વર્ષે 5 કરોડથી વધુ ટૂરિસ્ટ ગુજરાત આવતા હતા, કોરોનાને કારણે આટલો ઘટાડો

PC: traveltriangle.com

ગુજરાતમાં ટુરિસ્ટ સેક્ટરમાં પ્રવાસીઓની સંખ્યા પ્રતિવર્ષ વધતી જતી હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે બ્રેક વાગી ગઇ છે. 2020નું વર્ષ ટુરિસ્ટ સેક્ટરમાંથી બાદ કરી નાંખવું પડે તેવી સ્થિતિ સર્જાયેલી છે. રાજ્યમાં ટુરિસ્ટ ફ્લો છેલ્લા નવ મહિનામાં 85 ટકા ઘટી ગયો છે. આ એક ચોંકાવનારો મોટો ઘટાડો છે.

પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે પ્રવાસીઓ આવ્યા તેની સંખ્યા 15 ટકા થાય છે પરંતુ માર્ચ થી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના એકપણ પ્રવાસન સ્થળે પ્રવાસીઓ આવી શક્યા નથી. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે પ્રવાસન સ્થળો બંધ હતા અને પ્રવાસીઓ ટ્રાવેલ કરી શકે તેવી હાલતમાં ન હતા તેથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને બહું મોટો ફટકો પડ્યો છે.

આ અધિકારીએ કહ્યું હતું કે માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ કપરાં સમયમાં વિદેશી પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક પ્રવાસીઓ બંધ થયાં છે. ગુજરાતમાં 2005ના વર્ષમાં એક કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. 2012માં આ આંકડો 2.44 કરોડ સુધી પહોંચ્યો હતો. 2016માં પ્રવાસીઓની સંખ્યા 3.83 કરોડ અને 2018માં 5.20 કરોડ સુધી પહોંચી હતી. છેલ્લે 2019ના વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા પાંચ કરોડ કરતાં પણ વધુ હતી પરંતુ 2020ના કમનસીબ વર્ષમાં પ્રવાસીઓ નગણ્ય સંખ્યામાં આવ્યા છે.

પ્રવાસીઓ નહીં આવવાથી સૌથી મોટો ફટકો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સેક્ટરને પડ્યો છે. આ સેક્ટરમાં દોઢ લાખથી વધુ લોકોએ રોજગારી ગુમાવી છે. ગુજરાત સરકારના પ્રવાસન નિગમે આવક ગુમાવી છે પરંતુ હવે નવેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિ શરૂ થાય તેવી સંભાવના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતમાં સી-પ્લેનની સુવિધા શરૂ કરી રહ્યાં છે. તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન મારફતે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે જવાના છે. આ તબક્કે તેઓ ગુજરાતમાં સી-પ્લેનની સુવિધા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે.

પ્રવાસન અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતે કોરોના સંક્રમણના કારણે ગુમાવેલા ટુરિસ્ટ 2021ના વર્ષમાં પાછા આવે તેવી શરૂઆત ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન કરી રહ્યું છે. દિવાળી પછી ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે પરંતુ પ્રવાસીઓએ આરોગ્યની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ પાલન ત્યાં સુધી કરવું પડશે જ્યાં સુધી કોરોના સંક્રમણના પોઝિટીવ આંકડા સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp