પાકિસ્તાનમાં બગડી પરિસ્થિતિ, ઇમરાન ખાનના ઘર પર પોલીસનો કબ્જો, બુલડોઝર ચલાવ્યું

PC: bbci.co.uk

તોશાખાના મામલામાં આરોપી ઇમરાન ખાન પર સંકટના વાદળ હજુ પણ મંડરાઇ રહ્યા છે. તેઓ આજે ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા માટે જઈ રહ્યા હતા, પરંતુ તેમના કાફલાને કોર્ટ જતા પહેલા ઇસ્લામાબાદ ટોલ પ્લાઝા પર જ અટકાવી દેવામાં આવ્યો છે. તેમજ, જ્યારે ઇમરાન ખાન ઇસ્લામાબાદ માટે નીકળી આવ્યા તો તેમના લાહોર સ્થિત ઘર પર પોલીસ પહોંચી. આ દરમિયાન પોલીસ અને PTI કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ પણ થઈ. ઇસ્લામાબાદ જતા ઇમરાન ખાને એક વીડિયો પણ જાહેર કર્યો. આ વીડિયોમાં ઇમરાન ખાન કહી રહ્યા છે કે, મારા ઇસ્લામાબાદ પહોંચવા પર તેઓ મારી ધરપકડ કરી લેશે. ઇમરાને કહ્યું કે, મારી ધરપકડ લંડન પ્લાનનો હિસ્સો છે. મારી ધરપકડ નવાઝ શરીફના કહેવા પર થઈ રહી છે.

તેમણે કહ્યું, હું પહેલા પણ ઇસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો હતો. ઇમરાને કહ્યું, પંજાબ પોલીસે જમાન પાર્કમાં મારા ઘર પર હુમલો કર્યો, જ્યાં બુશરા બેગમ એકલી હતી. આ કયા કાયદા અંતર્ગત કરી રહ્યા છે? આ લંડન યોજનાનો હિસ્સો છે, જ્યાં ભાગેડું નવાઝ શરીફને એક નિયુક્તિ પર સહમત થવાના બદલામાં સત્તામાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં ઇમરાન ખાનના લાહોર સ્થિત ઘરની બહાર માહોલ ખૂબ જ બગડ્યો છે. પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે, ઇમરાનના જમાન પાર્કના ઘરની છત પરથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેના જવાબમાં પોલીસે ત્યાં હાજર PTI કાર્યકર્તાઓને માર માર્યો છે.

PTI કાર્યકર્તાઓને વિખેરવા માટે પોલીસે વોટર કેનનો પણ ઉપયોગ કર્યો. જણાવી દઈએ કે, પોલીસની આ એક્શનમાં ઇમરાનના ઘરનો દરવાજો તોડવા માટે બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આજે હાજર થવા જતી વખતે પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનના કાફલાની ગાડીનું એક્સિડન્ટ થઈ ગયુ હતું. ઇમરાન ખાનના કાફલામાં ચાલી રહેલી ગાડીઓ જ એકબીજા સાથે અથડાઈ હતી. એક્સિડન્ટ બાદનો વીડિયો જોઈને સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે કે, કાફલાની બે ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ જેમાથી એક ગાડી પલ્ટી મારી ગઇ. આ એક્સિડન્ટ એ સમયે થયો જ્યારે પૂર્વ PM ઇમરાન ખાન તોશાખાના મામલામાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ જઈ રહ્યા હતા. જોકે, પૂર્વ  PM ઇમરાન ખાન દુર્ઘટનાવાળી બંને ગાડીઓ પૈકી એકપણ ગાડીમાં ન હતા.

આ એક્સિડન્ટમાં ત્રણ લોકોને ઇજા થઈ છે. ઇમરાન ખાન સંપૂર્ણરીતે સુરક્ષિત છે અને ઇસ્લામાબાદમાં તેમણે હાજર થવાનું છે. તોશાખાના મામલામાં તેમની સુનાવણી થવાની છે. દરમિયાન, ઇમરાને એવુ પણ કહ્યું કે, કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ શહબાઝ સરકાર તેમને ઇસ્લામાબાદમાં ધરપકડ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાન પર હાલ તોશાખાના મામલાના કારણે સંકટના વાદળ છવાયેલા છે. ઇમરાન ખાન પર ગિફ્ટમાં ધાંધલીનો આરોપ લાગ્યો છે. વર્ષ 2018માં દેશના PM તરીકે તેમને યૂરોપ અને ખાસ કરીને આરબ દેશોની યાત્રા દરમિયાન ઘણી કિંમતી ગિફ્ટ્સ મળી હતી. કથિતરીતે ઘણી બધી ગિફ્ટ્સને ઇમરાને ડિક્લેયર ના કરી. જ્યારે ઘણી ગિફ્ટ્સને અસલ કિંમત કરતા ઘણી ઓછી કિંમત પર ખરીદી લીધી અને બહાર જઈને મોંઘા ભાવે વેચી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp