જ્યાં ભીખ માંગતી એ જ મંદિરને 2.5 લાખનું દાન!

PC: timesofindia.indiatimes.com

આપણે ત્યાં મદિરની બહાર ભીખારીઓ ભીખ માંગવા માટે લાઇન લગાવીને બેસતા હોય એવું ચિત્ર સામાન્ય છે. જે મંદિરમાં ભક્તો વધુ આવતા હોય, ત્યાં લાઇન લાંબી હોય છે, તો જ્યાં ભક્તો ઓછા આવતા હોય ત્યાં ભીખારીઓ ઓછા હોય છે. આપણને એ ભીખ માંગીને ગુજરાન ચલાવતા લોકો ઉપર દયા આવતી હોય છે. પરંતુ આ ભીખારીઓ પણ હવે સામાન્ય રહ્યા નથી. હાલમાં જ એક ભીખારણે જે મંદિર પાસે તે ભીખ માંગે છે, એ મંદિરને 2.5 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

જોકે, વગર મૂડીએ ભીખ માંગવાનો એક વ્યવસાય થઇ ગયો છે, એમ કહીએ તો ચાલે. ઘણી વખત આપણે લાખોપતિ ભીખારી અંગે સમાચાર વાંચતા હોઇએ છીએ, એ પછી ભીખને એક વ્યવસાય જ ગણવો પડે એમ છે. સુરતમાં પણ કેટલાય ભીખારીઓ વ્યાજે પૈસા આપતા હોય છે, કેટલાકની રીક્ષા ભાડે ફરતી હોય છે, તો કેટલાક ભીખમાં મળતા પૈસાથી અન્ય વ્યવસાય પણ ચલાવતા હોય છે. પરંતુ અહીં સમાજને આપવાની વાત છે, ભીખ માંગીને વગર મૂડીએ ઊભા કરેલા પૈસામાંથી બીજો વ્યવસાય ઊભો કરવાની વાત નથી.

હાલમાં જ મૈસુરની 85 વર્ષની એમ.વી. સિતાલક્ષ્મીએ એકાદ દાયકા પહેલાં નબળા સ્વાસ્થ્યને કારણે કામવાળી તરીકે કામ કરવાનું બંધ કરી દઇને ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. પ્રસન્ના અંજાનેયા સ્વામી મંદિર બહાર તે ભીખ માંગવા બેસે છે. ભાઇ અને બનેલી સાથે યાદવગ્રી ખાતે રહેતી સિતાલક્ષ્મી ક્યારેય તેમના પરિવાર ઉપર બોજારૂપ બની નથી. સ્વાસ્થ્ય સારું હતું, ત્યાં સુધી તે ઘરકામ કરીને પોતાના નિર્વાહ જેટલું કમાઇ લેતી હતી. પરંતુ સ્વાસ્થ્ય બગડતાં તે કામ કરી શકે એમ ન હતી, ત્યારથી તેણે ભીખ માંગવાનું શરૂ કર્યું છે. જો કે એકલા જીવને જોઇએ કેટલું ?

ભીખ માંગીને પોતાનો નિર્વાહ તો ચાલતો જ રહે છે. ખપ પૂરતું ભોજન અને નાણાં મળી રહે છે. એ પછી ભીખમાં મળેલા વધારાના પૈસાની તે બચત કરતી રહે છે. જો કે કામવાળી તરીકે કામ કરતી ત્યારની પણ થોડી બચત ખરી. ભીખ માંગવાનું શરૂ કર્યું ત્યારથી મંદિરના સત્તાવાળાઓ તેની સંભાળ પણ રાખતા રહ્યા છે. મંદિરની આ કાળજીને કારણે જ સિતાલક્ષ્મીને પણ કંઇક કરી છુટવાની ભાવના થઇ અને તેને પગલે તેણે પોતાની તમામ બચત મંદિરમાં દાન કરી દઇને દર વર્ષે હનુમાન જયંતિએ ભક્તોને પ્રસાદ આપવા માટે તેનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. મારા માટે ભગવાન જ બધ્ધું છે. મારી પાસે પૈસા રહે તો ચોરાઇ પણ જાય, એના બદલે મારી કાળજી રાખતા મંદિરને જ પૈસા દાન કરી દેવાનું ઉચીત માન્યાનું સિતાલક્ષ્મી કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp