PUCવાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે, RTO ઇન્સપેક્ટરને પણ કહી દીધુ-તમે જે કોઇ પણ હો...

PC: indiatimes.com

(રાજા શેખ). વાહનોમાં પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) ઈશ્યુ કરવામાં ધાંધલી આરટીઓએ એક વિશેષ અભિયાન હેઠળ પકડી પાડી છે. જેમાં એક પીયુસી સેન્ટરનું લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે જ્યારે બીજાનું કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે એક પીયુસીવાળાએ તો આરટીઓ ઈન્સ્પેક્ટર પાસેથી જ પીયુસી સર્ટિફિકેટ આપવાના નક્કી દરો કરતા વધુ રકમ વસૂલી હતી.

આ આરટીઓ ઈન્સ્પેક્ટરે પોતાની ઓળખ પણ આપી તો પીયુસીવાળાએ ચોખ્ખુ મોંઢા પર ચોપડી દીધુ કે તમે કોઈ પણ હોવ મારે શું લેવા દેવા. સરકાર વધુ રૂપિયા લઈ જાય છે અમારે તો કંઈ કમાવુ કે નહીં!  સુરતના હજીરાના પીયુસીવાળાએ આવી દાદાગીરી કરી અને હવે તેનું લાઈસન્સ સસ્પેન્ડ થવા જઈ રહ્યુ ંછે.

આરટીઓના આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, હજીરા વિસ્તારમાં આવેલા જલારામ પીયુસી સેન્ટરવાળા સરકાર દ્વારા નક્કી કરાયેલા દરો કરતા પણ પીયુસી સર્ટિ માટે વધુ રૂપિયા વસુલે છે તે મતલબની ફરિયાદ સુરત આરટીઓને મળી હતી. જેથી, ઈન્ચાર્જ આરટીઓ દીપસંગ ચાવડાએ પહેલા ખરાય કરવાનું નક્કી કર્યું હતું અને તે માટે તેઓએ એક ઈન્સ્પેક્ટર વેગડને પોતાની કાર લઈને જઈ પીયુસી કઢાવવા સૂચના આપી હતી. ઈન્સ્પેક્ટર વેગડ નક્કી સમયે જલારામ પીયુસી સેન્ટર પર પહોંચ્યા અને તેઓએ પોતાની કારનું પીયુસી કઢાવ્યું.

જલારામ પીયુસી સેન્ટરના માલિકે કારના પીયુસીના રૂ. 100ની જગ્યાએ રૂ. 120 આરટીઓ ઈન્સ્પેક્ટર પાસે માંગ્યા. જેથી, તે વધુ રૂપિયા લેતો હોવાની ખરાય થઈ ગઈ. આ ઉપરાંત અન્ય વાહનચાલાકો પાસેથી પણ વધુ રૂપિયા લેતો હોવાનું દરમિયાનમાં સામે આવી ગયું. જેથી, આરટીઓ ઈન્સ્પેક્ટર વેગડે પીયુસીવાળાને કહ્યું કે ‘ભાઈ હું આરટીઓ ઈન્સ્પેક્ટર છું, તું મારી પાસેથી પણ નક્કી દર કરતા વધુ લેશે? ’,

પીયુસીવાળાએ તુરંત કડકાઈથી જવાબ આપ્યો કે ‘તમે ગમે તે હોવ. અમારે ખર્ચ વધુ આવે છે અને સરકારમાં પણ રૂપિયા ભરવા પડે છે. રૂ. 120 આપવા જ પડશે.’ આરટીઓ ઈન્સ્પેક્ટરે રૂ. 120 આપ્યા અને બાદમાં તેને લાઈસન્સ રદ કેમ ન કરવું તે માટેની કારણ દર્શક નોટિસ પાઠવી.’ રંગેહાથ પકડાયો હોવાથી તે યોગ્ય ખુલાસો ન આપી શક્યો. જેથી, તેની લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી આરટીઓ દ્વારા કરાય છે. સંભવત: શુક્રવારે તે સસ્પેન્ડ થઈ જશે.  

જ્યારે બીજા એક કિસ્સામાં જે સ્થળે લાઈસન્સ મેળવ્યું હતું તે મોટા વરાછાના દુકાન છોડીને હરતીફરતી દુકાન ફૂટપાથ પર ઊભી કરીને પીયુસી ઈશ્યુ કરતા ખોડિયાર મોટોકોર્પનું લાઈસન્સ પણ આરટીઓએ 90 દિવસ માટે સસ્પેન્ડ કરતો ઓર્ડર કર્યો છે. આરટીઓ હાલ વાહન વિના પીયુસી ઈશ્યુ કરતા, વધુ રૂપિયા વસુલતા તેમજ ગોબાચારી કરતા પીયુસી સેન્ટરો સામે કાર્યવાહી કરી રહી છે. પરિણામે આવા લોકોમાં ફફડાટ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp