અફઘાનિસ્તાનમાં હુમલાખોરોએ સુપ્રીમ કોર્ટની બે મહિલા જજની હત્યા કરી

PC: youtube.com

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક બંદૂકધારીએ રવિવારે સવારે બે મહિલા જજની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અફઘાનિસ્તાનમાં પ્લાનિંગથી હત્યાઓની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી. અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે વાતચીત થઇ રહી હોવા છતાં પણ ત્યાં લોહીયાળ જંગ બંધ થઇ રહ્યો નથી. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા ખાસ કરીને હાઈપ્રોફાઈલ લોકોને જ નિશાન બનાવામાં આવી રહ્યા છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાની રક્ષા મંત્રાલય પેન્ટાગને જાહેરાત કરી છે કે, તે અફઘાનિસ્તાનમાં સૈન્યની સંખ્યા ઘટાડીને 2,500 કરી દેશે. બે દાયકા પછી હવે અફઘાનિસ્તાનની ધરતી પર અમેરિકાના સૈન્યની સૌથી ઓછી સંખ્યા હશે.

આ બાબતે સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અહેમદ ફહિમ કાવિમે કહ્યું કે, બંને મહિલા જજ પર પર હુમલો તે સમયે થયો જ્યારે તેઓ કોર્ટના વાહનમાં બેસીને તેમની ઓફિસ પર જઇ રહી હતી. અહેમદ ફહિમ કાવિમે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ હુમલાની ઘટનામાં બે મહિલા જજને ગુમાવ્યા છે. આ હુમલાની ઘટનામાં વાહનના ડ્રાઈવરને પણ ઈજાઓ થવા પામી છે. અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં 200 મહિલા જજ ફરજ બજાવી રહી છે.

કાબુલ પોલીસે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટે પર આ અગાઉ વર્ષ 2017માં હુમલો થયો હતો. વર્ષ 2017માં બનેલી એક ઘટનામાં એક બોમ્બરે કોર્ટ પરિસરમાં પોતાને ઉડાવી દીધો હતો. આ ઘટનામાં એક, બે નહીં પણ 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 41 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ આ મહિનામાં જ કાબુલ અને અફઘાનિસ્તાનની રાજધાનીના અન્ય શહેરોમાં અગાઉથી પ્લાનિંગથી થયેલા હુમલાઓમાં ઘણા જાણીતા નેતા, પત્રકારો, માનવ અધિકાર કાર્યકરો, ડૉકટરો અને સરકારી વકીલોની હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની સરકારે આવા હુમલાઓ પાછળ તાલિબાનનો હાથ હોવાનું જણાવ્યું છે. પણ બીજી તરફ આંતકવાદી સંગઠનો તેમના દ્વારા હુમલાઓ ન કરવામાં આવ્યા હોવાનું કહી રહ્યા છે. આ ઉપરાંત આવી ઘણી હત્યાઓની જવાબદારી તાલીબાનના હરીફ સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp