26th January selfie contest
BazarBit

ગીરનાર પર્વત પરનો સૌથી મોટો રોપ-વે પ્રવાસન નજરાણું બનશે: CM

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરિઝમ સરકીટ ઊભી કરી ગુજરાતને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જ્યોર્તિલીંગ સોમનાથ, સાસણગીર, સિંહદર્શન, ગીરનાર પર્વત, ઉપરકોટ અને સોમનાથનો દરિયા કિનારો એમ પ્રવાસન ધામોને સાંકળી લેતી ટુરિઝમ સરકીટ બનાવવાની દિશામાં વિચારાધિન છે.

તેમણે ગીરનાર પર્વત ઉપર આગામી દિવસોમાં શરૂ થનારો રોપ-વે સમગ્ર પ્રવાસન ક્ષેત્રનું નવું નજરાણું બનશે તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા E-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન યાત્રા તીર્થધામોના કુલ રૂ. 126.96 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકારની પ્રસાદ યોજના અન્વયે દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ અને કરોડો હિન્દુઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સોમનાથ ધામમાં 45 કરોડ રૂપિયાના યાત્રિ સુવિધા કાર્યોના ઇ-લોકાર્પણ કર્યા હતા.

આ અવસરે ભારત સરકારના પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે નવી દિલ્હીથી વિડીયો લીન્ક મારફતે ઉપસ્થિત રહીને શુભકામનાઓ આપી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, આ સુવિધાઓ અંતર્ગત વિશાળ પાર્કિંગ, કોમ્યુનિટી કિચન, પ્રવાસન માહિતી કેન્દ્ર, સોમનાથ મ્યૂઝિયમ, લાયબ્રેરી સહિતની વર્લ્ડ કલાસ સુવિધાઓ સોમનાથમાં ઊભી કરીને ગુજરાત સરકાર, ભારત સરકાર અને સોમનાથ ટ્રસ્ટ આ યાત્રાધામના સર્વગ્રાહી પ્રવાસન વિકાસ માટે સતત કાર્યરત છે.

તેમણે રાજ્યના આવા ધર્મસ્થાનો સહિત પ્રવાસન ધામો, તીર્થક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરીને વિશ્વના નકશે દૈદીપ્યમાન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વિસ સેકટરમાં ખાસ કરીને ટુરિઝમ સેકટર સૌથી વધુ રોજગારી પૂરી પાડીને ઇકોનોમીક ગ્રોથમાં નવી તાકાત બની ઊભરી રહ્યું છે.

ગુજરાતમાં જે પ્રવાસન–યાત્રાધામોનું વૈવિધ્ય છે તે વિશ્વભરના પ્રવાસી-સહેલાણીઓને આકર્ષે છે અને પાછલા બે વર્ષમાં ટુરિઝમ સેકટરના ઝડપી વિકાસથી રોજગારી સહિતનો ઇકોનોમીક ગ્રોથ સતત વધતો રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ સાથે, કોરોના સંક્રમણ સામે સતર્કતાથી જીવતા શીખીને પ્રધાનમંત્રીના મૂળ મંત્ર ‘‘જાન ભી હૈ જહાન ભી હૈ’’ને અનુસરતાં રાજ્યમાં દૈનંદિની પ્રવૃત્તિઓ અને વિકાસની ગતિને અટકવા દીધી નથી તેની ભૂમિકા આપી હતી.

આવા ઇ-લોકાર્પણ-ખાતમૂર્હુતની શૃંખલાઓથી ગુજરાત વિકાસ માર્ગે આગળ વધ્યું છે અને ન ઝૂકયુ છે ન રોકાયું છે એવા આફતને અવસરમાં પલટવાના સંસ્કાર આપણે વિકસાવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં અલગ અલગ સ્ટ્રકચરના કોન્ઝર્વેશન, રિસ્ટોરેશન કામગીરી સહિત લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રવાસન મૂળભૂત સુવિધાઓના રૂ. 45 કરોડના કામોના E-ખાતમૂર્હુત પણ સંપન્ન કર્યા હતા.

તેમણે મહિસાગરના બાલાસિનોર નજીક પ્રાગૈતિહાસિક ડાયનાસોરના અવશેષો મળી આવેલા છે તે વિશ્વની જૂઝ સાઇટ એવા રૈયોલીમાં રૂ. 20 કરોડના ખર્ચે ડાયનાસૌર મ્યૂઝિયમ ફેઇઝ-2 ના કામોની ભૂમિપૂજન વિધિ પણ ઇ ખાતમૂર્હુતથી કરી હતી. મુખ્યમંત્રીએ પ્રાગૈતિહાસિક શોધ-સંશોધન કરનારા વિશ્વના સંશોધનકારો, વિદ્યાર્થીઓ માટે આ ડાયનાસૌર પાર્ક મ્યુઝિયમ અત્યંત ઉપયોગી બનવા સાથે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓના પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ પામશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ થનારા યાત્રિ સુવિધાના સ્થાયી-કાયમી કામો પાર્કિંગ, વ્હીકલ્સ, રોડ વાઇડનીંગ જેવા કામોના ઇ ખાતમૂર્હુત કરતાં કચ્છના આ સફેદ રણના અલભ્ય નજરાણાને વિશ્વના પ્રવાસન નકશે ચમકતું કરવાનું શ્રેય પ્રધાનમંત્રીની દૂરંદેશીતાને આપ્યું હતું. તેમણે ‘કચ્છ નહિં દેખા તો કુછ નહિ દેખા’ની પ્રસિદ્ધ ઊકતીને સાર્થક કરવાં સમગ્ર કચ્છમાં પણ એક ટુરિઝમ સરકીટ નિર્માણ માટેની ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ધોરડો સફેદ રણની મૂલાકાતે આવનારા પ્રવાસીઓને સ્મૃતિવન, શ્યામજીકૃષ્ણ વર્મા સ્મારક, ભુજિયો ડુંગર, માંડવીનો સમુદ્રતટ, માતાના મઢ અને નારાયણ સરોવર, પંચતીર્થ સહિતના ટુરિઝમ સ્પોટનો લ્હાવો મળે તે હેતુસર આ ટુરિઝમ સરકીટ પણ વિકસાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ મોરબીના વવાણીયામાં મદ રાજચંન્દ્ર ભવનના વિકાસ માટે રૂ. 6 કરોડના કામોના ઇ - ખાતમૂર્હુત કર્યા હતા.

તેમણે મદ રાજચંન્દ્રજીની આધુનિક સમયમાં કેવળ જ્ઞાન–સાક્ષાત્કાર કરનારા આધ્યાત્મિક ગુરૂ તરીકેની વંદના કરતાં આવનારી પેઢીઓ માટે મદ રાજચંન્દ્રજીનું આ જન્મસ્થળ આત્માથી પરમાત્માના સંધાનનું ઉર્ધ્વગામી કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના પાટણમાં વીર મેઘમાયા સ્મારક ભવનના 3 કરોડ રૂપિયાના વિવિધ સુવિધાલક્ષી કામોના ઇ ખાતમૂર્હુત પણ કર્યા હતા.

તેમણે વીર મેઘમાયાએ સદીઓ પહેલાં લોકોને પાણી મળે તે માટે તળાવમાં પોતાનું બિલદાન આપીને જે ત્યાગ-સમર્પણની અમરગાથા રચી છે તેનું યથોચિત ગૌરવ આ વિકાસ કામોથી થશે તેમ ઉમેર્યુ હતું. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સૌને આવકારી પ્રવાસન વિકાસ માટેના બહુવિધ આયોજનોથી વિગતો આપી હતી. આ ઇ - લોકાર્પણ–ખાતમૂર્હુત અવસરે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાજ્ય મંત્રીઓ વાસણ આહિર અને વિભાવરીબહેન દવે તેમજ વીર મેઘમાયા સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ અને સાંસદ ડૉ. કિરીટ સોલંકી, રાજચંન્દ્ર મિશનના ભરત મોદી અને પ્રવાસન સચિવ મમતા વર્મા, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુદેવન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પાટણ અને બાલાસિનોરથી સંબંધિત વિસ્તારના સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી વગેરે વિડીયો લીંકથી જોડાયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp