ભારતને ઓલિમ્પિકમાં મેડલ અપાવનારી મીરાબાઈ પોતાની પાસે હંમેશાં ભારતની માટી રાખે છે

PC: thehindu.com

મીરાબાઈ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ મણિપુરના નોંગપેક કાંકચિંગ ગામમાં થયો હતો. શરૂઆતમાં મીરાબાઈ ચાનૂનું સપનું તીરંદાજ બનવાનું હતું, પરંતુ કોઈક કારણસર તેણે વેઇટલિફ્ટિંગમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું. મીરાબાઈ ચાનૂની અહીં સુધી પહોંચવાની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. માત્ર 12 વર્ષની ઉંમરમાં મીરાબાઈ ચાનૂએ ટ્રેનિંગની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તે પહેલા તીરંદાજ બનવા માંગતી હતી, પરંતુ એક વીડિયોએ તેની જિંદગી બદલી દીધી અને તેણે વેઇટલિફ્ટર બનવાનો નિર્ણય લીધો.

મીરાબાઈ જ્યારે 12 વર્ષની હતી તો ઇમ્ફાલમાં સ્થિત ભારતીય ખેલ પ્રાધિકરણ (SAI)ના કેન્દ્ર પર પહોંચી. તે તીરંદાજીની ટ્રેનિંગ લેવા માગતી હતી, પરંતુ ત્યાં કોઈ ન મળ્યું. મીરાબાઈ નિરાશ હતી, પછી તેણે થોડા દિવસ બાદ દિગ્ગજ વેઇટલિફ્ટર કુંજારાનીની વીડિયો ક્લિપ જોઇ. બસ એ જ દિવસથી મીરાબાઈએ વેઇટલિફ્ટર બનવાનો નિર્ણય લીધો અને તેણે વર્ષ 2006મા કોચિંગ અકાદમી જોઇન્ટ કરી. મીરબાઈનું ઘર કોચિંગ સેન્ટરથી 20 કિલોમીટર દૂર હતું અને તે ટ્રકમાં લિફ્ટ લઈને કે પછી સાઇકલ વડે ત્યાં પહોંચતી હતી. તોફાન આવે કે પછી વરસાદ મીરાબાઈ ક્યારેય ટ્રેનિંગ છોડતી નહોતી.

તેના માટે વેઇટલિફ્ટર બનવું સરળ નહોતું. તેના પિતા સેખોમ કૃતિ સિંહ સરકારી નોકરી જરૂર કરતા હતા, પરંતુ તેમની સેલેરી ઘણી ઓછી હતી અને તેમાંથી 6 સંતાનોનું પાલન-પોષણ કરવું સરળ નહોતું. પરંતુ પોતાની દીકરીનું ટેલેન્ટ જોઈને પિતાએ ટ્રેનિંગમાં કોઈ કમી ન આવવા દીધી. મીરાબાઈ ચાનૂ ભલે સ્ટાર વેઇટલિફ્ટર છે પરંતુ તે પોતાના દેશ અને ગામ સાથે જોડાયેલી છે. તે દરેક વિદેશ પ્રવાસ પર પોતાના ગામના ચોખા લઈ જાય છે. પછી પાર્ટી હોય કે કંઈક બીજું તે આ ચોખાનું જ ભોજન કરે છે. એટલું જ નહીં મીરાબાઈ ચાનૂ પોતાની પાસે એક બેગમાં ભારતની માટી રાખે છે.   

મીરાબાઈ ચાનૂની મહેનત આખરે રંગ લાવી, જ્યારે તેણે વર્ષ 2014મા ગ્લાસ્ગો કોમનવેલ્થમાં 48 કિલો વેઇટલિફ્ટિંગમાં તેણે ભારત માટે સિલ્વર મેડલ જીત્યું હતું. સતત સારા પ્રદર્શનના બદલામાં તેને રિયો ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ કરી લીધી હતી. જોકે રિયો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન આશાઓ મુજબનું નહોતું રહ્યું. તે ક્લીન એન્ડ જર્કના ત્રણ પ્રયાસોમાં ભાર ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી. રિયો ઓલિમ્પિકની નિષ્ફળતાને ભૂલી જઈને મીરાબાઈએ વર્ષ 2017ના વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં કુલ 194 (સ્નેચમાં 85 અને ક્લીન એન્ડ જર્કમાં 107) કિલો વજન ઉઠાવ્યું હતું, જે કમ્પિટિશન રેકોર્ડ હતો. વર્ષ 2018મા ફરી એક વખતે કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીતીને પોતાની શ્રેષ્ટતા સાબિત કરી.

મીરાબાઈ ચાનૂ વર્ષ 2021ની ઓલિમ્પિક માટે ક્વાલિફાય કરનારી એકમાત્ર ભારતીય વેઇટલિફ્ટર છે. તેણે એશિયન ચેમ્પિયનશિપમાં 49 કિલો ભારવર્ગમાં કાંસ્ય પદક મેળવીને ટોક્યોની ટિકિટ મેળવી હતો. આ દરમિયાન 26 વર્ષીય મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 86 કિલોગ્રામ ભાર ઉઠાવ્યા બાદ ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ કાયમ કરતા 119 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે વેઇટલિફ્ટિંગમાં રજત પદક જીતીને ટોક્યો ઓલિમ્પિક 2020મા ભારત માટે મેડલ લિસ્ટમાં શરૂઆત કરાવવા માટે મીરાબાઈ ચાનૂને હાર્દિક શુભેચ્છા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp