26th January selfie contest

MoU સાઇન કરીને ગુમ થયેલી 25 કંપનીઓને સરકારે શું કહ્યું, જાણો

PC: khabarchhe.com

ગુજરાતમાં અગાઉ MoU કરીને ગુમ થઇ જનારી કંપનીઓ સાથે ફરીથી MoU સાઇન કરવામાં આવ્યા છે. આ વખતે તેમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ સમયસર મૂડીરોકાણ નહીં કરે તો તેમને આગામી કોઇપણ બિઝનેસ સમિટમાં બોલાવવામાં નહીં આવે. સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે જેમને સરકારી જમીન જોઇતી નથી તેમના પ્રોજેક્ટમાં વિભાગો તરફથી કોઇ ડિલે નહીં થાય. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે 2019ની વાયબ્રન્ટ સમિટમાં 25 એવી કંપનીઓ હતી કે જેમણે 2005, 2007, 2009 અને 2011માં સરકાર સાથે MoU કર્યા હતા. આ કંપનીઓ ફરીથી દેખાઇ હતી અને સરકાર સાથે MoU કર્યા છે. આ કંપનીઓએ અગાઉ ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને ટુરિઝમ સેક્ટરમાં MoU કર્યા હતા. આ વખતે પણ આ કંપનીઓએ વિવિધ સેક્ટરમાં MoU કર્યા છે. આ વખતે સરકારે આ કંપનીઓને અપીલ કરી છે કે MoU કરીને 45 દિવસમાં તમારા પ્રોજેક્ટમાં કાર્યવાહી શરૂ કરજો અન્યથા આગામી સમિટમાં તમને આમંત્રણ નહીં મળી શકે.

રાજ્ય સરકાર આ વખતે એવો પણ નિર્ણય લીધો છે કે જેમને સરકારી જમીનની જરૂર નથી અને પ્રાઇવેટ જમીનમાં તેમનો પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે તેમને સરકારી વિભાગોની તમામ મંજૂરીઓ ઝડપથી આપી દેવામાં આવશે. સરકાર તેમને વિવિધ નીતિ પ્રમાણે સહયોગ પણ કરશે. ધોલેરામાં 85000 કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરનાર તેમજ ગુજરાત સરકાર સાથે 2009માં MoU કરનારા સિંગાપુરના પ્રસૂન મુખરજીએ 2019 સુધી એક પણ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું ન હતું. આ વખતે 2019ની વાયબ્રન્ટ સમિટમાં તેની કંપનીએ હિસ્સો લીધો હતો. પ્રસૂન મુખરજી એમએસએમઇના સેમિનારમાં મંચ પર જોવા મળ્યા હતા.

પ્રસૂન મુખરજી યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝિસ નામની કંપની ધરાવે છે. તેમણે અગાઉ વિવિધ પાર્ક અને પાવર પ્લાન્ટ સ્થાપવાની વાતો કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે આ કંપની તરફથી કોઇ જ કોરસપોન્ડન્સ કરવામાં આવ્યો નથી. સરકારે કંપનીને મેઇલ કરીને MoUમાં આગળ વધવા અપીલ કરી હતી પરંતુ આ કપની તરફથી વળતો જવાબ મળી શક્યો ન હતો. જો કે આ વખતે કંપનીના સંચાલકે MoU સાઇન તો કર્યો છે પરંતુ તેની પબ્લિસિટી લીધી નથી.

MoU કરીને ગુમ થઇ જનારી યુનિવર્સલ સક્સેસ જેવી અન્ય કંપનીઓનેપણ સરકારે અપીલ કરી છે. અગાઉ MoU કરવામાં આવ્યા હતા તેની યાદ પણ ગુજરાત સરકારે કંપનીના સંચાલકોને આપી હતી, જેથી ગુમ થયેલી કંપનીઓએ સરકારને ખાત્રી આપી છે કે તેઓ MoU સાઇન કર્યો છે તે પ્રમાણે તેમના પ્રોજેક્ટમાં આગળ વધશે.

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp