ચૂંટણી આવી, ફરી ગુજરાતના આ 11 સ્થળોને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા જાહેરાત

PC: https://timesofindia.indiatimes.com

કોરોના સંક્રમણ ઓછું થતાં ગુજરાત સરકાર ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નવી નવી યોજનાઓ તેમજ નવા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. રાજ્યના 11 સ્થળો એવાં છે કે જ્યાં ટુરિસ્ટ પ્રવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.

થોડાં સમય પહેલાં રાજ્યના મુખ્ય યાત્રાધામમાં હેલીપોર્ટ બનાવવાનો નિર્ણય કરીને આ ધાર્મિક પ્રવાસન સ્થળોએ હેલીકોપ્ટરની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. અત્યારના હયાત ટુરિસ્ટ પોઇન્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાજ્યની કેબિનેટ સમક્ષ 11 નવા પ્રવાસન સ્થળોની યાદી રજૂ કરવામાં આવી છે જેના પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

આ સ્થાનોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસન સ્થળની સાથે ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉપલબ્ધ સુવિધામાં વધારો કરી પ્રવાસન સ્થળ તરીકે તેને વિકસાવવાનું આયોજન કરવામાં આવશે.

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતે ટુરીઝમ ક્ષેત્રે વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવી છે. જેમાં પર્યટકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ઐતિહાસિક અને પ્રાચીન સ્થળોને નિહાળવા પર્યટકો આવતા હોય છે. દિવાળી વેકેશન હોય તહેવારો હોય કે વિકેન્ડ, પ્રવાસ જવુ પસંદ કરતા લોકો તેમની મનગમતી જગ્યાએ ફરવા જતા રહેતા હોય છે.

રાજ્યમાં 11 નવા પ્રવાસન સ્થળો વિકસાવવાનું પણ કાર્ય ચાલુ થઈ ગયુ છે. જેની યાદીમાં પોળો ફોરેસ્ટ વિજય નગર, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભયારણ્ય, રાજકોટના ખંભાલિડા ખાતે બુદ્ધ ગુફા નજીક ટુરીસ્ટ સેન્ટર ઊભું કરવું, મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીનુ ટ્રસ્ટ, બેટ દ્વારકા અને શિયાળ બેટ, પોરબંદરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત સુરતનો ડુમસ બીચ, ભીમરાડના ગાંધી સ્મારક, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતાં અગત્યના પ્રવાસન સ્થળો તેમજ ડાંગ સર્કિટ , પંપા સરોવર, શબરી ધામ, અંજની કુંડ, ગીરા ધોધ જેવા રમણીય સ્થળોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp