26th January selfie contest
BazarBit

પર્યટકો માટે ગોવા ખૂલ્યું પણ ટ્રેન અને બસ બંધ, ફક્ત 160 હોટેલ્સ જ શરૂ થઈ

PC: thrillophilia.com

કોરોના વાયરસને કારણે અગાઉ લાગુ કરેલું લોકડાઉન હવે અનલોક થઈ રહ્યું છે. પણ પ્રવાસન ક્ષેત્રે હજું કોરોનાનું ગ્રહણ યથાવત છે. મોટાભાગના પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ ગોવા પ્રવાસીઓ માટે ખૂલ્યું તો છે પણ બાર, રેસ્ટોરાં, કેસિનો તથા બજાર સંપૂર્ણ રીતે બંધ છે. ગોવામાં આવેલા જાણીતા બીચ જેવા કે, અંજૂના, કેન્ડોલીમ, કલંગુટ, બાગા, મીરામાર બીચ અને મોર્જિમ બીચ સહિતના કુલ 48 બીચ સૂમસામ પડ્યા છે.

ગોવા સંપૂર્ણપણે સુરક્ષિત છે
પણ ચાર મહિના બાદ હવે લોકોની હિંમત જવાબ આપી રહી છે. સમગ્ર ગોવાની 4 હજારથી વધારે હોટેલમાંથી માત્ર 160 જ હોટેલ્સને શરૂ કરવા માટેની મંજૂરી મળી છે. તા.2 જૂલાઈથી લઈને અત્યાર સુધીમાં 7 ટકા હોટેલ્સ ભરાઈ છે. પ્રથમ ત્રણ મહિનાના ગાળામાં ગત વર્ષની સરખામણીમાં માત્ર 40 ટકાનું જ GST ક્લેક્શન થયું છે. ગોવામાં પ્રવાસીઓ કેમ નથી આવતા આ પ્રશ્નનો જવાબ આપતા ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ઓસો. ઓફ ગોવાના અધ્યક્ષ નીલેશ શાહ કહે છે કે, કોરોના સાથે પ્રવાસનને વેગ આપવો એ સરકારની જવાબદારી છે. લોકોને કોરોનાના ભયમાંથી મુક્ત કરવા પડશે. ખાતરી કરાવવી પડશે કે, ગોવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. અત્યારે કોરોના વાયરસના ટેસ્ટના રૂ.2,000 ખર્ચ કરીને કોઈ ગોવા ન આવે.

રોજ 2,000 વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે
ગોવામાં મોટાભાગના પ્રવાસીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી બાય રોડ આવે છે. પણ બસ અને ટ્રેનનું પરિવહન સંપૂર્ણપણે બંધ છે. લોકડાઉન પહેલા અલગ અલગ શહેરમાંથી 80 ફ્લાઈટ ગોવામાં આવતી હતી. પણ અત્યારે માત્ર પાંચ જ ફ્લાઈટ આવી રહી છે. પર્યટન ક્ષેત્ર ભયના ઓથાર હેઠળ ચાલી ન શકે. ગોવાના કલંગુટના પૂર્વ ધારાસભ્ય અજનેલો ફર્નાડિઝ કહે છે કે, દર વર્ષે વાર્ષિક 13થી 15 ટકાનો વધારો ગોવાના ટુરિઝમમાં થાય છે. ગત વર્ષ 2018માં 88 લાખ પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી. એક સમયે દેશ અને દુનિયામાં કુલ 800થી 900 ચાર્ટર્ડ ફ્લાઈટ આવતી. અત્યારે ગોવાની વાઈન શૉપમાં પણ ગ્રાહકો જોવા મળતા નથી. ગોવા સ્ટેટ સર્વેલન્સના અધિકારી ડૉ. ઉત્કર્ષ બેટોડકર કહે છે કે, હાલ અમે ગોવામાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી રહ્યા છીએ. આશરે 20 લાખની વસતીવાળા ગોવામાં દરરોજ 2,000 વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

સ્થાનિક લોકોની આશા અમર
ગોવાના સ્થાનિકો પણ એવું ઈચ્છે છે કે, ગોવા એક પર્યટન સ્થળ તરીકે ફરી ધમધમે. ટુરિઝમમાં તેજી આવવાની આશા છે. સ્થાનિકો માને છે કે, સિંગાપોર, બાલી, મલેશિયા, બેંગકોક કે યુરોપ જતા લોકો હવે ધીમે ધીમે ગોવા આવશે. કારણ કે ગોવા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને સસ્તું પણ છે. ટ્રાવેલની બસના માલિક દામોદર કહે છે કે, ગોવા ખૂલશે ત્યારે એ રીતે ખૂલશે કે, વાત કરવાની પણ નવરાશ નહીં મળે. ગોવા રાજ્યના અર્થતંત્રમાં 70 ટકા ભાગ પ્રવાસન ક્ષેત્રનો છે. 40થી 45 ટકા વસતીનું ગુજરાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટુરિઝમથી ચાલે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp