ગિરનારમાં આ તારીખે થશે કુંભમેળાનું આયોજન, સરકારે ફાળવ્યા 15 કરોડ

PC: tribune.com.pk

રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ દરમ્યાન ગિરનાર શિવરાત્રી કુંભમેળાના ભવ્ય આયોજન માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપી હતી. આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. એટલું જ નહીં સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ - કુંડ-નદીનાળાની સફાઈ - મેરેથોન દોડ - પર્વતારોહણ સ્પર્ધા - સ્પિરિચ્યુઅલ વૉકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે.

મુખ્યમંત્રીએ જુનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મિની કુંભમેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાતના અધિકારીઓની એક ટીમ જાત માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઇને ગિરનાર કુંભમેળો ભવ્ય બનાવવા વિજય રૂપાણીએ માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું.

તેમણે એવું સુચન કર્યું કે મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભમેળાને અનુરૂપ ચિત્રો - સુશોભન – એલ.ઈ.ડી. લાઇટ્સ હાઈ માસ્ટ મુકવામાં આવે. આ મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દિવાલ ઉપર લેસર શૉ - ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે. આ કુંભમેળામાં મોટી સંખ્યામાં આવનારા સંતો માટે સંત સંકલન સમિતિ વિશ્વંભર ભારતી બાપુ અને શેરનાથ બાપુ સાથે પરામર્શમાં રહીને રચવાનું પણ બેઠકમાં તય થયું હતું. મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય- સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.

તેમણે દર વર્ષે મેળામાં યોજાતી રવેડીને બેન્ડ - રાસમંડળીઓ - હાથી ઘોડા સાથે વધુ ધામધૂમપૂર્વક યોજવા વિષયે પણ પ્રેરક સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી મતી વિભાવરીબહેન દવે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ તથા વન, પ્રવાસન અને શહેરી વિકાસના અગ્રસચિવઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર-કમિશનર-જીલ્લા કલેક્ટર તેમજ પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ, શેરનાથ બાપુ અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp