અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 255 માર્યા ગયા અને 500 ઘાયલ

PC: english.mathrubhumi.com

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. USGS (યુએસ જિયોલોજિકલ સર્વે) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધવામાં આવી હતી. અફઘાનિસ્તાનના પાકટીકા પ્રાંતમાં ભૂકંપના કારણે 255 લોકોના મોત થયા છે અને 500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પૂર્વીય પ્રાંત ખોસ્ત અને નાંગરહારમાં પણ ભુંકંપના કારણે મૃત્યુ નોંધાયા છે. જ્યારે પાકિસ્તાન તરફથી હજુ સુધી જાન-માલને નુકસાન થયાના કોઈ સમાચાર નથી

રોયટર્સ અનુસાર, ભૂકંપથી પ્રભાવિત પાકટીકામાં ડઝનેક ઘરોને નુકસાન થયું છે તેમજ અહીં જમીન ખસી જવાની ઘટના પણ બની છે. દરમિયાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.

EMSC (European Mediterranean Seismological Centre)એ જણાવ્યું કે, ભૂકંપના ઝટકા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતમાં પણ અનુભવાયા હતા. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા હળવી રહી. પાકિસ્તાનના એક ટ્વીટર યુઝરે લખ્યું- ઈસ્લામાબાદમાં ભૂકંપ. અલ્લાહ ખેર, આશા છે કે બધા સુરક્ષિત હોય. ભગવાન સૌની રક્ષા કરે. આમીન. ભૂકંપના આ ઝટકા લાહોર, મુલ્તાન તેમજ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

USGS અનુસાર, ભૂકંપ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં સ્થિત ખોસ્ત (Khost)થી 44 કિમી દૂર 51 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રદેશ પાકટીકા પ્રાંતમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપમાં પાકટીકામાં વધુ નુકસાન થયું છે. તાલિબાન વહિવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટોલો ન્યૂઝે સ્થાનિક અધિકારીઓનો હવાલો આપીને જણાવ્યું હતું કે, ભૂકંપમાં અનેક મકાનોને નુકસાન થયું છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

અફઘાન વિસ્તારોમાંથી આવી રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે, ભૂકંપના કારણે ઘણા વિસ્તારો બરબાદ થઈ ગયા છે. યૂરોપીય ભૂકંપ કેન્દ્રનું અનુમાન છે કે, તેના ઝટકા આશરે 500 કિલોમીટરના વિસ્તારમાં અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકો રસ્તા પર નીકળી આવ્યા છે. આ પહેલા ગત શુક્રવારે પાકિસ્તાનના ઘણા શહેરોમાં રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp