રાજસ્થાન સરકાર આબુનો રસ્તો પણ સરખો કરાવી શકતી નથી. ગુજરાતનો આપી દો...

PC: abutimes.com

ગુજરાતમાં કોઇપણ તહેવાર હોય અથવા તો વેકેશન હોય તો નજીકમાં નજીકનું પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ પ્રવાસીઓની પહેલી પસંદ બને છે પરંતુ આબુ રોડ થી માઉન્ટ આબુ જવાના માર્ગની મરામત થતી નહીં હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. હીલ સ્ટેશન પર પહોંચતા ઘણીવખત પ્રવાસીઓને આંખે પાણી આવી જાય છે.

ગુજરાતીઓની પ્રથમ પસંદ એવું માઉન્ટ આબુ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે પરંતુ રાજસ્થાન સરકારે આ હીલ સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે કોઇ કામ કર્યા નથી. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું આ પ્રવાસન સ્થળ શિયાળાની ઋતુમાં યુવાન કપલનું ફેવરિટ સ્થળ બની જતું હોય છે. શિયાળામાં સૌથી વધુ ઠંડી પણ આ પ્રવાસન સ્થળ પર પડતી હોય છે છતાં તમામ હોટલો હાઉસફુલ બની જાય છે.

પ્રતિવર્ષ 15 લાખથી વધુ પ્રવાસી આવે છે તે માઉન્ટ આબુના રસ્તા વાહનચાલકો માટે સરળ નથી. પ્રવાસીઓને તેમના વાહનોના પાર્કિંગમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. ચોમાસાની સિઝનમાં તો માઉન્ટ આબુ જવાનો એકમાત્ર માર્ગ બંધ કરવો પડે છે. આબુ રોડ થી માઉન્ટ આબુનું અંતર 20 કિલોમીટરનું છે પરંતુ આ માર્ગ બ્રિટીશ શાસન સમયનો છે. માઉન્ટ આબુ જવા વૈકલ્પિક માર્ગ આઝાદીના આટલા વર્ષો પછી પણ બની શક્યો નથી.

બ્રિટીશ શાસનમાં વસેલા માઉન્ટ આબુ પર રાજકીય નેતાઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને ડિપ્લોમેટ્સ જતા હોય છે છતાં વિકાસના કામો થઇ શક્યા નથી. હીલસ્ટેશન પર પીવાનું પાણી પુરૂં પાડતી સાલગાવ પરિયોજના છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી છે. આ યોજના પ્રમાણે જળાશયનું નિર્માણ કરવાનું થાય છે. હિલસ્ટેશન પર પાર્કિંગની મોટી સમસ્યા ઉભી થઇ છે. પોલોગ્રાઉન્ડ એકમાત્ર પાર્કિંગ સ્થળ છે.

માઉન્ટ આબુમાં સૌથી મોટી સમસ્યા ગટરલાઇનની છે. 2007ના વર્ષમાં 34.37 કરોડના ખર્ચે ગટરલાઇનની કામગીરી શરૂ કરવાની થતી હતી જેમાં 54 કિલોમીટરની પાઇપલાઇન બિછાવવાની થાય છે. આ કામ 2010માં પૂર્ણ કરવાનું થતું હતું પરંતુ ચાર કંપનીઓ બદલ્યા છતાં આ યોજના અધુરી છે. 2018માં 60 કરોડની ફાળવણી સાથે યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે પૂર્ણ થતું નથી.

માઉન્ટ આબુ જવા માટે એકમાત્ર માર્ગ છે જે કુદરતી આપત્તિ કે અકસ્માતના સમયમાં વાહનો માટે મોટો અવરોધ ઉભો કરે છે. એક અકસ્માત થાય ત્યારે માર્ગ દિવસો સુધી બંધ રહે છે અને માઉન્ટ આબુનો સંપર્ક તૂટી જાય છે. પાંચ વર્ષ પહેલાં વૈકલ્પિક માર્ગની યોજના બનાવવામાં આવી હતી જેમાં માત્ર છ કિલોમીટરનું ડામર કામ થયું છે પરંતુ આ માર્ગનું બાંધકામ પૂર્ણ થઇ શક્યું નથી. હવે ચોમાસા પહેલાં આ માર્ગની મરામત થાય તેવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યાં છે.

ગુજરાતના લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ગેહલોત સરકારને જો આ કામ કરવાનું ન ફાવતું હોય તો આબુ ગુજરાતના સોંપી દેવું જોઇએ. ગુજરાતની સરકારે જે વિકાસ સાપુતારાનો કર્યો છે તેવો વિકાસ રાજસ્થાન સરકારે આબુનો કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp