આ જગ્યાએ કોરોનાની વેક્સીન ન લેવા પર સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે

PC: google.com

કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીનેશન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ક્યાંક પૈસા આપવામાં આવી રહ્યા છે તો ક્યાંક લકી ડ્રો કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાકિસ્તાનમાં વેક્સીન ન લેવા પર સીમ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે ગુરુવારે એ લોકોના મોબાઈલ સિમ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો જે કોરોના વાયરસની વેક્સીન નહીં લે.

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. યાસ્મિન રાશિદની અધ્યક્ષતામાં થયેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે લોકો વેક્સીન નહીં લે, તેમના સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. આ બેઠકમાં સિવિલ અને સૈન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ નિર્ણય લીધો હતો કે 12 જૂનથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વોક ઇન વેક્સીનેશનની શરૂઆત કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પાકિસ્તાને 70 લાખ લોકોને વેક્સીન લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

રાજ્ય સરકાર આખા રાજ્યમાં ધાર્મિક સ્થળો બહાર મોબાઈલ વેક્સીનેશન શિબિર લગાવશે અને પ્રાથમિક આધાર પર કેન્સર અને એડ્સથી પીડિત લોકોનું વેક્સીનેશન કરશે. સરકારે કહ્યું કે વેક્સીન લીધા બાદ જ લોકો સિનેમા, રેસ્ટોરાં અને લગ્નમાં સામેલ થઈ શકશે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે, જ્યારે રાષ્ટ્રીય કમાન અને સંચાલન કેન્દ્ર (NCOC) દ્વારા 18 વર્ષથી ઉપરના બધા નાગરિકો માટે શુક્રવારે 11 જૂનથી વોક ઇન વેક્સીનેશન સુવિધા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આજથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકો વોક ઇન સુવિધા સાથે સેન્ટર પર વેક્સીન લઈ શકે છે એટલે કે જે વહેલા તે પહેલાના આધાર પર વેક્સીન લાગશે. પાકિસ્તાનન પંજાબ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી. ડૉ. યાસ્મિન રશિદે જણાવ્યું હતું કે અમે એવા લોકોની લિસ્ટ તૈયાર કરી રહ્યા છે, જેમણે કોરોના વેક્સીનનો બીજો ડોઝ અત્યાર સુધી લીધો નથી. એવા ઘણા લોકો છે જે કોરોના વેક્સીન લીધા બાદ સંક્રમિત થઈ ગયા હતા, જેના કારણે તેઓ બીજો ડોઝ લઈ શક્યા નથી, જ્યારે કેટલાક કેસમાં પહેલા ડોઝ બાદ સંક્રમણથી દર્દીઓના મોત થઈ ગયા. એવા લોકોની લિસ્ટ બનાવીને તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp