ઋષિકેશમાં બની રહ્યો છે ભારતનો પહેલો ગ્લાસ બ્રિજ, જાણો ક્યારે પુરું થશે નિર્માણ

PC: currentaffairs.adda247.com

ઉત્તરાખંડના શહેર ઋષિકેશ યોગનગરીના નામે ઓળખાય છે. પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું આ શહેર અત્યંત સુંદર છે. વિશ્વભરથી પર્યટકો અહીં ફરવા આવે છે. અહીં આવતા દરેક વ્યક્તિ ગંગા નદીની ઉપર આવેલા લક્ષ્મણ ઝુલા પર અવશ્ય જાય છે. જોકે, લગભગ 100 વર્ષ જુનો આ પૂલ હાલ બંધ છે અને સુરક્ષા કારણોસર તેના પરની અવર જવર બંધ રાખવામાં આવી છે. તેની જગ્યા પર પ્રશાસન એક બીજો પૂલ તૈયાર કરી રહી છે જે કાચનો બનાવવામાં આવી રહ્યો છે.

ઉત્તરાખંડ સરકારના લોક નિર્માણ વિભાગે અહીં ઋષિકેશમાં બજરંગ સેતુનું નિર્માણ કરી રહ્યા છે, જે લક્ષ્મણ ઝુલા પૂલનો વિકલ્પ બનશે. લોક નિર્માણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, આગામી વર્ષ 2023ના જુલાઇ મહિનામાં આ પૂલનું નિર્માણ પુરું કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નવા પૂલ માટે ગંગાના બન્ને કિનારે ફાઉન્ડેશનનું કામ ચાલુ છે. બજરંગ સેતુની બન્ને બાજુ જે ટાવર બનાવવામાં આવી રહ્યા છે, તેને કેદારનાથ મંદિરની આકૃતિ પરથી બનાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ટાવરની ઉંચાઇ લગભગ 27 મીટર હશે. કુલ 133 મીટર લાંબો અને આઠ મીટર પહોળો આ પૂલ થ્રી લેન હશે. આ પૂલ પરથી ટુવ્હિલર વાહનો પણ પસાર થઇ શકશે. પૂલ પરથી નાના ફોર વ્હિલર વાહનો પણ પસાર થઇ શકશે. પૂલની મધ્યમાં અઢી અઢી મીટરની ડબલ લેન ટુવ્હિલર અને ફોર વ્હિલર વાહનો માટે હશે. પૂલની બન્ને બાજુ કાંચનો ચાલવા માટેનો રસ્તો બનશે. તેના પર ઉભા રહીને યાત્રાળુઓ 57 મીટરની ઉંચાઇથી ગંગા નદીના વહેતા જળપ્રવાહના અદભૂત નજારાને જોઇ શકશે અને તેના પર ચાલી શકશે. આ કાંચ 65 મીલીમીટર જાડો હશે, જે ઘણો મજબૂત હોય છે. પૂલ માટે કુલ 68 કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું છે. બજરંગ પૂલ, કે જે લક્ષ્મણઝુલા પૂલનો વિકલ્પ બનશે, તેનું નિર્માણ બ્રિટિશ શાસનકાળમાં વર્ષ 1927થી 29ની વચ્ચે કરવામાં આવ્યું હતું.

12મી જુલાઇ, 2019માં લોક નિર્માણના સેફ્ટી ઓડિટ રિપોર્ટમાં આ પૂલને લોકો માટે અસુરક્ષિત માનતા પ્રશાસને તેના પર અવર જવર બંધ કરી દીધી હતી. ત્યાર બાદ નવો પૂલ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી, જેની જવાબદારી લોનિવિને સોંપવામાં આવી છે. જુલાઇ, 2019 બાદથી લક્ષ્મણઝુલા પૂલ પર લોકોની અવર જવર બંધ છે. પૂલનો કોઇ વિકલ્પ ન હોવાના કારણે અહીં બન્ને તરફનું બજાર પણ પ્રભાવિત થયું છે. જલ્દીથી જ અહીં બજરંગ સેતુનું નિર્માણ પુરું કરી દેવામાં આવશે, જે દેશ વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સેતુને સ્ટેટ ઓફ આર્ટ તરીકે વિકસિત કરવામાં આવશે, જે એક અભિનવ કલાકૃતિ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp