26th January selfie contest

માટીના ચૂલાથી શહેરના પિત્ઝા પાર્લર સુધી ગીતા વસાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા

PC: khabarchhe.com

શું આપણે કલ્પના કરી શકીએ કે, આદિવાસી વિસ્તારમાં ખેતીકામ કરતી કોઇ યુવતી શહેરના પિત્ઝા પાર્લરમાં ગ્રાહકોને પિત્ઝા પીરસવાનું (સર્વ) કરવાનું કામ કરતી હોય ? તેનો ઉત્તર છે હા. આજના યુવા વર્ગે આવી કલ્પના અચૂક કરવી જોઇએ અને તેને સાકાર કરવાની દિશામાં મનોમંથન સાથે જો નિષ્ઠાપુર્વક પ્રયાસ કરાય તો તેમાં ચોક્કસ સફળતા મેળવવામાં આજનો યુવાવર્ગ ક્યારેય પીછેહઠ નહિ કરે. બારડોલી મીની પાર્લરમાં મેનેજર ગીતા વસાવાની સંઘર્ષની અહીં વાત કરવી છે કે, જેણે રોજગારીની સાથે શ્રેષ્ઠ કારકિર્દી માટે સેવેલા સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરીને હકીકતમાં પરિવર્તિત કર્યું છે. .

સાગબારાની તાલુકાના મોટી પરોડી ગામની ગીતા ક્રૃષ્ણાભાઇ વસાવા કહે છે કે, પોતે બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવાની સાથે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સૂક હતી. પરંતુ ગીતાના માતા-પિતા તેને આગળ ભણાવવા તૈયાર ન્હોતા.

માતા-પિતાની મરજી વિરૂધ્ધ અડગ મનની ગીતા કહે છે કે, મેં જીદ કરીને દીન દયાલ ગ્રામીણ કૌશલ્ય યોજના અંગેની છાપામાં આવેલી જાહેરાત વાંચીને જે તે સમયે સાગબારામાં ચાલતા તાલીમ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને તાલીમ અંગેની જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યા બાદ પૂરતી ધગશ સાથે રીટેઇલના કોર્ષમાં જોડાઇ હતી.

કોર્ષમાં કૌશલ્યની સજજતા કેળવીને કાચા માટીના ઘરમાં ચૂલા પર ચા બનાવતી ગીતા રાત દિવસ માનવ કિડીયારીઓથી ઉભરાતા વડોદરામાં ડોમીનોઝ પિત્ઝા પાર્લરમાં 2016 ના વર્ષમાં માસિક રૂા.6500/- ના પગારથી પિત્ઝા પીરસવાનું (સર્વ) કરવાની નોકરીમાં જોડાઇ. ગીતા કહે છે કે, ક્રમશઃ રૂા. 7500/- અને છેલ્લે રૂા. 8500/- ના માસિક પગાર વધારાની સાથે કંપની દ્વારા મેનેજરની જગ્યા માટે લેવાયેલી કસોટીમાં સફળતા હાંસલ કરતા એપ્રિલ-2019 થી સુરત ખાતેના ડોમીનો પિત્ઝા પાર્લરમાં માસિક રૂા. 22000/- ના પગારમાં મેનેજરની જગ્યાએ બઢતી મેળવી. ઓકટોબર-2019 બારડોલીમાં બદલી થતાં, ગીતા ઇન્સેન્ટીવ સાથે માસિક રૂા. 23 હજાર જેટલો પગાર મેળવી રહી છે.

ગીતા વસાવાની વધુ ઉચ્ચ અભ્યાસની ધગશને લીધે વડોદરા ખાતેની નોકરીની સાથોસાથ ભાવનગરની કોલેજમાંથી સમાજ સેવા ક્ષેત્રની MSW ના અભ્યાસક્રમમાં એક્ષટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા પણ ઉતીર્ણ કરી. ગીતા વસાવાએ એમ.એ.ના અભ્યાસમાં જોડાવાની વ્યકત કરી છે. સામાન્ય આવડતને અસાધારણ કૌશલ્યમાં પરિવર્તિત કરનાર ગીતાએ આદિવાસી સમાજની દિકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયુ છે. શરૂઆતમાં ગીતાને વધુ ભણાવવા માંગતા ન હતા તેવા ગીતાના માતા પિતા આજે ગીતાની આ કારકિર્દીથી ખુબ જ ખુશ અને પ્રસન્ન છે.

ઓછું ભણેલા હોય અથવા અભ્યાસ ન કર્યો હોય તેવા તમામ ગ્રામીણ ભાઇ-બહેનોને પ્રેરક દિશા ચિંધતા ગીતા કહે છે કે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના થકી સૌ કોઇ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.

ગ્રામીણ ક્ષેત્રે વસવાટ કરતાં યુવાવર્ગને સરકારની આવી યોજનાઓ થકી ચોક્કસ પ્રકારની તાલીમ અને વ્યવસાય થકી રોજગારની ઉપલબ્ધિ માટે અનેક યુવાધનને આધુનિક સમયમાં પોતાના ભાવિ તરફ લક્ષ્ય સેવતા કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp