અનુરાગ ઠાકુરે કહ્યુ- ડૉક્ટર સાહેબ ઇમાનદાર હતા પણ તેમની નીચેના માણસો...

PC: indiatv.in

કેન્દ્રીય નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે રાજયસભામાં સામાન્ય બજેટની ચર્ચા દરમ્યાન કોગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે જાહેર સંપત્તિને વેચવાના આરોપ પર જવાબ આપતા કહ્યું હતું કે, એર ઇન્ડિયાની દુર્ગતિ કોણે કરી અને દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની શરૂઆત કોણે કરી હતી? તેમણે કહ્યું કે ડોકટર સાહેબ તો ઇમાનદાર વ્યકિત હતા, પણ તેમની નીચે વાળા લોકોએ ભાગ્યેજ કોઇ વિભાગ છોડયો હશે જેમાં ગોટાળો ન થયો હોય, ઠાકુરે કહ્યું કે આજે મોદી સરકારના 7 વર્ષમાં 7 પૈસાનો પણ ગોટાળો થયો નથી, આવી હોય છે ઇમાનદાર સરકાર.અનુરાગ ઠાકુર દેશના માજી પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘનું નામ લીધા વગર આ વાત કરી હતી.

કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરતી વખતે  નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આજે વ્યાજના દરો ઘટી રહ્યા છે. અનેક સુવિધાઓ મળી રહી છે, જેને કારણે સામાન્ય વ્યકિત અને ગરીબોને ઘર મળી રહ્યા છે. ઠાકુરે કહ્યું હતું કે મોદી સરકાર દેશને ઇકોનોમિક પાવર હાઉસ પણ બનાવશે.  તેમણે બજેટની ચર્ચા દરમ્યાન વધુમાં કહ્યું હતું કે, ભારત આજે બીજા નંબરનો  મોબાઇલ ઉત્પાદક દેશ તરીકે ઉભરી રહ્યો છે. દેશમાં 7 મોટા ટેકસટાઇલ પાર્ક બનવાના છે.

 ઠાકુરે કહ્યું કે બજેટ બનાવતા પહેલાં દેશભરના બુધ્ધિજીવીઓની સાથે લગાતાર વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાં દેશમાં કયારેય પીપીઇ કીટ બનતી નહોતી, આજે બીજા દેશોને આપણે પીપીઇ કીટ આપી રહ્યા છીએ.

નાણાં રાજય મંત્રી  અનુરાગ ઠાકુરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે નિશાન તાકતા કહ્યું હતું કે  મમતા બેનરજી સરકારની હઠધર્મિતાને કારણે બંગાળના લાખો ખેડુતો પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મેળવી શકયા નથી. ઠાકુરે ખેડુત આંદોલન બાબતે વિપક્ષોને સંભળાવતા કહ્યું હતું કે જેમની નજર કાળી હોય તેમને દરેક કાયદા કાળા જ નજરે આવશે.

કેન્દ્ર સરકારે અનેક જાહેર ક્ષેત્રોની કંપનીના ડિસઇન્વેસ્ટના માધ્યમથી કરોડો રૂપિયાનું ભંડોળ ઉભું કરવાનું આયોજન કર્યું છે જેની સામે વિપક્ષોએ રાષ્ટ્રીય સંપતિને વેચવા બાબતે ભારે હંગામો મચાવ્યો છે. બજેટના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જે રાષ્ટ્રીય સંપત્તિ લોસમાં ચાલતી હોય તેને  જાળવીને રાખવાનો કોઇ મતલબ નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp