણને બદલે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેતા થશે અને દેશ-વિદેશના પર્યટકો આવતા થશે જેના થકી ધારી પ્રવાસનનું હબ બની જશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં આજે અનેકવિધ વિકાસકામો થઇ રહ્યા છે. આ કામો લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આને જ સાચો વિકાસ કહેવાય આ વિકાસ અમારા માટે મિજાજ છે અને ગુજરાતની વિકાસયાત્રાને હવે કદાપિ કોઇપણ રોકી શકે તેમ નથી, કારણ કે આ માટે સરકાર સંકલ્પબદ્ધ રીતે આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીએ ઉપસ્થતિ ખેડૂતોને સંબોધતા કહ્યું કે, આ સરકાર સદાય ખેડૂતોના હિતને વરેલી છે અને એટલા માટે જ સરકારે આગામી લાભપાંચમના દિવસથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના ખેડૂતોને ઝીરો પર્સન્ટ વ્યાજથી ત્રણ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે અને

મુખ્યમંત્રી રૂપાણીએ, સૌની યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ યોજના થકી સૌરાષ્ટ્રના લોકો માટે માત્ર પીવાના પાણીની સમસ્યા નહિ પણ સિંચાઇની સમસ્યા પણ હવે કાયમી રીતે ભૂતકાળની બની જશે અને તે માટે સૌની યોજનાનું કામ અવિરત ગતિએ આગળ ધપી રહ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ અમરેલી જિલ્લાના ધારી ખાતે 350 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આંબરડી (સફારી પાર્ક)નું લોકાર્પણ કરી આ વિસ્તાર માટે પ્રવાસન થકી રોજગારીના દ્વાર ખોલી દીધા હતા અને ત્યારબાદ ધારી ખાતે દામાણી હાઇસ્કુલનું લોકાર્પણ કરીને રાજય સરકાર શિક્ષણ આપવા સદાય કટિબદ્ધ છે તેની પ્રતીતિ કરાવી હતી. આ પ્રસંગે શાળાના દાતા દામાણી પરિવારને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, આ શાળાના નિર્માણ થકી ધારી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી સુવિધાઓમાં વધારો થશે જેની મને ખુશી છે.

તેમણે કહ્યું કે, રાજય સરકાર સમાજનો સર્વાંગી-સમરસ અને સમતોલ વિકાસ થાય તે માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઇને આગળ વધી રહી છે અને તેના ભાગરૂપે આ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવેલું છે અને પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે અનેકવિધ વિકાસ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં હજી પણ વિકાસકામોનું નિર્માણ કરવામાં આવશે. આ સફારી પાર્ક શરૂ થતા ધારી અને આજુબાજુના વિસ્તાર સહિત ગીર પૂર્વ વિસ્તારમાં પ્રવાસન અને રોજગારીની તકોના નવા દ્વાર ખુલશે.

વનમંત્રી ગણપત વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, અમરેલી જિલ્લા માટે આજનો દિવસ મહત્વનો બની રહેવાનો છે સરકારે પ્રગતિશીલ કાર્યો હાથ ધર્યા છે. આ કાર્યો વચ્ચે આવતા અવરોધોને દૂર કરી સફારી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દામાણી પરિવાર દ્વારા શિક્ષણ માટે દાન કરવામાં આવતા ધારીમાં શિક્ષામંદિરની સુવિધામાં વધારો થયો છે. પ્રાકૃત્તિક-વનસંપદાઓ, પ્રાણીસૃષ્ટિ સિંહો ગુજરાત-ભારતનું ગૌરવ છે. પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસકામોથી આ વિસ્તારના લોકોની રોજીરોટીમાં વધારો થયો છે.

કૃષિ રાજયમંત્રી વલ્લ્ભ વઘાસીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, આજે અમરેલી જિલ્લાને ગૌરવરૂપ ઘટના આકાર પામી છે અને એક હજાર એકરમાં વિશાળ સફારી પાર્ક રાજયના મુખ્યમંત્રીએ ખૂલ્લો મુક્યો હતો. પાર્કનાં કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને રોજગારીની વિપુલ તકોનો વધારો થશે અને દેશ-વિદેશનાં પ્રવાસીઓ માટે આ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે મુખ્યમંત્રીએ શાળાનાં દાતા રમેશ દામાણીનું મેમેન્ટો આપીને સન્માન કર્યુ હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp