રાજ્યમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 5 વર્ષમાં ડબલ, તો પુરુષોનું જાણી ચોંકશો

PC: scoopwhoop.com

ગુજરાતમાં દારૂ બેન છે. તેમ છતાં પાછલા પાંચ વર્ષોમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. તો આ દરમિયાન દારૂ પીતા પુરુષોની સંખ્યા ઘટીને હાફ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ(NFHS) 2019-20ની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

NFHSએ એક સરવે કર્યો છે, જેમાં 33,343 મહિલાઓ અને 5351 પુરુષોને સામેલ કરવામાં આવ્યા. સરવેમાં 200 મહિલાઓ(0.6 ટકા) અને 310 પુરુષો(5.8 ટકા)એ માન્યુ કે તેઓ દારૂ પીએ છે.

આ આંકડા ચોંકાવનારા એટલા માટે છે કારણ કે, 2015-16 દરમિયાન NFHSએ 6018 પુરુષો અને 22932 મહિલાઓનો સરવે કર્યો હતો. સરવેમાં 68(0.3 ટકા) મહિલાઓ અને 668(11.1 ટકા) પુરુષોએ દારૂનું સેવન કરવાની વાતને સ્વીકારી હતી. આ હિસાબે પાંચ વર્ષમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા 68થી વધીને 200 થઇ ગઇ છે. તો પુરુષોની સંખ્યા 668થી ઘટીને 310 રહી ગઇ છે.

શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રની મહિલાઓમાં દારૂનો શોખ વધ્યો

રિપોર્ટ અનુસાર, વર્ષ 2015ના સરવેમાં 0.1 ટકા શહેરી મહિલાઓ દારૂનું સેવન કરતી હતી, પણ 2020માં આ સંખ્યા વધીને 0.3 ટકા પર પહોંચી ગઇ છે. તેવી જ રીતે વર્ષ 2015માં ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા 0.4 ટકા હતી, જે 2020માં વધીને 0.8 ટકા પર પહોંચી ગઇ છે.

દારૂ પીનારા પુરુષોની સંખ્યા ઘટી

વર્ષ 2015માં ગુજરાતમાં દારૂ પીનારા પુરુષોની સંખ્યા 10.6 ટકા હતી, જેમાં 2020માં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. તો 2015માં 11.4 ટકા ગ્રામીણ પુરુષો દારૂ પીતા હતા, જે 2020માં ઘટીને 6.8 ટકા રહી ગઇ છે.

સમાજવિજ્ઞાની ગૌરાંગ જાનીનું કહેવું છે કે, રાજ્યમાં ઘણા સમુદાયો પહેલાથી જ દારૂ પીતા આવ્યા છે. આ સમુદાયોમાં આ એક પ્રથા રહી છે. જ્યાં પુરુષો અને મહિલાઓ બંને એકસાથે બેસે છે અને વિશેષ અવસરે દારૂનું સેવન કરે છે. રાજ્યની આદિવાસી વસતી તેનું પ્રમુખ ઉદાહરણ છે. દારૂબંધી તો માત્ર અડધી સદી જૂની વાત છે.

તો સરવેના આ આંકડાઓને એક વરિષ્ઠ IPS અધિકારીએ સંપૂર્ણ રીતે યોગ્ય ગણાવ્યા નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં દારૂનું સેવન કરનારાઓની સંખ્યા આનાથી પણ વધારે હોઇ શકે છે. કારણ કે રાજ્યમાં દારૂ પીવો ગુનો છે, એવામાં કાર્યવાહીના ડરથી લોકો સરવેમાં દારૂના સેવનની વાતને સ્વીકારતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp