બાળકી સાથે રેપ કરનાર બળાત્કારીને હવે થશે 'સજા-એ-મોત'

PC: thetoc.gr

નાની બાળકી સાથે વધતી રેપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આજે મોટો ફેંસલો લીધો છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ કેન્દ્રીય કેબિનેટની શનિવારે થયેલી બેઠકમાં બાળકીના બળાત્કારીઓને મોતની સજા આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આના માટે ટૂંક સમયમાં ઓર્ડિનન્સ પાસ કરવામાં આવશે. ઘટનાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી આવ્યા તેવી તુરંત જ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ પર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં Protection of Children from Sexual Offences (POCSO) એક્ટમાં સંશોધન કરવા પર સહમતિ બની હતી.

એક પછી એક બાળકીની રેપની ઘટનાઓ સામે આવતા સરકાર પર પણ આ કાયદામાં સુધારો કરવાનું દબાણ વધ્યું હતું. સરકારે આ નિર્ણય ત્યારે લીધો છે, જ્યારે કઠુઆમાં ગેંગરેપ, સુરત અને ઈન્દોરમાં પણ બાળકી સાથે રેપ બાદ હત્યાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ બાદ ચારેબાજુથી સરકાર પર પ્રેસર કરવામાં આવ્યું હતું કે, આવો ગુનો કરનારને મોતની સજા જ થવી જોઈએ. એટલે હવે રિપોર્ટ મુજબ POCSO એક્ટ અંતર્ગત સંશોધન કરીને 12 વર્ષની ઉંમરના બાળકોની સાથે રેપ કરનાર બળાત્કારીઓને સજા-એ-મોત આપવાનો કાયદો બનાવવામાં આવશે.

કઠુઆ ગેંગરેપઃ જાણો આખો મામલો...

જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યા બાદ ઘણા સવાલો ઉભા થયા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની સામે 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જચીટ દાખલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાસના ગામમાં દેવીસ્થાનના સેવાદાર સાંઝી રામે બકરવાલ સમાજને વિસ્તારથી હટાવવા માટે માસૂસ બાળકી સાથે ગેંગરેપની સાજિશ રચી હતી.

આ ઘટનાના માસ્ટર માઇન્ડ સાંઝી રામને હાલમાં પોલીસે અરેસ્ટ કરી લીધા છે. તેમની સાથે કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી અમુક આરોપી હિન્દુ એકતા મંચ સાથે પણ જોડાયેલા છે. બીજી બાજુ હિન્દુ સંગઠનોનો આરોપ છે કે અલ્પસંખ્યક ડોગરા સમાજને ફસાવવાની કોશિશ થઈ રહી છે. જેને કારણે જમ્મુ હાઇકોર્ટ બાર એસોસિએશને પણ બુધવારના રોજ જમ્મુ બંધ રાખ્યું હતું. આ લોકો CBI તપાસની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં રાજ્ય સરકારમાં BJP મંત્રી લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગા પણ CBI તપાસનું સમર્થન કરી રહ્યા છે, પરંતુ ભાજપા પાર્ટી આ મામલાથી અંતર જાળવી રહી છે.

તમને જણાવી દઈએ કે 8 વર્ષની બાળકી બકરવાલ સમાજથી આવે છે. તે ઘોડા ચરાવવા માટે જંગલ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. 17 જાન્યુઆરીના રોજ તેની લાશ મળી હતી. ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે, બાળકીને ભૂખી-તરસી મંદિરમાં બાંધીને રાખવામાં આવી હતી. બાળકીને નશીલી દવા પણ આપવામાં આવી હતી અને તેના પર વારંવાર રેપ પણ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસની ખબર મુજબ માસ્ટરમાઇન્ડ જ્યારે દેવસ્થાનમાં પૂજા-અર્ચના કરીને નીકળી ગયો ત્યાર બાદ મંદિરની અંદર બાળકી સાથે 3 વાર ગેંગરેપ થયો. બળાત્કારીઓમાંથી એકને તો મેરઠથી તેના વાસના સંતોષવા માટે બોલાવવામાં આવ્યો હતો. એ પહેલા કે બાળકી દમ તોડી દે, આરોપી પોલીસકર્મી દીપક ખજુરિયાએ તેને બચાવી રાખવા માટે કહ્યું, જેથી તે છેલ્લીવાર બાળકી સાથે બળાત્કાર કરી શકે. આ દરિંદગી બાદ તેનું ગળું દબાવવામાં આવ્યું અને માથા પર બે વાર પથ્થર મારવામાં આવ્યો એ નક્કી કરવા માટે કે તે મરી ચૂકી છે કે નહીં.

ઉન્નાવ ગેંગરેપ: જાણો શું છે સમગ્ર મામલો...

એક 16 વર્ષની છોકરીએ ગયા વર્ષે જૂનમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સાથીઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો પણ આ કેસના સામે આવ્યા પછી છોકરી અચાનક ગાયબ થઈ ગઈ. આ પછી તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના નવ દિવસ પછી આ છોકરી એક ગામમાંથી મળી આવી અને ત્યારબાદ તેને ઉન્નાવ લાવવામાં આવી.

પોલીસે તેને કોર્ટમાં હાજર કરી અને તેનું નિવેદન લીધું. પીડિતાએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તેને પોતાના નિવેદનમાં પોલીસે ભાજપના ધારાસભ્યનું નામ લેવા દીધું ન હતું. દસ દિવસ પછી તેને તેના પરિવારજનો પાસે મોકલી દેવામાં આવી પણ તે સતત પોલીસ પર આરોપ લગાવતી રહી. ઉન્નાવ છોડીને પીડિતા અને તેનો પરિવાર દિલ્હી આવી ગયો પણ તે તેની ફરિયાદ મુખ્યમંત્રીથી માંડીને તમામ વરિષ્ઠ અધિકારીઓને મોકલતી રહી. જેથી તે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના ભાઈ અતુલ સિંહ વિરૂદ્ધ કેસ નોંધાવી શકે.

પણ જ્યારે ક્યાંયથી પણ કોઈ સુનાવણી થઈ નહીં, તો આ વર્ષે ફેબ્રુઆરીમાં પીડિતાની માંએ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટનો દરવાજો ખખડાવ્યો જેથી આ કેસમાં FIR નોંધાવી શકાય. 3 એપ્રિલે પીડિતાની માની અપીલ પર કોર્ટે સુનાવણી કરી. આ કેસની સુનાવણીમાં ભાગ લેવા માટે પીડિતા સહિત આખો પરિવાર ઉન્નાવ પાછો જતો રહ્યો. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ દિવસે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરના ભાઈ અતુલ સિંહે પોતાના સાથીઓ સાથે મળીને છોકરીના પિતાને હેરાન કર્યા હતા. આ છતા પણ ઘાતક હથિયાર રાખવાના ગુનામાં છોકરીના પિતાની પોલીસે ધરપકડ કરી હતી.

ત્યારબાદ 5 એપ્રિલે આ પીડિતાના પિતાને જેલ મોકલી દેવામાં આવ્યા. પીડિતાના પિતાએ ધારાસભ્યના ભાઈ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો, પણ તેમની ફરિયાદ પર કોઈ પગલા લેવામાં આવ્યા નહીં. આ પછી પીડિતાએ લખનૌના મુખ્યમંત્રી નિવાસની સામે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ પછી પણ તે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરૂદ્ધ FIR નોંધાવવાની માંગ કરતી રહી. જેના પછી આ તમામ ઘટના સામે આવી. 9 એપ્રિલે પોલીસ કસ્ટડીમાં છોકરીના પિતાનું મૃત્યુ થઈ ગયું.

ત્યારબાદ પીડિતાએ મુખ્યમંત્રી યોગી પાસે મદદનો હાથ ફેલાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મને DMએ એક હોટલના રૂમમાં પૂરી દીધી હતી અને મને પાણી પણ આપવામાં આવ્યું ન હતું. હું ઇચ્છું છું કે મારા દોષીઓને સખત સજા ફટકારવામાં આવે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp