જાણો કેવી રીતે થઈ 'મધર્સ ડે' ઉજવવાની શરૂઆત

PC: amazingwomeninhistory.com

'યે વહી મેં ઔર યે વહી તુમ, હમ દોનો એક સાથ ઈસ ફૂટપાથ સે ઉઠે થે...આજ મેં કહાં હું ઔર તુમ કહાં, આજ મેરી બિલ્ડિંગે હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલેન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, ક્યા હૈ તુમ્હારે પાસ?

ફિલ્મ દિવારનો આ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે અને વાત પણ સાચી છે કે જેની પાસે મા છે, તેની પાસે દુનિયાની તમામ મિલકત છે. કારણ કે મા એકવાર તેના સંતાન પર પ્રેમથી હાથ ફેરવે તો તેની તમામ મુશ્કેલીને ગાયબ કરી દે છે. દુનિયાના તમામ સંબંધોમાં સૌથી ઉપર માનું સ્થાન છે. આમ તો મોટા ભાગના દેશમાં અલગ-અલગ દિવસે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડેની શરૂઆત કેવી રીતે, કોણે અને ક્યાં કરી તે જાણીએ.

અમેરિકામાં સૌપ્રથમવાર મધર્સ ડે ઉજવવાની જાહેરાત

અમેરિકામાં સૌપ્રથમવાર જુલિયા વોર્ડ હોવે દ્વારા મધર્સ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. હોવે દ્વારા 1870માં રચિત 'મધર્સ ડે પ્રોક્લેમેશન'માં અમેરિકન સિવિલ વોરમાં મારકાટ સંબંધિત શાંતિવાદી પ્રતિક્રિયા લખવામાં આવી છે. આ પ્રોક્લેમેશન હોવેનો નારીવાદી વિશ્વાસ હતો, જે અંતર્ગત મહિલાઓ અથવા માતાઓને રાજનૈતિક સ્તર પર પોતાના સમાજનો વિકાસ કરવાનો અને તેને આકાર આપવાની છૂટ મળે. 1912માં એન્ના જાર્વિસે 'સેકન્ડ સન્ડે ઈન મે'માં મધર્સ ડેને ટ્રેડમાર્ક બનાવ્યો અને મધર્સ ડે ઈન્ટરનેશનલ એસોસિએશનની સ્થાપના કરી.

સૌપ્રથમવાર ઉજવણી

અમેરિકાના પશ્ચિમ વર્જિનિયા રાજ્યના ગ્રાફ્ટન શહેરમાં મધર્સ ડેની સૌપ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ જીવનમાં માતાના વિશેષ મહત્ત્વ અને તેમના સંબંધને દર્શાવીને તેમને સન્માન આપવાનો હતો. આ દિવસ દુનિયાના દરેક ખૂણામાં અલગ-અલગ દિવસોએ ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા દેશોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

યુરોપ અને બ્રિટનમાં મા પ્રત્યેના આદરને દર્શાવવા માટે ઘણી પરંપરા પ્રચલિત છે. તે અંતર્ગત એક રવિવારે માતૃત્વ અને માતાઓને સન્માનિત કરવામાં આવતી હતી, જેને 'મધરિંગ સન્ડે' કહેવામાં આવતું હતું. 'મધરિંગ સન્ડે' ફેસ્ટિવલ લિતુર્ગિકલ કેલેન્ડરનો એક ભાગ છે. કેથેલિક કેલેન્ડર મુજબ ચોથા રવિવારે 'વર્જિન મેરી' અને 'મધર ચર્ચ'ના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઉજવણીની તારીખો બદલાતી રહી

ઈન્ટરનેટ પર તમે મધર્સ ડેની તારીખ શોધવા જશો તો, બ્રિટિશ કેલેન્ડરના ચોથો રવિવાર અને મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી થાય છે તેની જાણકારી મળશે. સમયની સાથે મધર્સ ડેની ઉજવણીની તારીખ વિવિધ દેશોમાં બદલતી રહી હતી. ઘણા દેશમાં પ્રચલિત ધર્મના દેવી-દેવતાઓની જન્મતિથિ કે પૂણ્યતિથિ જેવા દિવસોએ ઉજવણી થવા માંડી હતી, જેમ કે કેથલિક દેશોમાં વર્જિન મેરી ડેના દિવસને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઘણા દેશમાં 8 માર્ચ 'વુમન્સ ડે'ના દિવસને જ મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મોટા ભાગના રાજ્યમાં 1914 સુધીમાં મધર્સ ડેની ઉજવણી શરૂ થઈ ગઈ હતી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને 1914માં મધર્સ ડેને સત્તાવાર માન્યતા આપી દીધી હતી. એટલે આજે 101મો મધર્સ ડે છે, એમ કહી શકાય.

વિવિધ દેશમાં મધર્સ ડેની ઉજવણી

બોલિવિયા: બોલિવિયા દક્ષિણ અમેરિકાનો એક દેશ છે, જ્યાં 27 મેના રોજ મધર્સ ડે ઉજવવામાં આવે છે. અહીંયા કોરોનિલ્લા યુદ્ધની યાદગીરી રૂપે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. 27 મે, 1812માં બોલિવિયામાં કોચાબામ્બા શહેરમાં યુદ્ધ થયું હતું, જેમાં સ્પેનિશ સેના દ્વારા ઘણી મહિલાઓની હત્યા કરી દેવામાં આવી હતી. એ બધી મહિલાઓ સૈનિક હોવાની સાથે મા પણ હતી. એટલે 8 નવેમ્બર, 1927ના દિવસે એક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો કે, 27 મેનો દિવસ મધર્સ ડેના રૂપમાં ઉજવવામાં આવશે.

ચીન: ચીનમાં મધર્સ ડેના દિવસે શુભેચ્છાના રૂપમાં ગુલનારનું ફૂલ બાળકો તેમની માતાને આપે છે. આ દિવસ 1997માં ગરીબ માતાની મદદ કરવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ ચીનમાં રહેતી ગ્રામીણ માતા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જાપાન: શોવા કાળ દરમિયાન સમ્રાટ અકિહિતોની માતા મહારાણી કોજુનના જન્મદિવસના રૂપમાં જાપાનમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ચીનની જેમ જ જાપાનમાં પણ બાળકો તેમની માતાને ફૂલ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp