ભારતીય ટીમની જીતને અમિત શાહે બીજી સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી

PC: zeebiz.com

ભારતે રવિવારે માન્ચેસ્ટરમાં રમાયેલી વર્લ્ડ કપની સૌથી મહત્ત્વની મેચમાં પાકિસ્તાન સામે 89 રને વિજય મેળવ્યો હતો. આ જીત બાદ દુનિયાભરના લોકોએ ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. આમાં બંને દેશોના નેતાઓથી લઇને ઘણાં પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે. આ બધામાં દેશના ગૃહમંત્રી અમિત શાહની ટ્વીટે ચર્ચા જગાવી હતી. અમિત શાહે ટ્વીટ કરીને ભારતીય ટીમને અભિનંદન પાઠવતાં લખ્યું કે, પાકિસ્તાન પર વધુ એક સર્જીકલ સ્ટ્રાઇક અને આનું  પરિણામ પણ ગત વખત જેવું જ રહ્યું.

બીજી તરફ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને પાકિસ્તાન ટીમ પર કટાક્ષ કરતા લખ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓને જોઇને લાગે છે કે માત્ર બે જ ખેલાડી આમિર અને આઝમ જ ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે, પરંતુ તેમને પણ ટીમમાં જગ્યા નહીં મળે. ભારતીય ટીમ ઘણી શાનદાર છે.

ભારતીય ટીમની આ શાનદાર જીત પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રમત રાજ્યમંત્રી કિરણ રિજિજુ, રેલવે મંત્રી પીયુષ ગોયલે પણ ટીમને શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ પાકિસ્તાન ટીમની હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમુદ કુરૈશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારે મેચ રમવાની વાત પર ભાર મૂક્યો હતો. કુરૈશીએ મીડિયાને કહ્યું કે, ક્રિકેટ ઉપખંડમાં ઘણું લોકપ્રિય છે. એવામાં રમતમાં સુધારો કરવા માટે બંને ટીમોએ પરસ્પર વધુ રમવું જોઇએ. ભારતીય ટીમે આતંકવાદીને પ્રોત્સાહન અપાતું હોવાનો આરોપ લગાવીને પાકિસ્તાન સાથે 6 વર્ષોથી એક પણ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.

પૂર્વ ખેલાડીઓની વાત કરીએ તો લગભગ તમામ પૂર્વ ક્રિકેટરોએ ભારતની આ જીત પર ખુશી વ્યક્ત કરી છે. સંજય માંજરેકરે જીત માટેનો શ્રેય કુલદીપ યાદવને આપ્યો હતો. આફ્રિદીએ ભારતની જીતમાં IPL ની મહત્ત્વની ભૂમિકા હોવાની વાત કહી હતી. બોલિવુડે પણ ભારતની જીતને વધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp