ગુજરાતમાં પુરુષો કરતા મહિલાઓ વધુ જીવે છે, આરોગ્ય સરવેનું તારણ

PC: english.jagran.com

ગુજરાતમાં આરોગ્યની સુવિધા સુધરતાં અને મેડીકલમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરતાં લોકોનું આયુષ્ય સુધર્યું છે. છેલ્લા 14 વર્ષમાં આયુષ્યમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા આરોગ્ય સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ કરતાં મહિલાના આયુષ્યમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7 વર્ષનું નિયત કર્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 73.7 દર્શાવ્યું છે.

એક સમય હતો જ્યારે મહિલાના આયુષ્ય કરતાં પુરૂષનું આયુષ્ય વધારે જોવા મળતું હતું પરંતુ 14 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. 2006 થી 2010 સુધીના વર્ષમાં પુરૂષનું આયુષ્ય 67.2 વર્ષનું ગણવામાં આવ્યું હતું જ્યારે મહિલાનું આયુષ્ય 71 વર્ષ નોંધવામાં આવ્યું હતું. 2011 થી 2015 સુધીમાં પુરૂષના આયુષ્યમાં બે વર્ષનો અને મહિલાના આયુષ્યમાં 1.5 વર્ષનો વધારો જોવા મળ્યો હતો.

રાજ્યના આરોગ્યના માપદંડના આધારે 2016 થી 2020ના ગાળા દરમ્યાન પુરૂષનું આયુષ્ય 70.7 અને મહિલાનું આયુષ્ય 73.7 નિયત કરવામાં આવ્યું છે, એટલે કે 10 વર્ષમાં પુરૂષના આયુષ્યમાં ત્રણ વર્ષ અને મહિલાના આયુષ્યમાં બે વર્ષનો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આરોગ્ય સેવાઓમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં 366 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 1425 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 9063 જેટલા પેટાકેન્દ્રો આવેલા છે જે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલાં પાણીજન્ય રોગ જેવાં કે ટાઇફોઇડ, કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કારણે દર્દીના મોતનો આંકડો વધતો હતો પરંતુ હવે દર્દીનું મોત થતું નથી.

2020ના આંકડા પ્રમાણે ઝાડાઉલ્ટીના 5.14 લાખ, કમળાના 62000, ટાઇફોઇડના 9151 અને કોલેરાના માત્ર એક જોવા મળ્યા હતા જે પૈકી એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં આવ્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમ્યાન રાજ્યમાં 1.60 કરોડ બાળકોના આરોગ્યની તપાસણી કરીને રોગીષ્ટ બાળકોને સ્થળ પર કે હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp