ગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા પડશે

PC: khabarchhe.com

 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે બની રહેલી ફાઇવસ્ટાર હોટલ સરકારનો સફેદ હાથી પુરવાર થાય તેવી સંભાવના વધી ગઇ છે. રાજ્યના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં સેક્ટર-11માં જે ફાઇવસ્ટાર હોટલ આવેલી છે તેની દૈનિક ઓક્યુપન્સી માત્ર 25 ટકા છે ત્યારે સરકારની આ હોટલના સંચાલન માટે મુશ્કેલી વધી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રેલવે સ્ટેશનના આધુનિકરણ અને હોટલના નિર્માણ માટેની ઇચ્છા વ્યક્ત કરી તે દિશામાં કામગીરી તો શરૂ કરી છે પરંતુ ધીમે ધીમે નિયત ખર્ચમાં વધારો થતો જાય છે. આ બન્ને પ્રોજેક્ટ માટે પહેલાં 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં 200 ટકાનો વધારો થયો છે અને હવે આ બન્ને પ્રોજેક્ટ સરકારને 721 કરોડ રૂપિયામાં પડી રહ્યાં છે.

 કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત એવા આ બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 70 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કહી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે. શહેરના મહાત્મા મંદિર પાસે બની રહેલા આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલના ખર્ચમાં વધારો નોંધાયો છે.

 કેન્દ્રની સૂચના પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે સૂચના આપી છે. ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (ગરૂડ) ના પહેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન અને હોટલના વિકાસ માટે સૌ પ્રથમ 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ સુવિધાઓ વધારવામાં આવતા બજેટમાં બદલાવ કરવામાં આવ્યો છે.

 રિપોર્ટમાં કહેવાયું છે કે હોટલ સંચાલક લીલા પેલેસહોટલ્સ અને રિસોર્ટ્સ દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે જેને સ્વિકારવામાં આવતા પ્રોજેક્ટની કોસ્ટમાં વધારો થયો છે. નવી સુવિધામાં અંડરબ્રીજમાર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પ્રોજેક્ટને મહાત્મા મંદિરપ્રદર્શની કેન્દ્ર અને હેલીપેડ પ્રદર્શન કક્ષ સુધી લંબાવીને આ તમામ સ્થળોએ નવિનીકરણ કરવાનું થાય છે.

ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (જીએઆરયુડી-ગરૂડ)ની રચના ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા 1લી જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય પાસે ભારતીય રેલવે રાજ્ય વિકાસ નિગમ લિમિટેડના માધ્યમથી 26 ટકાની હિસ્સેદારી છે જ્યારે રાજ્ય સરકાર પાસે 74 ટકાનો હિસ્સો છે. 9મી જાન્યુઆરી 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે આવેલો છે ત્યારે તેનું ઉદધાટન કરવા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાનું નક્કી થઇ રહ્યું છે.

આ સંયુક્ત પ્રોજેક્ટમાં બજેટ વધવાના કારણ અંગે પૂછતાં ગરૂડના એમડીએ કહ્યું હતું કે પહેલા હોટલની યોજનામાં ત્રણ સ્ટારની હોટલમાં હોય છે તેવા રૂમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ હવે ફાઇવસ્ટાર હોટલની કક્ષામાં 300 રૂમ બનાવવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત હોટલની રેલવે સ્ટેશનથી ઉંચાઇ પહેલાં 50 મીટર નક્કી કરવામાં આવી હતી પરંતુ રેલવે સ્ટેશનના મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી હવે 73 મીટરની ઉંચાઇ કરી દેવામાં આવી છે.

 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 31મી માર્ચ 2018 સુધી ગુજરાત સરકારે 22.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે રેલવે મંત્રાલયે 7.90 કરોડ આપ્યા છે. રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયે અનુક્રમે 59.99 કરોડ અને 39.99 કરોડનું અનુદાન આપ્યું છે. ગરૂડ યોજનામાં 400 કરોડ પ્રાઇવેટ ફંડથી ઉભા કરવાનું આયોજન છે. ગરૂડે આ ફંડ માટે કેટલીક બેન્કો સાથે ચર્ચા કરી છે. સરકારને પણ વિનંતી કરવામાં આવી છે કે દેવાની જગ્યાએ ફંડ રૂપે બાકીના રૂપિયા આપે. ફાઇવસ્ટાર હોટલ સાથે આ જગ્યાએ મનોરંજન પાર્ક અને શોપીંગ મોલ તેમજ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.

ગાંધીનગરમાં આવેલી ફોર્ચ્યુન હોટલના 100 રૂમમાંથી પ્રતિદિન માત્ર 25 રૂમ ભરાયેલા રહે છે. આ હોટલ ખોટમાં ચાલે છે. સરકારે રાજ્યમાં 300 રૂમની ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ કર્યું છે ત્યારે ગાંધીનગર જેવા શહેરમાં આ રૂમમાં પ્રવાસીઓ આવશે કે તેમ તે મોટો સવાલ છે. શહેરમાં અન્ય એક હોટલ કેમ્બે આવેલી છેફાઇવસ્ટાર સુવિધાઓ હોવા છતાં આ હોટલમાં પ્રવાસીઓની સંખ્યા 20 ટકા જોવા મળે છે.

કર્મચારીઓથી ભરાયેલા શહેરમાં 800 થી 1200 રૂપિયાના દરની નાની-મોટી હોટલો મળી રહે છે પરંતુ આવી વૈભવી હોટલોમાં રહેવા માટે શહેરના લોકો ટેવાયેલા નથી. સરકારી કે પ્રાઇવેટ કાર્યક્રમો માટે આ હોટલ ભરચક રહી શકે છે અને તે પણ માત્ર કાર્યક્રમના દિવસો સુધી સિમિત રહેશે પરંતુ બાકીના દિવસોમાં કસ્ટમર્સ ક્યાંથી મળશે તેનો જવાબ સરકારના કોઇ અધિકારી પાસે નથી.

ગુજરાતમાં જ્યારે વાયબ્રન્ટ સમિટ થશે ત્યારે આ હોટલ ભરચક રહેશે પરંતુ એ ત્રણ દિવસને બાદ કરતાં ફાઇવસ્ટાર હોટલ માટે કસ્ટમર્સ મળવા મુશ્કેલ છે. જો કે અહીંયા દારૂ અને નોનવેઝ નહીં મળવાનું હોવાથી સરકાર માટે મુશ્કેલી વધી શકે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp