સચિવાલયમાં સાયકલની સંખ્યામાં વધારો, જાણો એવું તે શું થયું? સાયકલો દેખાવા લાગી...

PC: gandhinagarportal.com

 

એક સમય હતો સચિવાલયમાં હજારો સાયકલને પાર્ક કરવા માટે સાયકલ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું પરંતુ ધીમે ધીમે કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં વધારો થતાં સાયકલનું સ્થાન બાઇક, સ્કૂટર અને મોટરકારે લેતાં સરકારે સાયકલ સ્ટેન્ડ કઢાવી નાંખ્યા હતા પરંતુ હવે ફરીથી સાયકલ સ્ટેન્ડ શરૂ કરવા પડે તેમ છે, કારણ કે સચિવાલયમાં સાયકલોની સંખ્યા વધતી જાય છે.

સચિવાલયના વિભાગોમાં કામ કરતાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ આજેપણ સાયકલ પર સફર કરે છે. હેલ્મેટ કે સિટબેલ્ટ પહેરવાની કોઇ માથાકુટ નહીં અને આરોગ્ય પણ સારૂં રહે છે. હવે તો ડોક્ટરો ડાયાબિટીસ કે હ્રદયરોગના દર્દીઓને સાયકલ ચલાવવાની ભલામણ કરી રહ્યાં છે. જો કે સચિવાલયમાં સાયકલો દેખાવાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો છે. આ બન્ને ઇંધણ કર્મચારીઓને મોંઘા પડી રહ્યાં છે તેથી જૂની સાઇકલો બહાર કાઢી છે અથવા તો નવી સાયકલો વસાવી છે.

ટૂંકાઅંતરની સફરમાં હવે તો મધ્યમવર્ગના પરિવારો સાયકલ ચલાવતા થયાં છે. ઘર થી સચિવાલય જતા કર્મચારીઓ હવે સાયકલ પર જાય છે. સાયકલનો બીજો મહત્વનો ફાયદો એ છે કે તે ગમે ત્યાં પાર્ક થઇ શકે છે. ઝાડની ઓથમાં પણ પાર્ક કરી શકાય છે. બીજું કે તેનાથી વાતાવરણમાં પોલ્યુશન થતું નથી. 25 વર્ષ પહેલાં જે સાયકલ 600 રૂપિયામાં મળતી હતી તે સાયકલનો ભાવ અત્યારે 2000 થી 6000 રૂપિયા થયો છે. સાયકલનો આરોગ્ય અને તંદુરસ્તી માટે ઉપયોગ કરવામાં આવતાં ઉત્પાદકોએ તેની કિંમતો વધારી દીધી છે. હવે તો ટ્યુબલેસ સાયકલોએ બજાર સર કર્યું છે.

ગુજરાતના આંકડા બ્યુરોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સાયકલની સંખ્યા 60 લાખ જેટલી થઇ છે જે પાંચ વર્ષ પહેલાં 45 લાખ હતી. સાયકલ પર ઓફિસ જવાનો ક્રેઝ વધતો જાય છે. હવે તો ગામડામાં દેખાતી સાયકલ શહેરોમાં જોવા મળી રહી છે. એકલા અમદાવાદમાં 8 લાખથી વધુ સાયકલો જોવા મળે છે. ગાંધીનગરમાં સાયકલોની સંખ્યા વધીને 1.50 લાખ થઇ છે તે પૈકી મોટાભાગની સાયકલો સચિવાલયમાં જતા કર્મચારીઓની છે.

ગાંધીનગરના જૂના અને નવા સચિવાલયના પાર્કિંગ વિસ્તારમાં મુશ્કેલી એવી છે કે અગાઉ જોવા મળતાં સાયકલ સ્ટેન્ડ કાઢી નાંખવામાં આવ્યા છે તેથી સાયકલ પાર્કિંગની જગ્યા જોવા મળતી નથી. જો કે આજે સચિવાલયના પાર્કિંગના આવેલા વૃક્ષોની નીચે સાયકલો પાર્ક કરવામાં આવી રહી છે. ઘણાં કર્મચારીઓ તો બ્લોકના ભોંયતળિયે સાયકલો પાર્ક કરી રહ્યાં છે. સરકારી ગાડીઓ ચલાવતા ડ્રાઇવરો મોટાભાગે સાયકલ રાખે છે અને ઘર થી ઓફિસ જવા માટે તેનો ઉપયોગ કરે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp