જાણો કોણ છે કિસાન ચાચી, જેમને મળવા જશે જેપી નડ્ડા, PM મોદીએ પણ કર્યા છે વખાણ

PC: tosshub.com

દેશભરમાં કિસાન ચાચીના નામથી પ્રસિદ્ધ મુઝફ્ફરપુરની પદ્મશ્રી રાજકુમારી દેવી ફરી એકવાર ચર્ચામાં છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પોતાના બે દિવસના બિહાર પ્રવાસ દરમિયાન કિસાન ચાચીને મળવાના છે. તેને માટે કિસાન ચાચીના ઘર પર પ્રશાસનિક અને રાજકીય ચહલ- પહલ શરૂ થઈ ગઈ છે. શનિવારે જે. પી. નડ્ડા કિસાન ચાચીને મળવા તેમના ઘરે જવાના છે.

સાયકલ પર ફરી ફરીને પોતે બનાવેલા કૃષિ ઉત્પાદનોનું માર્કેટિંગ કરનારી રાજકુમારી દેવી પહેલા સાયકલ ચાચીના નામથી જાણીતા હતા ત્યારબાદ તેઓ કિસાન ચાચીના રૂપમાં ખ્યાતનામ થઈ ગયા. કિસાન ચાચીના નામથી જાણીતા પદ્મશ્રી રાજકુમાર દેવી સરૈયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા આનંદપુર ગામના વતની છે અને નારી આત્મનિર્ભરતાના આઈકોન છે. પતિના બીમાર થયા બાદ 1990માં જ્યારે રાજકુમારી દેવી ખેતરોમાં કામ કરવા માટે ગયા તો લોકો તેમની પાછળ પડી ગયા. પરંતુ સૌની ચિંતા કર્યા વિના રાજકુમારી દેવીએ ખેતીની સાથોસાથ ચટણી, અથાણું, જામ, જેલીનો કુટિર ઉદ્યોગ શરૂ કરી દીધો. સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવીને રાજકુમારી દેવીએ માત્ર પોતાને જ નંબર વન ના બનાવ્યા, પરંતુ સાથોસાથ તે વિસ્તારની સેંકડો મહિલાઓને પણ તેમના પગ પર ઊભી કરી.

કિસાન ચાચીના સાહસ અને ઉત્સાહ તેમજ મહેનતને જોતા બિહાર સરકારે વર્ષ 2007માં તેમને કિસાનશ્રીની ઉપાધિથી નવાજ્યા. વર્ષ 2010માં મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેમના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા. 2015 અને 2016માં અમિતાભ બચ્ચના શો KBCમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. કિસાન ચાચીની ઉપલબ્ધિઓને જોતા ભારત સરકારે વર્ષ 2019માં પદ્મશ્રી સન્માનથી તેમને વિભૂષિત કર્યા. આજે પણ કિસાન ચાચી ખેતીની સાથોસાથ પશુપાલન અને ચટણી, અથાણું બનાવવાનો ઉદ્યોગ ચલાવે છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના તેમના ઘરે આવવાને કારણે વિસ્તારમાં ખુશીનો માહોલ છે. કિસાન ચાચીએ જણાવ્યું કે, ડેપ્યુટી CM સુશીલ મોદીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ સરૈયાના બીડીઓ ઘરે આવ્યા હતા અને વિવિધત જાણકારી આપી હતી. ડીએમ ચંદ્રશેખર સિંહે ફોન કરીને પૂછ્યું કે કોઈ મુશ્કેલી હોય તો જણાવો.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મુઝફ્ફરપુર જિલ્લાધ્યક્ષ રંજન કુમારે જણાવ્યું કે, 3.45 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા જી. સરૈયાના માનિકપુર હાઈસ્કૂલના મેદાનમાં હેલિકોપ્ટર દ્વારા આવશે. કિસાન ચાચી સાથે મુલાકાત બાદ મહિલા અને લીચી ખેડૂતોની સાથે બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp