દુષ્કર્મ પીડિતાના મૃત્યુ બાદ પણ તેની ઓળખ જાહેર ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

PC: India.com

સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પીડિયાઓની સાથે સમાજમાં થતા ભેદભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પીડિતાઓની ઓળખ ઉજાગર કરવાને લઈને નિરાશા વ્યક્ત કરતા મંગળવારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી. લોકુર તેમજ જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે એક અરજી પર સુનાવણી કરતા જીવિત અથવા મૃત કોઈપણ દુષ્કર્મ પીડિતા તેમજ યૌન શોષણના શિકારની ઓળખ ઉજાગર કરવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા, પોલીસ તેમજ અન્ય કોઈના પણ દ્વારા દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર નહીં કરી શકાશે.

સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં મહત્ત્વના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે અને દેશના દરેક રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં દુષ્કર્મ પીડિત મહિલાઓને પુનર્વાસ માટે વન સ્ટોપ સેન્ટર બનાવવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પ્રત્યે દેશની તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલોને તેમજ તમામ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ અધ્યક્ષોને મોકલવા માટેના આદેશ આપ્યા છે, જેથી તેમના આદેશો પર અમલ કરી શકાય.

સુપ્રીમ કોર્ટની બેન્ચે નિર્ણયમાં જણાવ્યુ હતુ કે, જો કોઈ બાળકી સાથે દુષ્કર્મ થયુ હોય અને FIR પોક્સો એક્ટમાં દાખલ કરવામાં આવી હોય તો આવી કોઈપણ FIRને તપાસ એજન્સી દ્વારા પબ્લિક ડોમેનમાં ન લાવવામાં આવે. મહિલાઓ સાથે દુષ્કર્મ સંબંધી મામલાઓની FIRને પોલીસ સાર્વજનિક નહીં કરી શકશે. એવી કોઈપણ FIR અથવા તથ્યોને અદાલતની સામે રજૂ કરવી હોય તો પોલીસ ક્યાં તો પીડિતાની ઓળખ છૂપાવશે અથવા તે અરજીને સીલ પેક કવરમાં અદાલત સમક્ષ રજૂ કરશે.

જસ્ટિસ દીપક ગુપ્તાએ નિર્ણય આપતી વખતે જણાવ્યુ હતુ કે, કોઈ દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરીને તેના સન્માનનુ હનન એ આધાર પર ન કરી શકાય કે તે મરી ચૂકી છે અને તેનાથી કોઈ ફેર નહીં પડશે. પીડિતા ભલે મરી ચૂકી હોય, કોમામાં સરી પડી હોય કે પછી જીવિત હોય, કોઈપણ હાલતમાં તેમની ઓળખ જાહેર થવી જોઈએ નહીં. જો પીડિતાના પરિવારજનો તેનુ નામ જાહેર કરવાની અનુમતિ આપે તો પણ તેને જાહેર ન કરી શકાશે. માત્ર જજ જ નક્કી કરી શકે છે કે દુષ્કર્મ પીડિતાનુ નામ જાહેર કરવુ કે નહીં.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દેશના પ્રત્યેક જિલ્લામાં વન સ્ટોપ સેન્ટર બનાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ કહ્યુ છે કે, પોક્સો મામલામાં બાળકો સાથે દુષ્કર્મ તેમજ યૌન શોષણના મામલાઓની સુનાવણી કરનારી અદાલતોને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં આવે. બાળકોના મામલામાં તેમને કોર્ટથી ડર ન લાગવો જોઈએ.

જસ્ટિસ દીપક ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ પીડિતાને ટ્રાયલ કોર્ટમાં પણ યોગ્ય મદદ નથી મળતી. બચાવ પક્ષ તેના ચરિત્પ પર સવાલો ઉઠાવે છે. જજ ચુપચાપ જૂએ છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, અમે આરોપીની રક્ષાના અધિકારને ઓછો કરવા નથી માંગતા, પરંતુ મહિલાઓના સન્માનનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

જ્યારે જસ્ટિસ મદન બી. લાકુરે જણાવ્યુ હતુ કે, સમાજ દુષકર્મ પીડિતાઓ સાથે અછૂત જેવો વ્યવહાર કરવા માંડે છે. પોલીસ એવા સવાલો ઉઠાવે છે કે, જાણે અપરાધ તેને કારણે જ થયો હોય. કોર્ટમાં કઠોર સવાલો પૂછવામાં આવે છે. અહેસાસ કરાવવામાં આવે છે કે, જે તેની સાથે થયુ છે, તે તેની ભૂલના કારણે જ થયુ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp