CM વિજય રૂપાણીની જાહેરાત, આ બીચનો રૂ. 100 કરોડના ખર્ચે વિકાસ કરાશે

PC: Khabarchhe.com

CM વિજય રૂપાણીએ દ્વારકા જિલ્‍લાના શિવરાજપુરના બ્‍લુ ફલેગ બીચ ખાતે રૂા.20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સમગ્રતયા રૂ. 100 કરોડના ખર્ચે આ બીચનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, ફેઝ-રમાં શિવરાજપુર બીચને રૂા.80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આમ, રૂા.100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્ત્વ વધ્‍યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્‍થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે, તેવો વિશ્વાસ CMએ વ્યક્ત કર્યો હતો. CM વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્‍યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્‍લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્‍થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે.

CM વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, આ નવી ટુરીઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક,સાંસ્‍કૃતિક અને ભૌગોલિક સમૃધ્‍ધિને ધ્‍યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરીઝમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, એમ.આઇ.સી.ઇ. ટુરિઝમ, એડવેન્‍ચર એન્‍ડ વાઇલ્‍ડ લાઇફ ટુરિઝમ, કોસ્‍ટલ એન્‍ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્‍પિરિચ્‍યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્‍સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

CM વિજય રૂપાણીએ વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂ. 27 હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. અમારી સરકારમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાયા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્‍સ હોસ્‍પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેકટસ વગેરેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્‍જીન બન્યું છે. પાણીની વિવિધ યોજનાઓ તથા ગુજરાતમાં નિર્માણાધિન પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ થકી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

પહેલા કોંગ્રેસના શાસનોમાં ખાતમુહુર્ત થતા અને લોકો વર્ષો સુધી કામોની રાહ જોતા હતા જ્યારે અમારી સરકારમાં ખાતમુહુર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ એવું સમયબદ્ધ આયોજન છે. તેમ પણ CMએ ઉમેર્યુ હતું.

કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ક્ષિતિજ વિકસી છે તેમ જણાવી CMએ ઉમેર્યું હતું કે ‘‘ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ’’ બન્યું છે. આજે ભારતમાં થયેલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માં 52% ઇન્વેસ્ટમેન્ટ માત્ર ગુજરાતમાં થયું છે. જેનાથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતની અલગ ઓળખ ઉભી થઇ છે અને ગુજરાતની વિશ્વપ્રતિષ્ઠા વધી છે.

શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂ.20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.

નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્‍થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુક્ત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુક્ત કરવા માટે દર મહિને વ્‍યકતિદિઠ મહતમ રૂા.4000/- ની નાણાંકિય સહાયતા છ મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ તકે સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કરતા કહયું હતું કે, દ્વારકા જિલ્‍લો પશ્વિમ વિસ્‍તારનો છેવાડાનો જિલ્‍લો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને CM વિજય રૂપાણીના નેતૃત્‍વ હેઠળ હેઠળ આ જિલ્‍લાના વિકાસને વેગ મળ્યો છે. ગુજરાત ટુરીઝમ એવોર્ડ-2020માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરીઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે જે CMના હસ્‍તે કલેક્ટર ડૉ. નરેન્‍દ્રકુમાર મીનાને આજરોજ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા જયારે કલેક્ટર ડૉ. નરેન્‍દ્રમીનાએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુ બેરા, પુર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમ જોગલ, ટુરિઝમ સેક્રેટરી મમતાબેન વર્મા, પુર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, રાજકોટ રેન્‍જ ડીઆઇજી સંદિપસીંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, અધિક નિવાસી કલેક્ટર જાની તથા પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ તથા દ્વારકા જિલ્‍લાના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp