26th January selfie contest

મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું અમારું લક્ષ્ય છે: CM વિજય રૂપાણી

PC: khabarchhe.com

‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંગે આતુરતાપૂર્વક જણાવતા વિધાનસભાના મુખ્યનેતા તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદેશ માત્ર 0 ટકા વ્યાજથી લોન ઉપલબ્ધ કરાવવાનો જ નહીં કિન્તુ બહેનોને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા અંગેનો છે. નાની-મોટી આર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત મહિલાઓ રોજબરોજના અર્થોપાર્જન હેતુ કોઇની પાસેથી વ્યાજે નાણાં લાવીને આર્થિક પ્રવૃત્તિઓ કરતી અમે જોઇ છે, જેનું વ્યાજ ભરપાઇ કરવામાં જ તેમની તમામ કમાણી ચાલી જતી હોવાનું ઘણું ખરું ધ્યાને આવ્યુ છે.

આ વિપરીત્ત સંજોગો સાથે મહિલાઓ માનભેર ઊભી રહે તે માટે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 10 બહેનોનું એક સખી મંડળ, એમ કુલ 10 લાખ ‘સખી મંડળો’ નિર્મિત કરીને પ્રત્યેક સખીમંડળને રૂા.1 લાખની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવાનું આયોજન છે જેથી મહિલાઓ આજીવિકા રળીને સ્વયંને તથા તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે. આ યોજના માટેનું ધિરાણ બેન્કો આપશે અને બેન્કોને વ્યાજ ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું.

આ યોજનાની પ્રગતિ વિષે જણાવતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ICICI, HDFC તથા AXIS BANK સહિતની બેન્કો સાથે રાજ્ય સરકારે આ માટે MOU કર્યા છે. 65 અર્બન ક્રેડિટ સોસાયટીઓ, 43 કલસ્ટર સોસાયટીઓ સહિતના કુલ 7 મહિલા ગ્રૂપોને લોન અપાઇ ચૂકી છે. જોકે, અમારુ લક્ષ્યાંક 1 લાખ ‘સખી મંડળો’ સાથે 10 લાખ બહેનો મારફત આશરે 50 લાખ લોકો સુધી પહોંચવાનું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે આ યોજના અંતર્ગત રાજ્યની ગ્રામીણ-શહેરી માતા-બહેનોને પરિવારનો આર્થિક આધાર બનવાની સજ્જતા માટે 10 લાખ બહેનોને 1 કરોડની લોન-ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની ગુજરાતની પહેલ દેશભરમાં મહિલા ઉત્કર્ષ માટેની નવી દિશા ચીંધશે.

આ યોજના થકી 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેક્ટ બનાવવો પડતો, બેન્કમાં લોન મંજૂરી માટે આપવો પડતો અને પછી મહામહેનતે લોન મળતી. હવે, આ સરકારે બેન્કો સાથે વ્યવસ્થા ગોઠવી છે કે, મંડળ નોંધય કે તરત જ તેને બેંક લોન આપે છે. આ યોજના માટે રાજ્યકક્ષાએ પાંચ બેંકો - ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ., એચ.ડી.એફ.સી. અને એક્સિસ બેન્ક દ્વારા આ યોજનામાં જોડાવા અંગેના MoU થયા છે.

વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ સંદર્ભે ટૂંકી મુદતના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આ યોજનાની જાહેરાત કરીને ગુજરાતની નારીશક્તિ માટે આત્મનિર્ભરતાની નવી દિશા ખોલી દીધી છે. બહેનોના આર્થિક સશક્તીકરણ થકી મહિલા શક્તિને વિકાસમાં જોડીને ગુજરાત રાજ્ય દેશભરમાં સશક્તીકરણનું રોલમોડેલ બનશે.

મંત્રી વિભાવરીબેન દવેએ વધુમાં ઉમેર્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોકોને લોન આપવાની આ યોજના દેશની સર્વપ્રથમ યોજના છે. મુખ્યમંત્રીએ રાજ્યની બેહેનો ઉપર એક હજાર કરોડનો વિશ્વાસ મૂક્યો છે. જેના કારણે આ યોજનાની ‘વિજય રૂપાણી યોજના’ તરીકે વિશ્વભરમાં નામના થશે તેવો વિશ્વાસ છે. આ યોજના અંતર્ગત કોઇ નાતિ-જાતિ કે ધર્મ કે ગરીબ-તવંગરના ભેદભાવ વિના તમામ મહિલા મંડળને લોન અપાશે. જેની કોઇ આવકમર્યાદાની પણ જોગવાઇ કરવામાં આવી નથી. આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટેનું પોર્ટલ તૈયાર કરવાની કામગીરી ચાલુમાં છે. ત્યાં સુધી નિયત નમૂનામાં ઓફલાઇન અરજી થઇ શકે છે તેમ વધુમાં માહિતી આપતાં મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp