મહિલા સુરક્ષા માટે રાજ્ય સરકારનું મોટું પગલું

PC: facebook.com/Pradipsinh.Jadeja.BJP

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહિલાઓને વધુ સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે જેના પરિણામે મહિલાઓ રાજ્યમાં સુરક્ષિત છે. રાજ્ય સરકારે મહિલા સુરક્ષા માટે વધુ એક નક્કર કદમ ભર્યું છે. મહિલાઓના પવિત્ર મંગળસૂત્ર, ચેઇન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા IPCમા નવી કલમો ઉમેરીને રાજ્ય સરકારે કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડીને નાગરિકો-મહિલાઓને વધુ સુરક્ષા પૂરી પાડશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, મંદિર પરિસર, બેન્કની આસપાસ, શોપિંગ મોલ જેવી ભીડ ભાડવાળી જગ્યાઓ કે જાહેર માર્ગો પર જતી મહિલાઓ કે અન્ય વ્યક્તિઓ પાસેથી પોતાની ચેઇન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુઓ ઝૂંટવવાના બનાવો બનતા હોય છે. જેને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લઈને આ બનાવો અટકાવવા માટે જરૂરી સૂચના આપી છે. જેના પરિણામે આ વટહુકમ લાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકો અને તેમની ચીજવસ્તુઓના રક્ષણ માટે સંવેદનશીલ છે એટલા માટે જ આ નિર્ણય કરાયો છે. આ મહત્ત્વનો નિર્ણયના પરિણામે ચેઇન સ્નેચિંગના ગુન્હા ઘટશે અને જાનમાલનું રક્ષણ થશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, હાલ IPC કલમ હેઠળ આવા ગુન્હા માટે ચોરીની ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે, જે અપૂરતી છે જેને ધ્યાને લઈને આ વટહુકમ દ્વારા IPCમા નવી કલમ 379(ક) અને 379(ખ)નો ઉમેરો કરવાનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, આ વટહુકમને આધારે ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 25,000 દંડ થઈ શકશે. જ્યારે ચેન જેવી વસ્તુઓ ચોરી જનાર વ્યક્તિને ઓછામાં ઓછા સાત વર્ષની સજા અને રૂા. 25,000 નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 379(ક) 4 હેઠળ ચેન આંચકી જવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ નાસી જવાના ઇરાદાથી કોઈ વ્યક્તિને ઇજા કરે અથવા ઇજા કરવાનો ભય ઊભો કરે તેને પણ વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા સૂચવવામાં આવી છે.

આ ઉપરાંત 379(ખ) મુજબ આંચકી લીધેલ મિલકત રાખી લેવા માટે કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવા કે અવરોધ ઊભો કરી મૃત્યુ કે ઇજા પહોંચાડવા બદલ કે તેમ કરવાના પ્રયત્ન કરવા બદલ ઓછામાં ઓછા સાત વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની અને રૂા. 25,000ના દંડની જોગવાઈ કરાઈ છે. આ વટહુકમને કારણે ચેન-સ્નેચિંગ ગુન્હા કરતા ગુન્હેગારોને આકરી સજા થઈ શકશે અને તેને કારણે રાજ્યમાં આવા ગુન્હા બનતા અટકાવી શકાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp