26th January selfie contest

ભારતમાં કોવિડની બીજી લહેરમાં મિસકેરેજનો દર વધ્યો, ICMRની શોધમાં ખુલાસો

PC: skincancer.org

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) તરફથી મુંબઈમાં કરવામાં આવેલા એક નાનકડા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં બીજી કોવિડ લહેર દરમિયાન મિસકેરેજ ત્રણ ગણું વધી ગયુ છે અને ગર્ભસ્થ શિશુઓના મોતનું એક મોટું કારણ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હોઈ શકે છે. અધ્યયનમાં મિસકેરેજ માટે સહજ મિસકેરેજ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો મતલબ છે કે ગર્ભધારણના 20 અઠવાડિયા પહેલા મિસકેરેજ થઈ જવુ અથવા 500 ગ્રામ કરતા ઓછાં વજનના ભ્રૂણનો જન્મ. આ અગાઉ ICMRના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થના સંશોધન પરથી જાણવા મળ્યું હતું કે, કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન પહેલી લહેરની સરખામણીમાં માતૃ મૃત્યુ દર પણ વધ્યો છે. જોકે, સહજ મિસકેરેજ પર બીજી લહેરના પ્રભાવને આ શોધમાં સામેલ નહોતી કરવામાં આવી.

ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ અલ્ટ્રાસાઉન્ડ ઈન ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીની આધિકારીક પત્રિકા અલ્ટ્રાસાઉન્ડ ઈન ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીમાં સોમવારે પ્રકાશિત આ અધ્યયન માટે ટીમે 1630 કોવિડ પોઝિટિવ મહિલાઓ વિશે આંકલન કર્યું હતું, જેમનો 1 એપ્રિલ, 2020થી 4 જુલાઈ, 2021ની વચ્ચે મુંબઈ સ્થિત બી.વાઈ.એલ નાયર ચેરિટેબલ હોસ્પિટલમાં સહજ મિસકેરેજ થયો હતો. શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, પહેલી લહેરમાં 26.7ની સરખામણીમાં બીજી લહેરમાં પ્રત્યેક 1000 જન્મ પર સહજ મિસકેરેજનો દર 82.6 કરતા વધુ હતો.

અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, મહામારી કરતા અગાઉ ઓગસ્ટથી જાન્યુઆરીની અવધિની સરખામણીમાં ફેબ્રુઆરી અને જુલાઈની વચ્ચે સહજ મિસકેરેજ વધુ હોવો સામાન્ય હતું. 2021માં બીજી લહેર ફેબ્રુઆરી અને જુલાઈ વચ્ચે ચાલી, જેના પરથી સ્પષ્ટ છે કે 2017 અને 2018માં આ જ મહિનાઓની સરખામણીમાં આ મહિનાઓમાં આ પ્રકારનો મિસકેરેજ ગણો વધુ રહ્યો.

શોધકર્તાઓનું માનવુ છે કે, બીજી લહેર દરમિયાન સહજ મિસકેરેજમાં વૃદ્ધિની પાછળ કોરોના વાયરસનો અત્યાધિક સંક્રામક અને ઘાતક વેરિયન્ટ ડેલ્ટા એક મોટું કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, SARS-CoV-2 ગર્ભનાળને સંક્રમિત કરી શકે છે અને સંભવતઃ તેના કારણે ભ્રૂણના વિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ ઉપરાંત, એવુ પણ બની શકે છે કે કોવિડ કેસનો દર ખૂબ જ વધુ હોવા અને યાત્રા સંબંધી પ્રતિબંધોના કારણે ગર્ભવતી મહિલાઓને યોગ્ય સંભાળ માટે સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચ અને પૌષ્ટિક આહાર મળવામાં મુશ્કેલી આવી હોય- આવા ફેક્ટર પણ સહજ મિસકેરેજને વધારી શકે છે.

જોકે, આ અધ્યયનને એ કારણે એક સીમિત દાયરાવાળો માનવામાં આવી રહ્યો છે કારણ કે, શોધકર્તા ભ્રૂણ પર SARS-CoV-2નો ટેસ્ટ નહોતા કરી શક્યા. ટીમ SARS-CoV-2 સ્ટ્રેનની જાણકારી મેળવવા માટે જીનોમ સીક્વેન્સિંગમાં પણ અસમર્થ હતી. અધ્યયનના નિષ્કર્ષો પરથી સંકેત મળે છે કે, જે મહિલાઓ મહામારી દરમિયાન ગર્ભવતી થાય છે, તેમણે જોખમો વિશે યોગ્ય સલાહ આપવાની જરૂર હોય છે, ખાસ કરીને એ મહિલાઓને જે ગર્ભાવસ્થાના પહેલા ત્રિમાસિક દરમિયાન આ બીમારીથી સંક્રમિત થઈ જાય છે.

ટીમે પોતાની શોધમાં લખ્યું, કોવિડ-19ની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને અમારા અધ્યયનના નિષ્કર્ષ સાર્વજનિક સ્વાસ્થ્ય નીતિમાં ખૂબ જ મહત્ત્વના છે, ખાસ કરીને ભારત અને અન્ય ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ગર્ભવતી મહિલાઓના વેક્સીનેશનને પ્રાથમિકતા આપવાના દ્રષ્ટિકોણથી. અગાઉની શોધ પરથી એ જાણવા મળ્યું છે કે, કોવિડનો ગર્ભવતી મહિલાઓ પર ખાસ દુષ્પ્રભાવ પડ્યો છે, ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp